ખેડા, રાજ્યમાં માર્ગ અકસ્માતો ઝડપથી વધી રહ્યા છે. ઝડપભેર દોડતા વાહનો નિર્દોષ લોકોને પોતાનો શિકાર બનાવી રહ્યા છે. નડિયાદમાં પુરપાટ ઝડપે આવતી કારે પેડલ રિક્ષા સહિત ત્રણ વાહનોને ટક્કર મારી હતી. રાહતની વાત એ છે કે આમાં કોઈ જાનહાનિ થઈ નથી. પેડલ રિક્ષા ચાલક ગંભીર રીતે ઘાયલ થયો હતો, જેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, ખેડા જિલ્લાના નડિયાદમાં કોલેજ રોડ પર આવેલી આયુર્વેદિક હોસ્પિટલની સામે પૂરપાટ ઝડપે આવતી સ્વીફ્ટ કારે પેડલ રિક્ષા સહિત ત્રણ વાહનોને ઉડાવી દીધા હતા. જે બાદ અનિયંત્રિત કાર રોડ ડિવાઈડર અને ઈલેક્ટ્રીક પોલ સાથે અથડાઈ હતી. ભીડભાડવાળા વિસ્તારમાં બનેલા આ અકસ્માત બાદ ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. આ ઘટનામાં પેડલ રિક્ષા ચાલક ગંભીર રીતે ઘાયલ થયો હતો, જેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ નડિયાદ શહેર પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર ચાલકની પૂછપરછ હાથ ધરી હતી.કાર ચાલક દારૂના નશામાં હતો અને તેની કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી હતી. પોલીસે કાર ચાલક રવિસિંહની ધરપકડ કરી તેની સામે ડ્રિંક એન્ડ ડ્રાઈવ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.