અમદાવાદમાં પકડાયેલા બાંગ્લાદેશીઓ પૈકી શંકાસ્પદ ગતિવિધિ ધરાવતા લોકોની જોઈન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટર ખાતે બારીક તપાસ થશે: રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાય
અમદાવાદમાં પકડાયેલા બાંગ્લાદેશીઓ પૈકી શંકાસ્પદ ગતિવિધિ ધરાવતા લોકોની જોઈન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટર ખાતે બારીક તપાસ થશે: રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાય
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગુજરાત પોલીસે ગેરકાયદેસર રીતે રાજ્યમાં વસવાટ કરનારા બાંગ્લાદેશીઓ વિરુદ્ધ અત્યાર સુધીનું સૌથી મોટું અભિયાન હાથ ધર્યું છે. આ અભિયાન અંતર્ગત એક જ રાત્રિમાં અમદાવાદ પોલીસે ૮૯૦ અને સુરત પોલીસે ૧૩૪ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા છે.





સુરત પોલીસ કમિશનરની કચેરી ખાતેથી આજે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યના તમામ જિલ્લાના પોલીસ વડાઓ, રેન્જ વડા અને લૉ એન્ડ ઓર્ડર તેમજ આઈ.બીના ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજીને આ અભિયાનને વધુ સઘન બનાવવા અને બાંગ્લાદેશીઓની તમામ ગતિવિધિઓ અંગે બારીક તપાસ કરીને કડક કાર્યવાહીના નિર્દેશ આપ્યા હતા. બીજી તરફ આજે અમદાવાદ પોલીસ કમિશનર કચેરી ખાતેથી રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે પત્રકાર પરિષદ યોજી આ અભિયાનની વિસ્તૃત વિગતો આપી હતી.
રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે જણાવ્યું કે, બનાવટી દસ્તાવેજો બનાવનારા બંગાળના ગુનાહિત નેટવર્કની તપાસ ચાલુ છે. ઝડપાયેલા બાંગ્લાદેશીઓને કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરી તેમના મૂળ દેશ બાંગ્લાદેશ પરત મોકલવામાં આવશે.
આ અભિયાન રાજ્યમાં ગેરકાયદેસર ઘૂસણખોરી અને ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે, અને ગુજરાત પોલીસ આગામી દિવસોમાં આવી કામગીરીને વધુ તીવ્ર બનાવશે.
ગૃહ રાજ્યમંત્રીશ્રીની ચેતવણી:
શ્રી હર્ષ સંઘવીએ ગેરકાયદેસર વસવાટ કરનારા બાંગ્લાદેશીઓને બે દિવસમાં સ્વૈચ્છિક રીતે પોલીસ સ્ટેશનમાં સરેન્ડર થવા ચેતવણી આપી છે, નહીં તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ ગેરકાયદેસર ઘૂસણખોરોને આશરો આપનારાઓ સામે પણ કડક પગલાં લેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
અભિયાનની મુખ્ય વિગતો:
મોટું ઓપરેશન:
ગત રાત્રે ગુજરાત પોલીસે રાજ્યવ્યાપી ઓપરેશન હાથ ધર્યું, જેમાં અમદાવાદમાં 890 અને સુરતમાં 134 ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ ઝડપાયા.
આ બાંગ્લાદેશીઓ પૈકી મોટાભાગના લોકો બંગાળમાંથી બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરી ગુજરાત સહિત ભારતના વિવિધ રાજ્યોમાં વસવાટ કરતા હતા. તે અંગે બારીક તપાસ જોઈન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટર ખાતે ચલાવવામાં આવી રહી છે.
ગુનાહિત પ્રવૃત્તિઓ:
બાંગ્લાદેશીઓ અગાઉ ડ્રગ્સ, હ્યુમન ટ્રાફિકિંગ અને અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોવાનું જણાયું છે.
ચાર ઝડપાયેલા બાંગ્લાદેશીઓમાંથી બે અલ-કાયદાના સ્લીપર સેલ તરીકે કામ કરતા હોવાની શંકા છે, અને તેમની ગતિવિધિઓની તપાસ ચાલુ છે.