Home Blog Page 48

સુરત પાલિકાની પેટા ચૂંટણી માટે ભાજપના 34 દાવેદારો, વિપક્ષ દ્વારા ઉમેદવાર માટે હજી કોઈ કવાયત હાથ ધરવામાં આવી નથી

0
ક્રાંતિ સમય

સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 20 ના કોર્પોરેટર જયેશ જરીવાલાનું 22 મે 2022 ના રોજ અવસાન થતાં તેમની જગ્યાએ ખાલી પડેલી જગ્યા પર 6 ઓગસ્ટના રોજ ચૂંટણી થશે. આ માટે ભાજપે ગઈકાલે રવિવારે નિરીક્ષકો મોકલ્યા હતા. સુરતના પ્રભારી શીતલ સોની, અને ભરૂચના પુર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલે સમક્ષ ભાજપના 34 જેટલા દાવેદારોએ ચૂંટણી લડવા માટે તૈયારી બતાવી છે. આ બેઠક માટે ઉમેદવારી પત્રક ભરવાની છેલ્લી તારીખ 22 જુલાઈ અને ઉમેદવારી પત્રક પાછા ખેંચવાની છેલ્લી તારીખ 25 જુલાઈ જાહેર કરવામાં આવી છે.

6 ઓગસ્ટના રોજ મતદાન થશે અને 8 ઓગસ્ટના રોજ પરિણામ જાહેર થશે. ઉમેદવારી પત્રક ભરવાની છેલ્લી તારીખ 22 જુલાઈ છે તેમ છતાં હજી પાલિકાના વિપક્ષ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા ઉમેદવાર માટે કોઈ કવાયત હાથ ધરવામાં આવી નથી. આગામી દિવસોમાં ત્રણેય પક્ષ દ્વારા ઉમેદવાર જાહેર કરવામા આવે એટલે ફરી એકવાર ત્રિપાંખીયો જંગ ખેલાશે તે નક્કી છે. જોકે, આ ચૂંટણી રસાકસીવાળી થશે કે નહી તે ત્રણેય પક્ષ ઉમેદવાર જાહેર કરે પછી જ નક્કી થશે.

ઓલપાડ તાલુકાના દાંડી ગામે L&Tના સી.એસ.આર ફંડમાંથી રૂ.૮૫ લાખના ખર્ચે નવનિર્મિત વોટર સંપનું લોકાર્પણ કરતા વન અને પર્યાવરણ રાજયમંત્રી મુકેશભાઈ પટેલ

0
ક્રાંતિ સમય

વોટર સંપના નિર્માણથી દાંડી ગામના ૪૫૦૦ થી વધુ ગ્રામજનો લાભ થશેઃમંત્રી મુકેશભાઇ પટેલ

‘સંપના નિર્માણથી ગ્રામજનોની પાણીની સમસ્યાઓ ઉકેલાતા તેમનુ જીવન સરળ બનશે’: મંત્રી મુકેશભાઇ પટેલ

સુરત, ઓલપાડ તાલુકાના દાંડી ગામે L&T હજીરાના સી.એસ.આર ફંડમાંથી દાંડી ગામે પાંચ લાખ લિટરની ભૂગર્ભજળ ટાંકીનું વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ભાંડુત ત્રણ રસ્તાથી પાંચ કિલોમીટર જે પાણી માટે પાઇપલાઇનની જરૂર હતી તે માટે ૨.૫ કિ.મી પાઇપલાઇન સરકારશ્રી દ્વારા અને ૨.૫ કિમી લાંબી પાઇપલાઇન L&T હજીરા કંપની દ્વારા તૈયાર કરવામાં આવી છે.જેથી ગામને બારેમાસ પાણી પ્રાપ્ત રહેશે અને તેથી પાણી અંગેનો પ્રશ્નનો ઉકેલ આવ્યો છે.

આ પ્રસંગે મંત્રીશ્રી મુકેશભાઈએ જણાવ્યું હતુ કે, મોટા ઉદ્યોગોના આસપાસના ગામોની માળખાગત સુવિધાઓમાં વધારો થાય છે.જેનાથી રોજગારીના નિર્માણની સાથે ગ્રામજનોનું જીવનધોરણ ઊંચુ આવ્યું છે.વોટર સંપના નિર્માણથી ગામ લોકોની પાણીની સમસ્યાઓ ઉકેલાતા તેમનું જીવન સુખમય બનશે.વધુમાં મંત્રીએ આવનારા સમયમાં ખારા પાણીને મીઠું બનાવતો પ્લાન્ટ તેમજ અન્ય વિકાસના કાર્યો થકી કાંઠાના ગામોની સુવિધાઓ વિકસાવવા અંગેની જણાવ્યું હતું. આ પ્રંસગે ઓલપાડ તાલુકાના પ્રમુખ અમિતભાઈ પટેલ, દાંડી ગામના સરપંચ વેણીલાલ, ઉપસરપંચ પ્રેમિલાબેન, L&T હજીરા માંથી આવેલ અધિકારીઓ આલોક સરકાર, રંજિત બજાજ, મહિપાલ રાવત,તાલુકા પંચાયતના સભ્યો, ગ્રામ પંચાયતના સભ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે ચોર્યાસીના વાંસવા ગામે L&T હજીરાના સી.એસ.આર ફંડમાંથી ૬૮ લાખના ખર્ચે નિર્માણ કરાયેલા અમૃત સરોવરનું લોકાર્પણ કરાયુ

