600 કરોડના કૌભાંડ બાદ તંત્ર સફાળું જાગ્યું.
મળતી માહિતી અનુસાર સચિન ખાતે આવેલા SEZ (સ્પેશિયલ ઈકોનોમિક ઝોન) માંથી મીત કાછડિયાએ લેબગ્રોન હીરાની સાથે નેચરલ હીરાની ભેળસેળ કરીને 600 કરોડનું કૌભાંડ કર્યુ હતું. જેથી હવે હવે SEZમાંથી અન્ય કોઈ વેપારી કૌભાંડ કરે તો તરત જ પકડાઈ જાય તે માટે SEZ માં હીરાની ચકાસણી માટેનું મશીન મુકવામાં આવ્યું છે. સચિનમાં આવેલા SEZ માં 120 જેટલા યુનિટો કાર્યરત છે. જેમાંથી 94 જેટલા હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા એકમો છે. દરમિયાન ગત 30 મે ના રોજ મિત કાછડિયાએ શરૂ કરેલી યુનિવર્સલ ડાયમંડ કંપનીનું કૌંભાડ પકડાયું હતું.

આ સમગ્ર કૌભાંડ સચીન SEZ માંથી આચરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે.સુરતમાં 4 વર્ષ અગાઉ DRI (ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ) દ્વારા પકડાયેલા બોગસ હીરા નિકાસ કેસમાં હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ પ્રવેશ કર્યો છે અને 204.62 કરોડના હીરા જપ્ત કર્યા છે. આ એ જ હીરા છે જે અગાઉ DRIએ કબજે કર્યા હતા.4 વર્ષ પહેલાં DRIએ 23 વર્ષીય આરોપી મિત કાછડિયા સાથે સંકળાયેલી કંપની ‘યુનિવર્સલ’ પર દરોડા પાડ્યા હતા અને લગભગ 200 કરોડના હીરા જપ્ત કર્યા હતા, જેમાં મોટાભાગના હીરા નેચરલ હતા. તે સમયે અધિકારીઓએ તપાસ દરમિયાન શોધી કાઢ્યું હતું કે, આરોપીએ પોતાની ફેક્ટરીમાં સિન્થેટિક ડાયમંડ પ્રોસેસ કરીને તેની નિકાસ કરવાનું શરૂ કર્યું હતું. જોકે, સિન્થેટિક ડાયમંડની આડમાં નેચરલ ડાયમંડની નિકાસ કરાતી હોવાનું ધ્યાન પર આવ્યું હતું. આ કેસમાં બાદમાં મિત કાછડિયાની ધરપકડ કરવામાં આવી હતી, જે હાલ જામીન પર મુક્ત છે. હાલ ED દ્વારા જે ડાયમંડ જપ્ત કરવામાં આવ્યા છે, તેની કિંમત 204.62 કરોડ છે અને તેમાં પણ નેચરલ ડાયમંડની સંખ્યા વધુ છે.પરંતુ SEZ માંથી નિકાસ કરવામાં આવે તો કોઈ ટેક્સ કે ડ્યુટી ભરવાની થતી નથી. આ ઉપરાંત, આવકવેરાનો પણ મુદ્દો સામે આવતો હોય છે. આ જ કારણોસર અનેક પેઢીઓ સિન્થેટિકની આડમાં નેચરલ ડાયમંડ વિદેશ મોકલી આપતી હતી.

હવે ED આ દિશામાં તપાસ કરી રહી છે કે કઈ કઈ પેઢીઓ અને કંપનીઓએ નેચરલ ડાયમંડ વિદેશ મોકલી આપ્યા અને પોતાના ચોપડે ટર્નઓવર ઘટાડીને દરેક જાતના ટેક્સ પણ બચાવી લીધા. EDની આ એન્ટ્રીથી આ કેસનો વ્યાપ વધવાની અને વધુ કંપનીઓ તથા વ્યક્તિઓ તપાસના દાયરામાં આવવાની શક્યતા છે.