Home Blog Page 51

ગુરૂ પૂર્ણિમાના પાવનદિને પાંડેસરામાં રહેતા બ્રેઈનડેડ સેવકરામના બે કિડનીના દાનથી બે વ્યક્તિઓને નવજીવન

0
ક્રાંતિ સમય

સુરત, ગુરૂ પૂર્ણિમાના પાવનદિને સુરતની નવી સિવિલ હોસ્પિટલથી વધુ એક સફળ અંગદાન થયું છે. સુરતના પાંડેસરાના સેવકરામ કાલુ રાજોરે બ્રેઈનડેડ થતા તેમની બે કિડનીના દાનથી બે જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળશે. નવી સિવિલના માધ્યમથી અંગદાનની સદી પાર થવા સાથે સિવિલ આરોગ્યતંત્રના પ્રયાસોથી છેલ્લા છ મહિનામાં અંગદાનની ૩૨ ઘટનામાં કુલ ૧૦૨ અંગોનું દાન થયું છે. ગુરૂ પૂર્ણિમાના પાવનદિને જીવનપથમાં જ્ઞાન અને માર્ગદર્શન આપનાર ગુરૂનો મહિમા અનેરો હોય છે, જેમ ગુરૂજનો વિદ્યાદાન કરીને શિષ્યના જીવનને ઉજ્જવળ બનાવે છે, એવી જ રીતે સ્વ.સેવકરામ મૃત્યુ પામીને પણ કિડનીના દાનથી જરૂરિયાતમંદ દર્દીઓના જીવનમાં નવો ઉજાસ ફેલાવવામાં નિમિત્ત બન્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ મધ્યપ્રદેશના ખંડવા જિલ્લાના પંધાણા તાલુકાના સેગવાલ ગામના વતની ૪૬ વર્ષીય સેવકરામ રાજોરે સુરતના પાંડેસરા હાઉસિંગમાં પત્ની રમાબાઈ, ત્રણ પુત્રીઓ અને એક પુત્ર સાથે રહેતા હતા, અને મોચી કામ કરી પરિવારનું ભરણપોષણ કરતા હતા. ગત તા.૩૦મી જૂને તેઓ રાત્રે જમીને પરિવાર સાથે ટીવી જોઈ રહ્યા હતા, એ દરમિયાન શરીરની એક બાજુ પેરેલિસિસ (લકવા) એટેક આવ્યો હોય એમ તેમના શરીરનો એક ભાગ જકડાઈ ગયો હતો. જેથી તેમને સારવાર માટે વલસાડની ડુંગરી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. નિદાનમાં Intraparenchymal hemorrhage (IPH) અને intraventricular hemorrhage (IVH) થયું હોવાનું જણાતા આ હોસ્પિટલના તબીબે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં વધુ સઘન સારવાર માટે રિફર કર્યા હતા. તા.૧લી જુલાઈએ નવી સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમને તા.૨ જુલાઈએ બ્રેઈનડેડ જાહેર કરાયા હતા.

રાજોરે પરિવારના સભ્યોને સોટોની ટીમના ડો.નિલેશ કાછડીયા, RMO ડો.કેતન નાયક, ઈકબાલ કડીવાલા, કાઉન્સેલર નિર્મલા કાથુડ અને ગુલાબભાઈએ અંગદાનનું મહત્વ સમજાવ્યું. જેથી અન્યને નવું જીવન મળતું હોય તો સેવકરામના પત્ની, સંતાનો સહિત રાજોરે પરિવારના સભ્યોએ દુઃખની ઘડીમાં પણ અંગદાન માટે આગળ વધવા સમંતિ આપી હતી. તા.૩ જુલાઈએ બ્રેઈનડેડ સેવકરામની કિડનીઓનું દાન સ્વીકારવામાં આવ્યું હતું. સિવિલ હોસ્પિટલના સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.ગણેશ ગોવેકર, RMO ડો.કેતન નાયક, પ્લાસ્ટિક સર્જન ડો.નિલેશ કાછડિયા, ન્યુરો ફિઝિશીયન ડો.પરેશ ઝાંઝમેરા, નર્સિંગ કાઉન્સીલના ઉપાધ્યક્ષશ્રી ઈકબાલ કડીવાલા, નર્સિંગ સ્ટાફ, સિકયુરિટી સ્ટાફે અંગદાનમાં જહેમત ઉઠાવી હતી. નવી સિવિલ હોસ્પિટલના સફળ પ્રયાસોના પરિણામે વધુ એક અંગદાન સાથે ૩૨મુ અંગદાન થયું છે એમ ડો.ગોવેકરે જણાવ્યું હતું.

