Home CRIME સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં સઘન ચેકિંગ દરમિયાન 11 મોબાઇલ ફોન મળી આવ્યા....

સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં સઘન ચેકિંગ દરમિયાન 11 મોબાઇલ ફોન મળી આવ્યા. C-8, C-3 અને C-11 બેરેકમાંથી ફોન જપ્ત કરી FSL તપાસ હાથ ધરાશે.

16
0

ડીજીપી જેલ અને સુધારાત્મક વહીવટના આદેશ બાદ રાત્રિના સમયે વિવિધ યાર્ડ અને બેરેકમાં તપાસ

સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં 2 ઓક્ટોબરની રાત્રે જેલ તંત્ર દ્વારા અચાનક સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. રાત્રે 8:30થી 10:40 વાગ્યા સુધી ચાલેલી તપાસ દરમિયાન વિવિધ બેરેક અને યાર્ડમાંથી કુલ 11 મોબાઇલ ફોન મળી આવતા જેલ તંત્રમાં ચકચાર મચી ગઈ હતી.

ડીજીપી, જેલ અને સુધારાત્મક વહીવટના આદેશને પગલે હાથ ધરાયેલી તપાસ દરમિયાન C-8 બેરેકમાંથી કુલ 6 મોબાઇલ ફોન મળી આવ્યા હતા. જેમાં C-8ના બાથરૂમમાંથી 3 મોબાઇલ ફોન, ચાર્જિંગના સ્થળેથી 2 મોબાઇલ ફોન મળી આવ્યા હતા. ઉપરાંત, એક કેદીની અંગઝડતી દરમિયાન પણ એક મોબાઇલ ફોન મળી આવ્યો હતો.

અંગઝડતી દરમિયાન મળેલો મોબાઇલ ફોન કેદી રામાકાંત ઉર્ફે ભોલા ગહેજુ રઇદાસ પાસેથી મળી આવ્યો હોવાનું સામે આવ્યું છે. તેની પાસેથી મોટોરોલા કંપનીનો મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત C-3 બેરેકમાંથી કેચોડા કંપનીના 3 મોબાઇલ ફોન તથા C-11 બેરેકમાંથી કેચોડા કંપનીના વધુ 2 મોબાઇલ ફોન મળી આવ્યા હતા. આમ, સમગ્ર સર્ચ દરમિયાન કુલ 11 મોબાઇલ ફોન કબજે કરવામાં આવ્યા છે.

જપ્ત કરાયેલા મોબાઇલ ફોનને FSLમાં મોકલી તપાસ કરવામાં આવશે. મોબાઇલ ફોનનો ઉપયોગ કયા કેદીઓ દ્વારા કરવામાં આવતો હતો, તેમાં કયા પ્રકારનો સંપર્ક અથવા ઉપયોગ થયો હતો તેમજ આ મોબાઇલ ફોન જેલની અંદર કેવી રીતે પહોંચ્યા તે અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

આ સમગ્ર મામલે જેલના કર્મચારી અથવા અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી હતી કે કેમ તે દિશામાં પણ તપાસ કરવામાં આવશે. મોબાઇલ ફોનના સ્ત્રોત અને તેના ઉપયોગ અંગેની તપાસ બાદ વધુ વિગતો સામે આવી શકે છે.

મામલે BNSની કલમ 223 તથા પ્રિઝન એક્ટની સંબંધિત જોગવાઈઓ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here