પાંડેસરા જીઆઇડીસીની પશુપતી પ્રિન્ટ્સ પ્રા. લિ. નામની ડાઇંગ એન્ડ પ્રિન્ટીંગ મીલના મેનેજર છીમુભાઇ બાબુભાઇ પટેલ એ દક્ષિણ ગુજરાત લેબર યુનિયનના પ્રમુખ સુશાંત પુરસોત્તમ ત્રિપાઠી વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી છે. મે 2016 માં ઇએસઆઇ (એમ્પ્લોયસ સ્ટેટ ઇન્સ્યુરન્સ) એ દ્વારા પશુપતી પ્રિન્ટ્સ મીલમાં દરોડા પાડયા હતા અને રૂ. 32.76 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. મીલ સંચાલક દ્વારા ઇન્ડસ્ટ્રીયલ કોર્ટમાં અપીલ કરતા રૂ. 10 લાખનો દંડ ભરવા કોર્ટે હુકમ કર્યો હતો. આ કેસ અંગેની લેબર યુનિયનના પ્રમુખ સુશાંત ત્રિપાઠીએ કયાંકથી માહિતી મેળવી ઇએસઆઇના અધિકારીઓ સાથે ઘરોબો છે અને હું સમાધાન કરાવી આપીશ એમ કહી રૂ. 25 હાજરની માંગણી કરી હતી. પરંતુ મીલ સંચાલકે ઇન્કાર કર્યો હતો.
ત્યાર બાદ સુશાંતે મેનેજર છીમુ પટેલને ઇએસઆઇ કચેરીની નોટીસ બતાવી હતી. જેમાં રૂ. 27 લાખનું રીફંડ 30 દિવસની મુદ્દતમાં લેવાનું હોય અને તેના માટે અરજી કરવા અને રીફંડ અપાવવા રૂ. 25 હજારની માંગણી કરી હતી. જેથી મીલ સંચાલકોએ લાલચમાં આવી સુશાંતને રૂ. 25 હજાર આપ્યા હતા. પરંતુ ત્યાર બાદ સુશાંતે ફોન રિસીવ કરવાનું બંધ કરી દીધું હતું. જેથી મીલના સંચાલકોએ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે સુશાંતે ઇએસઆઇ કચેરીનો લેટર પેડ પર બતાવેલી નોટીસ બોગસ છે.