૬૨મી સુબ્રટો કપ ઇન્ટરનેશનલ ફુટબોલ ટુર્નામેન્ટ-૨૦૨૩ અંતર્ગત જિલ્લા કક્ષાની ફૂટબોલ સ્પર્ધા યોજાશે

0
ક્રાંતિ સમય

સુરત, આ વર્ષે ૬૨મી સુબ્રટો કપ ઇન્ટરનેશનલ ફુટબોલ ટુર્નામેન્ટ-૨૦૨૩ અંતર્ગત સુરત શહેર-ગ્રામ્યના ખેલાડીઓ માટે જિલ્લા કક્ષાની ફુટબોલ સ્પર્ધા યોજાશે. જેમાં તા.૧-૧-૨૦૧૦ સુધી ૧૪ વર્ષ પૂર્ણ થયા હોય તેવા અંડર- ૧૪ના ખેલાડીઓનું તેમજ તા.૧-૧-૨૦૦૭ સુધી ૧૭ વર્ષ પૂર્ણ કર્યા હોય તેઓનું અંડર-૧૭નું બીજુ ગ્રુપ એમ બે વયજૂથમાં સ્પર્ધા યોજાશે. સ્પર્ધા માટે તમામ શાળાઓએ www.sunrotocup.in વેબસાઈટ પર ભાગ લેવા ઇચ્છુક તમામ ખેલાડીઓની વ્યક્તિદીઠ રૂા.૨,000 ઓનલાઈન એન્ટ્રી ફી ભરવાની રહેશે. તેમજ શાળાના લેટરપેડ પર ખેલાડી, કોચ અને મેનેજરના નામ, આચાર્યના સહી-સિકકા સાથે ઓનલાઇન એન્ટ્રીની વિગત અને એન્ટ્રી ફીની રસીદ જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રીની કચેરી, પહેલો માળ, સુડા ભવન, આભવા રોડ, વેસુ ખાતે તા.૦૭-૦૭-૨૦૨૩ના સાંજે ૫.૦૦ વાગ્યા સુધીમાં જમા કરાવવા. સ્પર્ધાના સ્થળ અને તારીખની જાણ આ કચેરી બાદમાં કરશે એમ જિલ્લા રમત વિકાસ અધિકારી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, સુરતની યાદીમાં જણાવાયું છે.

SGCCI ના ઈન્ટરનેશનલ કન્વેંશન સેંટરના વિસ્તરણ માટે ૨૩૪૫ લાખ રુપિયા રાજય સરકારે મંજૂર કર્યા-હર્ષ સંઘવી

0
ક્રાંતિ સમય

ધી સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, સુરતના નવનિયુક્ત પ્રમુખ અને એમની ટીમના પદગ્રહણ સમારંભમાં ગુજરાતના ઉધોગ રાજયમંત્રી અને ગૃહ રાજયમંત્રીશ્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતાં. પોતાના સંબોધનમાં મંત્રીશ્રીએ નવનિયુક્ત ટીમને શુભકામના પાઠવી હતી અને પોતાના વિચારો વ્યકત કર્યા હતાં. મંત્રીશ્રીએ કહ્યું હતું કે ” રાજય સરકાર આગળ ચેંબરના કન્વેનશન સેન્ટરના વિસ્તરણ માટે ઘણી રજૂઆતો કરવામાં આવતી હતી. જેથી વધારે માત્રામાં મોટી કક્ષાના એક્ઝીબીશનો આયોજીત કરી શકાય. રાજય સરકારે એના પર ગહનતાથી વિચાર કરીને સુરતના ડાયમંડ અને ટૅક્ષટાઈલ ઉધોગને પ્રગતિના પંથે ઝડપ મળૅ તે માટે કન્વેંશન સેંટરના વિસ્તરણ માટે રાજય સરકાર વતી ૨૩૪૫ લાખ રુપિયા મંજૂર કર્યા છે.સાથે મંત્રીશ્રીએ ઉમેર્યુ હતું કે, ” આ વિસ્તરણને પગલે શહેરને વધુમાં વધુ લાભ થશે. આ વિસ્તરણને પગલે મુંબઈ, બેંગ્લુરુમાં જેવા એક્ઝીબીશન થાય છે તેવા સુરત ખાતે પણ આયોજીત થશે.”

