વાપીમાં નોટિસના નિકાલ માટે કન્સ્ટ્રક્શન પેઢીના સંચાલક પાસે લાંચ માગી.
Vapi:CGST ઇન્સ્પેક્ટરે નોટિસના નિકાલ માટે રૂ. 40 હજારની લાંચની માંગણી કરી હતી. વલસાડ ACBની ટીમે CGST ઇન્સ્પેક્ટરને લાંચ સ્વીકારતા ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.લાંચના છટકાં દરમિયાન આ કામના આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી હતી. ત્યારબાદ ફરિયાદી પાસેથી CGST ઇન્સ્પેક્ટરે રૂ.40 હજારની લાંચ સ્વીકારતા પકડાઇ ગયા હતા. વલસાડ ACBની ટીમે CGST ઇન્સ્પેક્ટર યશવંત રાજેન્દ્ર ગેહલોતની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે
ઘટનાક્રમ:
વાપી ખાતે આવેલી સેન્ટ્રલ એક્સાઇઝની કચેરીમાં સી.જી.એસ.ટી. ઇન્સ્પેક્ટર તરીકે યશવંત રાજેન્દ્ર ગેહલોત ફરજ બજાવે છે. જેઓએ ફરિયાદીને ટેક્ષ બાબતે આપેલી નોટિસના નિકાલના કામ પેટે રૂપિયા 40 હજારની લાંચ માગી હતી. ફરીયાદી ખાનગી કન્સ્ટ્રક્શનની ભાગીદારી પેઢી ચલાવતા હોય જે પેઢીનો સને ૨૦૨૦-૨૧ ના વર્ષનો સેન્ટ્રલ જી.એસ.ટી તથા સ્ટેટ જી.એસ.ટી. ટેક્ષ ભરેલો હતો. તેમ છતા સી.જી.એસ.ટી. અને સેન્ટ્રલ એક્સાઇઝના પોર્ટલ ઉપર ફરીયાદીની પેઢીના સી.જી.એસ.ટી. તથા એસ.જી.એસ.ટી.ના રૂપિયા ભરવા બાબતે નોટીસ મળી હતી.ફરીયાદી સી.જી.એસ.ટી. કચેરી ખાતે જઇ આરોપી નાઓને મળતા તેઓએ ફરીયાદીની પેઢીને ટેક્ષ બાબતે આપેલ નોટીસનો નિકાલ કરાવી આપવાના અવેજ પેટે ફરીયાદી પાસે ૪૦,૦૦૦ની માંગણી કરી હતી. લાંચના નાણાં ફરીયાદી આપવા માંગતા ન હોય એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદ આપતાં આજરોજ લાંચના છટકાનું આયોજન કર્યું હતું.