Home SURAT સરથાણામાં રત્નકલાકાર પિતાએ ફાંસો ખાઈ લેતા માતા વિનાની 6 વર્ષની દીકરી અનાથ...

સરથાણામાં રત્નકલાકાર પિતાએ ફાંસો ખાઈ લેતા માતા વિનાની 6 વર્ષની દીકરી અનાથ બની, મહિલા PSI એ નિભાવી જવાબદારી

62
0
ક્રાંતિ સમય

સુરત શહેરના સરથાણા વિસ્તારમાં છ વર્ષીય માસૂમ બાળકી નિરાધાર બનવાની હદયદ્રાવક ઘટના સામે આવી છે. સરથાણામાં રત્નકલાકારે પુત્રીને સુવડાવી ફાંસો ખાઈ લીધો હતો. મુળ ભાવનગરના અને અગાઉ લંબેહનુમાન રોડ રેણુકાભવન પાસે રહેતા ધર્મેન્દ્ર વ્રજલાલ રાઠોડ(40) અગાઉ હીરાના કારખાનામાં કામ કરતા હતા. તેમના પત્નીનું અગાઉ અવસાન થઈ ગયું હતું. શનિવારે તેઓ તેમની 6 વર્ષીય દીકરી નેન્સી (ઉં.વ. 6) સાથે વતનથી સુરત આવ્યા હતા અને સારોલી બીઆરટીએસથી વનમાળી જંક્શન બીઆરટીએસ બસ સ્ટેન્ડની વચ્ચે કેનાલની બાજુમાં આંબાના ઝાડ પાસે રાત્રે આશરો લીધો હતો. રાત્રે દીકરી નેન્સીને સુવડાવી દીધા બાદ ધર્મેન્દ્રભાઈએ પોતે આંબાના ઝાડની ડાળી સાથે દોરી વડે ફાંસો ખાધો હતો. મોર્નિંગ વોક કરવા માટે નીકળેલા લોકોની નજર પડતા તેમણે પોલીસને જાણ કરી હતી. પોલીસે દીકરીની પુછપરછ કરતા તેણે તેની માતાનું અગાઉ અવસાન થઈ ગયું હોવાનું તેમજ શનિવારે જ વતનથી સુરત આવ્યા હોવાનું અને પિતા હીરાના કારખાનામાં કામ કરવા માટે જવાના હોવાનું જણાવ્યું હતું. જોકે, પિતાએ ક્યાં કારણસર આપઘાતનું પગલું ભર્યું તે પોલીસ જાણી શકી ન હતી. ધર્મેન્દ્રભાઈ પાસે એક ડાયરી મળી આવી હતી. જેમાં તેમણે `હું મારી રીતે જાઉ છુ, કોઈનો વાંક નથી કોઈને હેરાન કરતા નહી` તેવી સ્યુસાઈડ નોટ લખી હતી. બનાવ અંગે સરથાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

6 વર્ષની માસૂમ દીકરી નેન્સીએ માતા ગુમાવ્યા બાદ પિતાએ આપઘાત કરી લેતા અનાથ બની ગઈ હતી. નેન્સી માતા- પિતા સિવાય પોતાના કે પરિવારના અન્ય સભ્યો વિશે વધુ કાંઈ જાણતી નથી. માતા-પિતાના મૃત્યુ બાદ હવે માસૂમ નેન્સીનું શું થશે? એવી ચર્ચા ઘટનાસ્થળે હાજર લોકોમાં થવા સાથે આઘાતની લાગણી જોવા મળી હતી. હાલ તો એકાએક નોંધારી બનેલી આ નાનકડી બાળા નેન્સીને પોલીસે પોતાની પાસે રાખી લીધી છે. ‘શી’ ટીમ તેણીની સાર-સંભાળ રાખી રહી છે. મૃતક ધર્મેન્દ્ર પાસેથી મળેલા આધારકાર્ડના સરનામે પોલીસે તપાસ કરાતા ત્યાં કોઈ મળ્યું ન હતું. પરંતુ તેના એક વર્ષના પુત્રને દત્તક લેનારા જૂનાગઢ વિસાવદરના ભટ્ટ પરિવારની માહિતી મળી હતી. જેથી લોકોને પોલીસે અપીલ કરી છે કે આ બાળકીના વાલીવારસને જાણતા હોય તો સરથાણા પોલીસને જાણ કરવા વિનંતી. જો બાળકીના વાલી વારસ નહીં મળે તો આગળની કાર્યવાહી કરાશે.

6 વર્ષની દીકરી નેન્સી નિરાધાર બનતા સરથાણા પોલીસના મહિલા PSI બીડી મારુ માસૂમ દીકરીને પોતાની સાથે લઈ આવ્યા હતા. જ્યાં તેને પ્રેમપૂર્વક જતન કરવાની શરુઆત કરી હતી. મહિલા અધિકારીએ દીકરીને પ્રેમપૂર્વક પોતાની સાથે રાખીને તેને પોતાની સાથે રાખી જતન કરી રહ્યા છે. જેથી સરથાણા પોલીસ પાસે હાલ માસૂમ દીકરી છે. આખો દિવસ પોલીસ સ્ટેશનનો સ્ટાફ યશોદા બન્યો હોય તે રીતે બાળકીનું લાલન પાલન કર્યું હતું. બાદમાં રાત્રિના સમયે પીએસઆઈ બી.ડી. મારું બાળકીને પોતાના ઘરે લઈ ગયા હતાં. જ્યાં તેણીને નવડાવી ધોવડાવી, જમાડીને બીજે દિવસે વળી પોતાની સાથે પોલીસ સ્ટેશન લઈ આવ્યાં હતાં. હાલ પોલીસ સ્ટેશનનો સમગ્ર સ્ટાફ બાળકીને કંઈ ઓછું ન આવે તેનું ધ્યાન રાખી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here