ચેમ્બરના વર્તમાન પ્રેસિડેંટ હિમાંશુ બોડાવાલાના એક વર્ષના કાર્યકાળને બિરદાવતા માનનીય મંત્રીશ્રીએ કહ્યું હતું કે , વીતેલા એક વર્ષમાં ચેંબરની ઔધોગિક ઉન્નતિ માટૅના નીત નવીન એક્ઝીબીશનો, કાર્યક્રમો થકી એમણે ચેંબરને એ જ દિશામાં આગળ ધપાવી છે જે એક ઔધોગિક સંસ્થાના સંગઠનોએ કરવું જોઈએ. ચેમ્બરના પ્રેસિડેંટ તરીકે પદગ્રહણ કરનારા શ્રી રમેશભાઈ વઘાસિયાએ નવી શરુઆત કરવાની છે. ” મંત્રીશ્રીએ સાથે પોતાનું નિરીક્ષણ રજૂ કરતાં કહ્યું કે, ” મંચસ્થ મહાનુભાવોના નામો સાથે વાહવાહી કરવાને બદલે સહુનું સ્વાગત એક સાથે કરીને તેમણે બિઝનેસમેન લોકોનો સમય બચાવી ચેમ્બરની ગરિમાને છાજે એવું કાર્ય કર્યુ છે. “

મંત્રીશ્રીએ ઉમેર્યુ હતું કે, ” ચેંબર ઓફ કોમર્સ સુરતની એવી સંસ્થા છે. કે જે સુરતના તમામ ઉધોગોનો ને દિશા અને દોરવણી આપવાનું કાર્ય કરે છે. બધા જ ઉધોગોના પ્રશ્નો વાચા આપવા માટે પ્રતિનિધિત્વ પૂરું પાડે છે. પીએમ મિત્ર પાર્કને લઈને વડાપ્રધાનશ્રી નરેંદ્ર મોદીજી, કેંદ્રિય મંત્રીશ્રીમતી દર્શનાબેન જરદોશનો આભાર વ્યકત કરું છું. આવતી 13 તારીખે એના MoU થવા જઈ રહ્યું છે ત્યારે રાજયના ઉધોગમંત્રી તરીકે આનંદની લાગણી અનુભવું છું. તમને જણાવતાં ગર્વ થાય છે કે ઉભરાટ પરથી સાકારિત થનાર બ્રીજને કારણે કન્વેંશન સેન્ટરથી પીએમ મિત્ર પાર્ક માત્ર ૨૦ મિનિટમાં જ પંહોચી શકાશે. રાજય સરકાર વતી ખાતરી આપું છું કે ઝડપથી સાકારિત થશે આ પીએમ મિત્ર પાર્ક અને વિકાસની નવી સિધ્ધિઓ આ પાર્ક સ્થાપિત કરશે. “

પાંડેસરા વિસ્તારમાં સ્તનપાન કરાવ્યા બાદ બાળકનું મોત

0
ક્રાંતિ સમય

સુરતના પાંડેસરા વિસ્તારમાં રાત્રે 1 મહિનાના બાળકનું સ્તનપાન કરાવ્યા બાદ મોત નીપજ્યું હતું. પાંડેસરા વિસ્તારમાં મૂળ ઉત્તરપ્રદેશનો મુકેશ મૌર્યા પરિવાર સાથે રહે છે. પરિવારમાં એક દીકરી અને એક મહિનાનો એક દીકરો અને પત્ની છે. મુકેશ મશીન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. પત્નીએ એક મહિના પહેલાં પુત્ર દિવ્યાંશને જન્મ આપ્યો હતો. માતા અને પરિવાર પણ ખૂબ જ ખુશ હતાં. માતાએ દિવ્યાંશને રાત્રે સ્તનપાન કરી સુવડાવ્યો હતો. ત્યાર બાદ બાળકને સવારે 3 વાગ્યે સ્તનપાન કરાવ્યું હતું. જોકે સવારે 6 વાગ્યે દૂધ પિવડાવવા માતાએ ઉઠાડવાની કોશિશ કરી પણ તે ઊઠ્યો નહિ, જેથી તેણે પતિને જાણ કરી હતી. પિતાએ પણ પુત્રને ઉઠાડવાનો પ્રયાસ કર્યો હતો, પણ તે કોઈ હલન-ચલન કરતો નહોતો, જેથી પરિવારે તેને હોસ્પિટલ લઈ જવા તૈયારી કરી હતી.

