સુરતમાં ધોળે દિવસે મોટા વરાછા વિસ્તારમાંથી સ્ટોક માર્કેટ ઓફિસ ચલાવતા અમદાવાદના વેપારીનું તા.૦૫/૦૭/૨૦૨૩ ના રોજ અપહરણ થયું હતું, જેના પછી સીસીટીવી પણ સામે આવ્યુ હતું. CCTVમાં જોવા મળે છે કે રસ્તાના કોર્નર પર એક કાર પાસે વેપારી અને અપહરણકારો ઊભા છે. બાદમાં તેઓ વચ્ચે બોલાચાલી થાય છે, આથી અપહરણકારો ઉશ્કેરાતાં વેપારીનું અપહરણ કરવા ઉપર ઊતરી આવે છે. વેપારી તેની ચુંગાલમાંથી છૂટવા માટે ઘણા ધમપછાડા કરે છે, પરંતુ અપહરણકારો તેને બળજબરીથી કારમાં બેસાડી લઈ જાય છે. આ અંગે ઉત્રાણ પોલીસને જાણ થતાં સીસીટીવીના આધારે ત્રણની શખસની ધરપકડ કરીને વેપારીને અપહરણકારોમાંથી છુટકારો કરાવ્યો છે તેમજ અન્ય ત્રણ શખસ ફરાર થઈ ગયા હોવાની માહિતી મળી છે.
મોટા વરાછા વિસ્તારમાં અમદાવાદના સ્ટોક માર્કેટના વેપારી શક્તિ ધડુક સુરત શહેરમાં આવ્યા હતા. તેઓ છેલ્લા 15 દિવસથી સુરતની એક હોટલમાં રોકાયા હતા. તા.૦૫/૦૭/૨૦૨૩ ના રોજ તેનું અપહરણ થઈ ગયું હોવાની ઘટના બની હતી. પોલીસે તપાસ શરૂ કરતાં જે સ્થળ ઉપરથી અપહરણ થયું હતું તેના સીસીટીવી હાથ લાગ્યા હતા, જેના આધારે ઉત્રાણ પોલીસે તપાસ શરૂ કરી હતી. વેપારી યુવકના અપહરણ થવાની ઘટનામાં સીસીટીવીમાં સ્પષ્ટ જણાઇ આવતું હતું કે 3 શખસ બળજબરીથી તેને કારમાં બેસાડવા પ્રયાસ કરે છે, જેમાં એક શખસે વેપારીનું મોઢું દબાવતો જોવા મળે છે, જ્યારે બે શખસને તેને કારમાં ધકેલતા જોવા મળે છે. અંતે, વેપારીને કારમાં બેસાડીને ફરાર થઈ જાય છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અઢી કરોડ રૂપિયાની લેતીદેતીમાં અપહરણ થવાની વાત સામે આવી રહી છે. શક્તિ ધડુક અમદાવાદમાં સ્ટોક માર્કેટની ઓફિસ ધરાવે છે. યુવક છેલ્લા કેટલાક દિવસોથી સુરતમાં આવી જતાં લેણદારો તેનો પીછો કરી રહ્યા હતા. અપહરણકારો સુરતના મોટા વરાછા વિસ્તારમાં હોવાનું જણાઈ આવતાં ત્રણની ધરપકડ કરી છે.