સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની આજે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા ખાડીપૂર મામલે ભાજપ પર આક્ષેપો કરવામાં આવ્યા હતા જેને લઈને શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં સામાન્ય સભામાં વાતાવરણ તંગ બન્યું હતું. આ દરમિયાન ભાજપના કોર્પોરેટર દીપેન દેસાઈ AAPના વિપુલ સુહાગિયાને તમાચો મારવા દોડી જતાં સામાન્ય સબામાં હોબાળો મચી ગયો હતો. જ્યારે સામાન્ય સભામાંથી વિપક્ષ નેતા, ઉપનેતા અને પૂર્વ વિપક્ષ નેતાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.સામાન્ય સભા પહેલાં વિરોધ પક્ષ દ્વારા પ્રતિકાત્મક રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને સુરત શહેરમાં જે પ્રકારે ખાડી પૂર આવ્યું છે તેના માટે ભાજપ જવાબદાર હોવાના આક્ષેપ સાથે ખાડીપૂર કોણ લાવ્યું… કોણ લાવ્યું… ભાજપ લાવ્યું… ભાજપ લાવ્યું…, સુરતને પાણીમાં કોણે ડુબાડ્યું… ભાજપે ડુબાડ્યું… ભાજપે ડુબાડ્યુંના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.