આ દુર્ઘટના અંગે પિતાએ જણાવ્યું હતું કે પુત્રનું શરીર ઠંડું પડી જતાં સારવાર માટે તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ લઇને આવ્યા હતા. હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસી તેને મૃત જાહેર કર્યો હતો. જાણ થતાં પોલીસે પરિવારના નિવેદન લઈ વધુ તપાસ હાથ ધરી.

બારડોલીના સરભોણ ગામથી સુરત જિલ્લાના ‘રાષ્ટ્રીય સિકલસેલ એનિમિયા નિર્મૂલન અભિયાન’નો પ્રારંભ કરતા આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ

0
ક્રાંતિ સમય

વર્ષ ૨૦૪૭ સુધીમાં દેશમાંથી સિકલસેલ એનિમિયા નાબૂદીની લક્ષ્ય સિદ્ધિ માટે સમગ્ર દેશ સહિત રાજ્યના ૧૪ જિલ્લાઓમાં ‘રાષ્ટ્રીય સિકલસેલ એનિમિયા નિર્મૂલન અભિયાન’ની શરૂઆત કરવામાં આવી છે, જેના ભાગરૂપે આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર રાજ્યમંત્રીશ્રી કુંવરજી હળપતિએ બારડોલી તાલુકાના સરભોણ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરથી સુરત જિલ્લાના ‘રાષ્ટ્રીય સિકલસેલ એનિમિયા નિર્મૂલન અભિયાન’નો પ્રારંભ કરાવ્યો હતો. આ અવસરે મહાનુભાવોના હસ્તે સિકલસેલ એનિમિયા નિર્મૂલન કાર્ડ અને આયુષ્યમાનકાર્ડનું વિતરણ કરાયું હતું. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ “રાષ્ટ્રીય સિકલસેલ એનિમિયા નાબૂદી મિશન-૨૦૪૭”નો મધ્યપ્રદેશ ખાતેથી દેશવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. તેમણે સમગ્ર દેશને વર્ચ્યુઅલી સંબોધન પણ કર્યું હતું.

આ પ્રસંગે મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું હતું કે, ૭૦૬ સમુદાયો ધરાવતો આદિવાસી સમાજનો દેશની કુલ વસ્તીમાં ૬.૮ ટકા હિસ્સો છે, ત્યારે કેન્દ્ર સરકારની રૂ.૧૫,૦૦૦ કરોડની જોગવાઈ સાથે સરકારે આદિવાસી સમાજને સિકલસેલ મુક્ત બનાવી તેમના યોગ્ય ઘડતર માટેના સઘન પ્રયત્નો હાથ ધર્યા છે. આઝાદીના ૧૦૦ વર્ષે એટલે કે ૨૦૪૭ સુધીમાં સમગ્ર દેશમાંથી સંપૂર્ણ પણે સિકલસેલ નાબૂદી અર્થે ‘સિક્લસેલ મુ્કત ભારત’ના ધ્યેય સાથે સરકાર સતત કાર્યરત હોવાનું તેમણે ઉમેર્યું હતું.
મંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે, આઝાદીના ૭૫ વર્ષ પુર્ણતાના અવસરે વૈશ્વિક નેતા તરીકે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અવિરત કાર્ય કરી રહ્યા છે.એવી જ રીતે રાજ્યમાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પેટલ પ્રજાની સુખાકારી માટે અનેકવિધ કાર્ય કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, આદિવાસી સમાજ માટે સૌપ્રથમવાર ગુજરાત સરકારે રૂ.૩,૪૧૦ કરોડના બજેટની જોગવાઈ કરી આદિવાસી પ્રજાની સુખાકારી માટેનું પગલું માંડ્યું છે. તેમજ છેવાડાના આદિવાસી લોકોના હિત માટે સરકાર હંમેશા પ્રયત્નશિલ હોવાનું ઉમેરી સરકારની વનબંધુ યોજના થકી ગરીબ આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ દરેક ક્ષેત્રમાં અભ્યાસ કરી સમાજનું નામ ઉજવળ કરી રહ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

