પ્રયાગરાજ, તા. ૧૦ અલ્લાહાબાદ હાઈકોર્ટે થોડા સમય પહેલાં સગીરાના બ્રેસ્ટ પકડવા કે પાયાજામાનું નાડુ તોડવું એ બળાત્કારનો પ્રયાસ ના ગણાય એવી આઘાતજનક ટીપ્પણી કરી હતી. હવે એવી જ આઘાતજનક વર્તણૂકમાં અલાહાબાદ હાઈકોર્ટના જસ્ટિસ સંજય કુમાર સિંહે બળાત્કારના કેસમાં છોકરીને તેના પર થયેલા બળાત્કાર માટે દોષિત ગણાવીને બળાત્કારના આરોપીને જામીન આપી દીધા.
અલ્લાહાબાદ હાઈકોર્ટની રેપ કેસમાં જામીન આપતી વખતે આઘાતજનક ટીપ્પણી
જસ્ટિસ સંજય કુમાર સિંહે આઘાતજનક ટીપ્પણી કરી કે, પીડિતાના બળાત્કારના આક્ષેપને સાચો માનવામાં આવે તો પણ એવું પણ કહી શકાય કે, તેણે પોતે જ મુશ્કેલીને નિમંત્રણ આપ્યું હતું અને પોતાના પર થયેલા બળાત્કાર માટે પોતે જ જવાબદાર છે. કોર્ટે એવી ટીપ્પણી પણ કરી કે, તબીબી તપાસમાં યોનિપટલ (હાઈમન) તૂટેલું જોવા મળ્યું પણ ડૉક્ટરે જાતિય હિંસા થઈ હોવાનું કહ્યું નથી તેથી બંનેની સંમતિથી સેક્સ થયું હતું. આ બળાત્કારનો કેસ ૨૦૨૪ના સપ્ટેમ્બરમાં બન્યો હતો. ૨૧ સપ્ટેમ્બર,૨૦૨૪ના રોજ ગૌતમ બુદ્ધનગરની એમએની વિદ્યાર્થિનીએ સેક્ટર ૧૨૬ પોલીસ સ્ટેશનમાં પોતાની સાથે ભણતા વિદ્યાર્થી સામે બળાત્કારની ફરિયાદ કરી હતી. નોઈડાના સેક્ટર ૧૨૬માં આવેલી પીજી હોસ્ટેલમાં રહીને ભણતી વિદ્યાર્થી ૨૧ સપ્ટેમ્બર, ૨૦૨૪ના રોજ મિત્રો સાથે દિલ્હી ફરવા ગઈ હતી. તેમણે હીઝ ખાસમાં પાર્ટી કરી હતી. તેની ત્રણ ફ્રેન્ડ અને ત્રણ છોકરાની પાર્ટીમાં નિશ્ચલ ચાંડક પણ હતો. બારમાં સૌએ દારૂ પીધો હતો.પીડિત વિદ્યાર્થિની પણ નશામાં હતી પાર્ટી પતી ત્યારે રાત્રે ૩ વાગી ગયા. હોવાથી નિશ્ચલે તેને પોતાની સાથે આવવા કહ્યું હતું અને પોતે તેને તેના સંબંધીના ઘરે મૂકી જશે એવી ખાતરી આપી હતી. નિશ્વલની વારંવારની વિનંતી પછી વિદ્યાર્થિની તેની સાથે જવા તૈયાર થઈ હતી. વિદ્યાર્થિનીનો આક્ષેપ છે કે, નિશ્ચલે રસ્તામાં તેને અયોગ્ય રીતે સ્પર્શ કરીને અણછાજતી છૂટ લીધી હતા અને વિદ્યાર્થિનીને નોઈડાના સંબંધીના ઘરે લઈ જવાના બદલે હરિયાણાના ગુરુગ્રામમાં પોતાના એક સંબંધીના ફ્લેટમાં લઈ ગયો હતો. ફ્લેટમાં નિશ્ચલે તેના પર બે વાર બળાત્કાર ગુજાર્યો હતો.

