ડુમસ દરિયા કિનારાના વિસ્તારને વિકસવાના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ સી-ફેસ ડેવલપમેન્ટ હવે ધીમે ધીમે આગળ ધપી રહ્યો છે. પાલિકાના સિટી ઇજનેર સેલ દ્વારા ટેન્ડર જારી કરવામાં આવ્યા બાદ બે એજન્સીઓએ ઇકો-ટુરિઝમ ડેવલપમેન્ટ માટે રસ દાખવ્યો હતો અને બંને એજન્સીઓએ પોતપોતાની ઓફર પાલિકાને આપી હતી. ટેન્ડર આવી ગયા બાદ સ્ક્રુટીની ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં જ દોઢ મહિનો વિતી ગયો છે ત્યારે બંને એજન્સીઓ ક્વોલિફાઇડ થઈ ગઈ છે.
હવે આગામી દિવસોમાં સ્થાયી સમિતિ એજન્સી નક્કી કરવાથી લઈ સુધારાને આખરી ઓપ આપશે. શાસકોએ મંજૂર કરેલા 137.72 કરોડના અંદાજ કરતાં પણ આવેલી ઓફરમાં 39 કરોડ વધી ગયા છે. ઈકો-ટુરિઝમ કમ્પોનેન્ટસ અને 5 વર્ષ ઓપરેશન માટે એપ્રિલમાં ટેન્ડર મૂકાયા હતાં, જેમાં બે એજન્સી દોઢ મહિના બાદ ક્વોલિફાઇ થઈ છે. આ પૈકી લોએસ્ટ-1 એમ.પી. બારિયા, વડોદરાની 176.70 કરોડ તથા ક્યુબ કન્સ્ટ્રક્શન, સુરતની 184.45 કરોડની ઓફર મળી છે.