આ પ્રસંગે સાંસદશ્રી પ્રભુભાઈ વસાવાએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વ હેઠળ કાર્યરત ‘રાષ્ટ્રીય સિકલસેલ એનિમિયા નિર્મૂલન અભિયાન’ની વિશેષતા જણાવતા કહ્યું કે, સિક્લસેલની બિમારી આદિવાસી સમાજના લોકોમાં વધુ માત્રામાં હોવાથી તેઓને સિકલસેલ મુક્ત કરવા સરકાર તત્પરતાથી પોતાનું યોગદાન આપી રહી છે. વધુમાં સાંસદશ્રીએ સમાજમાં લગ્ન કરતા પહેલા કુંડળીની જગ્યાએ સિક્લસેલ સ્ક્રિનિંગ કરાવવાનુ આહ્વાન કર્યું હતું. તેમણે કહ્યું કે, જો માતા-પિતા બંન્નેમાં સિકલસેલની બિમારી હશે તો જન્મ લેનાર બાળક પણ સિકલસેલની બિમારીનો ભોગ બનશે. જેથી તેમણે આ અભિયાન થકી ૦ થી ૪૦ વર્ષ સુધીના બાળકો-નાગરિકોનું સ્ક્રિનિંગ કરાવવા પર બહાર મૂક્યો હતો. તેમજ રોગનું નિદાન થતા સારવાર આપવામાં આવશે એમ પણ ઉમેર્યુ હતું. સરભોણમાં ઉપસ્થિત ડોક્ટરો અને નર્સોનું ડોક્ટર દિવસ નિમિતે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિ અને બારડોલી સાંસદશ્રી પ્રભુભાઈ દ્વારા તુલસીનો છોડ આપી સન્માન કરાયું હતું.

આ પ્રસંગે જિ.પં.જાહેર આરોગ્ય સમિતિ ચેરમેનશ્રી જિનેશભાઈ ભાવસાર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.અનિલ પટેલ, તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.પંકજ ફણસિયા, મેડિકલ ઓફિસર ડૉ.જાગૃતિ શેઠ, એપિડેમિક મેડિકલ ઓફિસર ડૉ.કૌશિક મહેતા, એપિડેમિયોલોજિસ્ટ ડૉ.પરેશ સુરતી તેમજ સરપંચ શ્રીમતી રક્ષાબેન રાઠોડ સહિતના મહાનુભાવો, ગ્રામજનો, તબીબી સ્ટાફ ઉપસ્થિત રહ્યાં હતા.

ખાનગી હોસ્પિટલમાં પાંચ થી આઠ લાખના ખર્ચે થતી ‘ગુલિયન બેર સિન્ડ્રોમ’ બિમારીની સારવાર નવી સિવિલમાં વિનામૂલ્યે થઈ

0
ક્રાંતિ સમય

સુરતની નવી સિવિલ હોસ્પિટલના તબીબોએ ‘ગુલિયન બેર સિન્ડ્રોમ’થી પિડીત અમરોલીના ૧૫ વર્ષિય વિરલ પ્રજાપતિને ૨૯ દિવસ વેન્ટીલેટર પર સારવાર આપી મોતના મુખમાંથી ઉગારીને નવી સિવિલના તબીબોએ ડોક્ટર દિનની ઉજવણી સાર્થક કરી છે. તબીબો અને નર્સિંગ સ્ટાફની અથાગ મહેનતથી કિશોરને નવજીવન અને તેના પરિવારને ખુશીઓ મળી છે. તબીબોએ ‘ગુલિયન બેર સિન્ડ્રોમ’ની સફળ સારવાર કરતા નાની ઉંમરે મોટી બિમારીને મ્હાત આપવામાં સફળતા મળી છે. હાલ વિરલની તબિયત સ્થિર છે. યોગાનુયોગ આજે તા.૧લી જુલાઈએ વિરલનો પણ જન્મદિવસ હતો, ત્યારે સિવિલના ન્યુરો અને મેડિકલ વોર્ડમાં નર્સિંગ બહેનોએ વિરલના જન્મ દિવસ સાથે ‘ડોકટર દિવસ’ ઉજવીને ખુશીઓ વ્યક્ત કરી હતી.

