અમદાવાદના ભુલાભાઇ પાર્ક પાસે વિદ્યાર્થિનીની છેડતી કરવી એક રોમિયોને ભારે પડી છે. સ્થાનિકોએ રસ્તે જતી વિદ્યાર્થિનીની છેડતી કરનાર યુવકને પકડીને બરાબરનો ધોઈ નાંખ્યો હતો. આ સાથે વિદ્યાર્થિનીએ પણ પટ્ટા વડે તેને માર માર્યો હતો. ઘટનાની જાણ પોલીસને કરતા તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને રોમિયો યુવકની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. હાલ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના ભુલાભાઇ પાર્ક ચાર રસ્તા પાસે વહેલી સવારે એક વિદ્યાર્થિની સ્કૂલે જતી હતી. ત્યારે એક યુવકે વિદ્યાર્થિનીની પાછળ જઈને છેડતી કરી હતી, જેનો વિદ્યાર્થિનીએ પ્રતિકાર કરીને બૂમાબૂમ કરતાં રસ્તા પર જતાં સ્થાનિક લોકોએ પણ છેડતીના બનાવ જોતાં તરત જ યુવકને રોકીને માર્યો હતો. જોકે આ યુવક અવારનવાર છેડતી કરતો હોવાનો પણ સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. છેડતીનો ભોગ બનનાર વિદ્યાર્થિનીએ લોકોને આપવીતી જણાવતા સ્થાનિક મહિલા અને પુરુષોએ ભેગા મળીને યુવકને માર મારીને કાગડાપીઠ પોલીસને સોંપી દીધો હતો. પોલીસે યુવકની અટકાયત કરવાની કાર્યવહી શરૂ કરી હતી. યુવકનું નામ વિજય સરકરે અને ભુલાભાઇ પાર્ક પાસે જ રહેતો હોવાની પ્રાથમિક માહિતી મળી છે.
વિદ્યાર્થિનીની માતાએ આ અંગે છેડતી અને પોસ્કો એક્ટ મુજબ ફરિયાદ નોધાવી છે. ફરિયાદ મુજબ આરોપી વિજયે ગઈકાલે વિદ્યાર્થિનીને ગિફ્ટ આપી હતી. આરોપીએ વિદ્યાર્થિનીને જાહેરમાં ‘આઈ લવ યુ’ કહીને શારીરિક અડપલાં પણ કર્યા હતા.