સુરત મહાનગરપાલિકામાં કોર્પોરેટરોની ગ્રાન્ટમાંથી લોકોની સુવિધા માટેના બાંકડાનો ઉપયોગ મોટાપાયે ખાનગી થઈ રહ્યો હોવાનું બહાર આવ્યું છે. એ.કે રોડ પર કોર્પોરેટર બાદ હવે ડીંડોલીમાં કોર્પોરેટરના સંબંધીએ ઘરના ટેરેસ પર બાંકડા મૂકી દીધા છે. પાલિકાના બાંકડાનો જે રીતે ખાનગી ઉપયોગ થઈ રહ્યો છે તે જોતા બાંકડા મૂકવામાં મોટું કૌભાંડ થયું હોવાની આશંકા થઈ રહી છે. એ.કે.રોડના કોર્પોરેટરે બાંકડા ટેરેસ પર ચડાવી દીધાનો વિડીયો વાયરલ થયા બાદ તેઓએ લોકોને આપવાના બદલે પાર્કિંગમાં મૂકી દીધા હોવાની ફરિયાદ થઈ છે. આ અંગેના અહેવાલ બાદ હવે કોર્પોરેટર અને ધારાસભ્યોના બાંકડાનો ખાનગી ઉપયોગ થઈ રહ્યો હોવાના ફોટા અને વિડિયો લોકો વાઇરલ કરી રહ્યા છે.
ગઈકાલે ભટાર વિસ્તારની કેટલીક સોસાયટીમાં બાંકડા ટેરેસ પર ચડાવી દીધા હોવાની ફરિયાદ હતી તો આજે ડીંડોલીના શ્રદ્ધા સોસાયટીના એક ઘરના ટેરેસ પર આંકડા હોવાનો વિડીયો વાયરલ થયો છે. કોર્પોરેટર ભાઈદાસ પાટીલે પોતાની ગ્રાન્ટમાંથી બાંકડાઓની ખરીદી કરી હતી. આશ્ચર્યજનક રીતે વીડિયો સામે આવ્યા હતા કે, ડિંડોલી વિસ્તારમાં ભાઈદાસ પાટીલના સંબંધીના ટેરેસ ઉપર કેસરી કલરના બાંકડા ગોઠવી દેવામાં આવ્યા હતા. જેનો વીડિયો વાઇરલ થયો હતો. શહેરભરમાં ભારે ચર્ચા થતાં કોર્પોરેટરના સંબંધીએ બાંકડાને છુપાવવાનો પ્રયાસ કરતો હોવાનો વીડિયો પણ સામે આવ્યો છે. ટેરેસ ઉપરથી કોઈ તેનો વીડિયોગ્રાફી ન કરે તેના માટે તેને સફેદ રંગના કપડાથી ઢાંકી દીધો હતો.
અત્યાર સુધી સુરત મહાનગરપાલિકાના બાકડાનો ઉપયોગ કેટલા ખાનગી બિલ્ડરો કરીને સોસાયટીમાં બાંકડા મુકતા હોવાની ફરિયાદ હતી. પરંતુ હવે આ બાકડાનો ઉપયોગ લોકો ખાનગી ધોરણે વ્યાપક રીતે કરતા હોવાનું બહાર આવી રહ્યું છે.