કિડની બિલ્ડિંગના પાંચમા માળે સારવાર લઈ રહેલા દર્દી વિરલના પિતા પ્રભુભાઈ પ્રજાપતિએ આનંદની લાગણી વ્યક્ત કરતા કહ્યું કે, આજથી એક મહિના પહેલા મારો પુત્ર વિરલ સ્કૂલે જવા માટે ઊંઘમાંથી તો જાગ્યો, પણ પથારીમાંથી ઉઠી ન શક્યો. હાથ-પગમાં નબળાઈ અનુભવતાની સાથે બંન્ને પગ નિષ્ક્રીય થઈ ગયા એટલે તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઈ ગયા, જ્યાં તેને ‘ગુલિયન બેર સિન્ડ્રોમ’ બિમારીની જાણ થતા પગ તળેથી જમીન સરકી ગઈ. આ બિમારી એક પ્રકારના લકવા સમાન છે જેમાં સ્નાયુઓ નિષ્ક્રિય બની જાય છે. ખાનગી હોસ્પિટલમાં બિમારીની સારવાર માટેનો અંદાજે પાંચ થી આઠ લાખ જેવો મોટો ખર્ચ થશે તેમ કહેતા આવી ગંભીર બિમારી સારવાર માટે પૈસા ક્યાંથી લાવીશું એ મોટી ચિંતા થઈ. એટલે અંતે ભગવાને રસ્તો દેખાડ્યો અને વધુ સારવાર માટે વિરલને નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. જ્યારે વિરલને સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો ત્યારે વેન્ટિલેટર પર હતો.

સતત એક મહિના સુધી વેન્ટિલેટર પર સારવાર આપીને સિવિલ હોસ્પિટલના દેવદૂત સમા તબીબોએ મારા દિકરાને નવજીવન આપ્યું છે એમ તેમણે હર્ષભેર જણાવ્યું હતું. વધુમાં પ્રભુભાઈએ કહ્યું કે, મારા દિકરાનો આજે જન્મદિવસ છે, એની નર્સ અરૂણાબેન પટેલ અને નિતાબેન સહિત નર્સ બહેનોને ખબર પડી એટલે વોર્ડમાં જન્મ દિવસની ઉજવણીની સાથે ડોક્ટર્સ દિવસની ઉજવણી કરી હતી. સિવિલના ન્યુરો ફિઝિશિયન ડો.હરેશ પારેખ, ડો.પરેશ ઝાંઝમેરા, રેસિડેન્ટ ડો.શિખા સહિત નર્સિંગ સ્ટાફની દિવસ-રાતની મહેનતે મારા દિકરાને જીવન જીવવાની નવી દિશા મળી છે. સફેદ એપ્રોનમાં રહેલા દેવદૂત સમાન તબીબોનું ઋણ અમે ક્યારેય નહી ચૂકવી શકીએ.
ડોક્ટર દિવસની શુભેચ્છા પાઠવતા નર્સિંગ કાઉન્સિલના શ્રી ઈકબાલ કડીવાલાએ જણાવ્યું કે, સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓનું દુઃખ દૂર થાય તેમજ દર્દીના ચહેરા પર સ્મિત આવે અને સઘન સારવાર સાથે સંતોષ મેળવે એજ તબીબો માટે ડોક્ટર દિવસની ઉજવણી છે.

