સુરત શહેરના સરથામા વિસ્તારમાં રહેતા એક જ પરિવારના ચાર સભ્યોએ ઝેરી દવા ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં માતા તથા પુત્રી અને પુત્રીનું મોત નિપજ્યું હતું. જ્યારે પિતાની હાલત વધુ ગંભીર હોવાથી તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા હતાં. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ પરિવારમાંથી એક દીકરો અને મોટી દીકરી બચી ગયાં હતાં. આ ઘટનામાં હજી પોલીસ કાર્યવાહી કરી રહી છે ત્યાં પરિવારની મોટી દીકરીએ પણ આપઘાતનો પ્રયાસ કર્યો છે, જેથી તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
સુરતના યોગીચોક પાસે વિજયનગરમાં રહેતા વિનુ મોરડિયા, તેમની પત્ની શારદાબેન, પુત્ર ક્રિશ અને પુત્રી ટીનાએ એકસાથે ઝેરી દવા પી આત્મહત્યા કરી હતી. વિનુ મોરડિયાએ આત્મહત્યા કરતાં પહેલાં પોતાના મોટા ભાઇને ફોન કરીને ઘરનો સૌથી મોટો પુત્ર પાર્થ તેમજ પુત્રી રુચિતાનું ધ્યાન રાખવા માટે કહ્યું હતું. દરમિયાન પોલીસે આ કેસમાં સ્થાનિકો તેમજ તેના તેમના મોટા ભાઇ સહિત પરિવારના અન્ય સભ્યોનાં નિવેદનો લેવાનું શરૂ કર્યું હતું. દરમિયાન જ મોરડિયા પરિવારના વધુ એક સભ્ય એવી મોટી દીકરી રુચિતાએ પણ આપઘાતનો પ્રયાસ કર્યો છે. તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. સરથાણા પોલીસના જણાવ્યા પ્રમાણે, મોરડિયા પરિવારની મોટી દીકરી રુચિતાએ બાથરૂમમાં ફિનાઇલ ગટગટાવી લીધું હતું. જેની જાણ થતાં પરિવારજનો તાત્કાલિક તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડી હતી. પરિવારના વધુ એક સભ્યએ પણ આપઘાતનો પ્રયાસ કરતાં પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.
આ ઘટનાની જાણ થતાં પોલીસ પણ હોસ્પિટલ દોડી ગઈ હતી. આપઘાતના પ્રયાસને લઈને પ્રાથમિક તપાસમાં હાલ ડિપ્રેશનમાં આ પગલું ભર્યું હોવાનું અનુમાન છે. આ દરમિયાન પોલીસે આ કેસમાં સ્થાનિકો તેમજ તેના તેમના મોટા ભાઇ સહિત પરિવારના અન્ય સભ્યોનાં નિવેદનો લેવાનું શરૂ કર્યું હતું. મોટો પુત્ર કામધંધો ન કરતો હોવાથી ઘરમાં ઝઘડો થવા ઉપરાંત તેની ઉંમર લગ્નની થઇ હતી, કોઇ યુવતીના માગા આવે એવા સમયે પુત્ર કંઇ કામ ન કરતો હોય એ ચિંતા પણ વિનુભાઇને સતાવતી હતી. આ ઉપરાંત પુત્ર સતત મોબાઇલમાં વ્યસ્ત રહેતો અને ઘરમાં નાની બહેનો સાથે મારઝૂડ કરતો. આ તમામ બાબતોને લઇ ચિંતિત રહેતા વિનુભાઇએ આખરે પરિવાર સાથે આત્મહત્યા કરી હોવાની શંકા વ્યક્ત કરાઇ છે.