સ્વાસ્થ્ય આપતો શિયાળો હાલ ચાલી રહ્યો છે. તેમ છતાં રોગચાળા કાબુ ન આવ્યો હોવાનું સામે આવ્યું છે. એક પછી એક લોકોના રોગચાળાના ભરડામાં મોત થઈ રહ્યાં છે. ત્યારે અંકલેશ્વરના 3 મહિનાના માસૂમ બાળકનું ન્યુમોનિયાથી મોત થયું છે. એક મહિનાથી પીડિત માસૂમને સારવાર દરમિયાન ટીબી પણ થયો હતો. જેની સારવાર ખાનગી હોસ્પિટલ બાદ સિવિલમાં ચાલતી હતી. જ્યાં તેનું આજે મોત થયું હતં.
અંકલેશ્વરમાં રહેતા ઉત્કર્ષ વિશ્વકર્માને એક મહિના અગાઉ ન્યુમોનિયા થયો હતો. જેથી અંકલેશ્વરમાં શરૂઆતમાં સારવાર બાદ માસૂમને સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લવાયો હતો. સારવાર દરમિયાન બાળકને ટીબી હોવાનું પણ સામે આવ્યું હતું. બાદમાં બાળકને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન બાળકનું મોત નીપજ્યું હતું.
એક મહિનાની સારવાર બાદ પણ દિવસે દિવસે બાળકની હાલ સુધરવાને બદલે કથળતી જતી હોવાનું પરિવારે કહ્યું હતું. તબીબોએ ભરપૂર પ્રયત્નો કરવા છતાં તેને બચાવી શકાયું નહોતું. જેથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો હતો. પરિવારજનો મૃત બાળકની અંતિમ વિધિ માટે મૃતદેહ લઈને ગયા હતાં.