સુરતના ડીંડોલીમાં પ્રેમીને પામવા માતાએ અઢી વર્ષના પુત્રની હત્યા કરી

0
ક્રાંતિ સમય

સુરતના ડીંડોલી કરાડવા રોડ ખાતે નવી બંધાતી બિલ્ડીંગમાં માતા અને પુત્ર સાથે રહી મજૂરીકામ કરતી મૂળ છત્તીસગઢની મહિલાએ અઢી વર્ષના પુત્રની હત્યા કરી લાશ બિલ્ડીંગના લિફ્ટના પેસેજમાં નાંખી ગુમ થયાની જાણ કરી પોલીસને ચકરાવે ચઢાવી હતી. જો કે, શુક્રવારે માતાએ હત્યાની કબૂલાત કર્યા બાદ તા.૦૧/૦૭/૨૦૨૩ ના સવારે બિલ્ડીંગના લિફ્ટના પેસેજમાંથી જ બાળકની હત્યા કરેલી લાશ મળી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના ડીંડોલી કરાડવા રોડ ખાતે નવા બંધાતા લેકસીટી રેસીડેન્સીમાં છેલ્લા બે વર્ષથી માતા સુમનબેન અને અઢી વર્ષના પુત્ર વીર ઉર્ફે ભોન્દુ સાથે રહી ત્યાં ચણતરનું કામ કરતી મૂળ છત્તીસગઢની 22 વર્ષીય નયના સુખનંદન મંડાવીએ ગત 27 જૂને ડીંડોલી પોલીસ મથકમાં જાણ કરી હતી. તેનો પુત્ર 26મીએ બપોરે રમતા-રમતા ગુમ થઈ ગયો છે. ડીંડોલી પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. જો કે, પાંચ વર્ષથી પતિથી અલગ રહેતી નયનાના પુત્રના અપહરણ અંગે પોલીસને નયના પર જ શંકા હતી. તેની ઉલટતપાસ કરતા શરૂઆતમાં તેણે પોલીસને ચકરાવે ચડાવી હતી. ત્યારબાદ પોતાના પુત્રની તેણે જ ગળું દબાવી હત્યા કર્યાની કબૂલાત કરી હતી.

હત્યાની કબુલાત કર્યા બાદ પણ તેણે બાળકની લાશ ક્યાં છુપાવી છે? તે પોલીસને મહિલા ગોળ-ગોળ ફેરવી ચકરાવે ચડાવ્યા હતા. બાળકના મૃતદેહ માટે મહિલાએ પોલીસ પાસે જમીનમાં ખાડા ખોદાવ્યા, તળાવ ફિંદાવી ચોક્કસ જગ્યા નહીં બતાવી પોલીસને ચકરાવે ચઢાવી હતી. બાદમાં તા.૦૧/૦૭/૨૦૨૩ ના રોજ મહિલાએ સાચી જગ્યા બતાવી હતી. પોલીસે સવારે અઢી વર્ષીય પુત્રની લાશ જ્યાં છે તે બિલ્ડીંગના લિફ્ટના પેસેજમાંથી જ મળતા પોલીસે લાશ કબ્જે કરી હત્યાના કારણ અંગે નયનાની પૂછપરછ હાથ ધરી હતી. પોલીસે હત્યારી માતાની પૂછપરછ કરતા જણાવ્યું હતું કે તેના પ્રેમીને પામવા તેના અઢી વર્ષના બાળકની હત્યા કરી હતી.પ્રેમીએ તેના બાળક સાથે તેને અપનાવવાનો ઇનકાર કર્યો હતો. જેને લઇ પ્રેમ મેળવવા માસૂમની ગળું દબાવી હત્યા કરી હતી.

લિંબાયતમાં આધેડનો બળાત્કારનો પ્રયાસ, ટીવી જોતી 8 વર્ષની બાળાના કપડાં કાઢ્યાં

0
ક્રાંતિ સમય

મુળ યુપીનો વતની અને સુરતમાં લિંબાયતમાં રહેતો દત્તુ નામદેવ એકલવાયુ જીવન જીવે છે અને મજૂરીકામ કરી વતનમાં પરિવારનું ગુજરાન ચલાવે છે. આજુબાજુમાં રહેતા નાના બાળકો દત્તુના ઘરે ટીવી જોવા માટે જતા હતા. દરમિયાન દત્તુની સામે જ રહેતી 8 વર્ષની બાળકી પણ ત્યાં ટીવી જોવા જતી હતી. જેની ઉપર દત્તુની દાનત બગડી હતી. બુધવારે સવારના સમયે બાળકી ટીવી જોવા ગઇ ત્યારે દત્તુએ બાળકીના કપડા કાઢી નાંખી, પોતે પણ નગ્ન થઇ ગયો હતો અને બાળકીને પલંગ ઉપર સૂવડાવી પોતે તેની ઉપર સૂઇ ગયો હતો. બાળકીની માતા તેણીને શોધી રહી હતી ત્યારે એક વ્યક્તિએ તેણીને કહ્યું કે, આ બાળા દત્તુના ઘરે ટીવી જોતી હતી. દરમિયાન મહિલા ત્યાં તાત્કાલીક પહોંચીને દરવાજો ખોલતા જ નગ્ન બાળકી ઉપર નગ્ન દત્તુને જોઇ ચોંકી ઉઠી હતી. મહિલાએ ઝડપભેર બાળકીને પોતાની બાહોમાં લેતા બુમાબુમ કરી હતી અને આજુબાજુના લોકોને બોલાવી દત્તુને માર માર્યો હતો. આ સાથે જ પોલીસને પણ જાણ કરવામાં આવતા લિંબાયત પોલીસે દત્તુની સામે છેડતીનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.

સુરતના ઈચ્છાપુરમાં આવેલી સવજી ધોળકિયાની હરેકૃષ્ણ એક્સપોર્ટ હીરા કંપનીમાં આગ લાગી હતી

0
ક્રાંતિ સમય

સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં આવેલી જીએમ ડાયમંડ પાર્કમાં સવજી ધોળકિયાની હરેકૃષ્ણ એક્સપોર્ટ કંપનીમાં આગની ઘટના બની હતી. સવારના સમયે આગ લાગતા રત્નકલાકારોમા ડરનો માહોલ જોવા મળ્યો હતો. સમગ્ર આગ અંગે ફાયર બ્રિગેડને જાણ થતા ફાયર બ્રિગેડના અડાજણ અને પાલનપુર સ્ટેશનની પાંચ ગાડીઓ હાઇડ્રોલિક સાથે પહોંચી ગઈ હતી. અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. જેમાં સોફા, કોમ્પ્યુટર, વાયરીંગ સહિતનો સામાન મળીને ખાક થયો હતો. કોઈ ઇજા જાનહાનીનો બનાવ સામે આવ્યો નથી.

ફાયર ઓફિસર સંપત સુથારે જણાવ્યું હતું કે, પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. આગ એટલી પ્રચંડ હતી કે, ત્રીજા માળના ફર્નિચર, સોફાસેટ, કોમ્પ્યુટર સહિતનો સામાન બળીને ખાક થઈ ગયો હતો. વધુમાં જણાવ્યું હતું કે, આગ સવારના સમયે લાગી હોવાથી રત્નકલાકારો ઓફિસમાં હાજર હતા. જેઓને આગની જાણ થતાં નીચે આવી ગયા હતા. સમગ્ર દુર્ઘટનામાં કોઈ ઇજા જાનહાનિ થઈ નથી. હાલ તો આગનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું અવું છે.

સુરત સિવિલના સર્જરી વિભાગ સહિત 6 વોર્ડમાં પ્રથમ વરસાદે પાણી ટપકવા લાગ્યું

0
ક્રાંતિ સમય

સુરત સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગમાં થોડા મહિના પહેલા રિપેરિંગ કામ કરાયું હતું. જેમાં છ માસ અગાઉ રિપેર કરાયેલી સ્પેશિયલ રૂમોમાં રિપેરિંગ કામગીરી ફક્ત કાગળ પર થઈ હોય તેવી હકિકત સામે આવી છે. શહેરમાં વરસાદનું જોર વધવા સાથે સિવિલના સર્જરી વોર્ડ સહિત સ્પેશિયલ રૂમમાંથી 1, 2, 4, 8 અને 7 નંબરની વોર્ડમાં સતત પાણી ટપકી રહ્યું હોવાની ફરિયાદ ઉચ્ચ તબીબી અધિકારીઓને થઈ છે. ઉચ્ચ તબીબી અધિકારીઓ દ્વારા પીઆઈયુના અધિકારીઓને સાથે રાખી સ્પેશિયલ રૂમોમાં રાઉન્ડ લઈ ફરી પાટાપિંડી કરવા સૂચના આપી હોવાનું જાણવા મળી રહ્યું છે. એક-બે નહીં પણ પાંચ-છ રૂમોમાં પાણી ટપકવાને લીધે કરવામાં આવેલી રિપેરિંગ કામગીરી સામે સવાલ ઊઠવા પામ્યા છે. સિવિલ હોસ્પિટલના સર્જરી અને સ્પેશિયલ વોર્ડની આવી દશાથી દર્દીઓ પણ પરેશાન થઈ રહ્યા છે. તબીબી અધિકારીઓ વચ્ચેના મતભેદના કારણે બિલ્ડિંગને લઈને કોઈ ખાસ નિર્ણય કરવામાં આવી રહ્યો ન હોવાની ચર્ચા ચાલી રહી છે.