0
ક્રાંતિ સમય

‘નિર્માણ કરાયેલા અમૃત સરોવરથી બોર અને હેન્ડપંપના જળ સ્તર ઊંચા આવી ગ્રામજનોને ઉનાળામાં થતી પાણીની સમસ્યાનું નિવારણ થશે: મંત્રી મુકેશભાઇ’

સુરત, વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે ચોર્યાસી તાલુકાના વાંસવા ગામે L&T કંપની હજીરાના CSR ફંડમાંથી ૬૮ લાખના ખર્ચે તૈયાર કરાયેલા અમૃત સરોવરનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. આ તળાવની ઊંડાઈ ૨.૫૦ મીટર છે અને તેમાં સેફટી ફેન્સિંગ વોલ, પેવર બ્લોક ફિટિંગ તેમજ પતરાનાં શેડનું કામ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું કે, આઝાદીના ૭૫ વર્ષની ઉજવણીના ભાગ રૂપે દરેક જિલ્લામાં ૭૫ અમૃત સરોવર બનાવવામાં આવી રહ્યા છે. ત્યારે L&T કંપનીના સહયોગથી વાંસવા ગામે લોકહિતાર્થે નિર્માણ કરાયેલા અમૃત સરોવરથી બોર અને હેન્ડપંપના જળ સ્તર ઊંચા રહેશે જેથી ઉનાળામાં પાણીની સમસ્યાનું નિવારણ થશે. L&T કંપની દ્વારા નાના અને કાંઠાના ગામોમાં શિક્ષણ,આરોગ્ય તેમજ પાણીની મૂળભૂત સુવિધાઓ માટે કરાતા વિકાસ કાર્યોને પણ મુકેશભાઈએ બિરદાવ્યા હતા.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અમૃત સરોવર બનાવવા પાછળનું મુખ્ય કારણ નીતિ આયોગનો રિપોર્ટ છે. જેને આધારે ૨૦૩૦ સુધીમાં ૪૦ ટકા પાણી ભૂગર્ભમાં ઉતરી જશે. નીચે ઉતરતા પાણીના આ સ્તરને ઉપર લાવવા માટે સરકાર દ્વારા સુજલામ સુફલામ્ યોજના અંતર્ગત અમૃત સરોવરનું નિર્માણ કરાય રહ્યું છે. જે માટે પ્રથમ વખત મળતી કાર્બન ક્રેડિટ પ્રમાણે વોટર ક્રેડિટ મળશે. જેમાં વરસાદનું પાણી હાર્વેસ્ટ કરીને જમીનમાં ઉતારવામાં આવશે અને તેની પર મીટર મૂકવામાં આવશે. તેમણે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું કે, ગુજરાતમાં ૧૮ હજાર ગામડાઓમાં આ કામ કરવામાં આવશે. જેનાથી ભૂગર્ભમાં પાણીના સ્તર ઊંચા લાવી રિચાર્જ થતા પાણી માટે ક્રેડિટ મળશે તેમજ પંચાયતની આવક વધી પાણીના સ્તર પણ ઊંચા આવશે. આ પ્રસંગે વાંસવા ગામના સરપંચ કૈલાસબેન રાઠોડ, ઉપસરપંચ તેજસભાઈ પટેલ,L & T વાઇસ પ્રેસિડન્ટ અને ચીફ એક્ઝિક્યુટિવ સંજયભાઈ દેસાઈ, ડેપ્યુટી જનરલ મેનેજર અલ્પાબેન, ચોર્યાસી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ વાસંતીબેન, ગ્રામ પંચાયતના સભ્યો તાલુકા પંચાયતના સભ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે લવાછા ઝેડ એમ પટેલ સ્કૂલ ખાતે ૭૨ લાખના સી.એસ.આર ફંડમાંથી બનેલ સાંસ્કૃતિક હોલનું ખાત મુહૂર્ત કરાયું

0
ક્રાંતિ સમય

ભાંડુત થી લવાછા ગામે L&T હજીરાના સી.એસ.આર ફંડમાંથી ૩૦ લાખની પાણીની પાઇપલાઈનનું લોકાર્પણ

સુરત, વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે ઓલપાડ તાલુકાના ભાંડુત થી લવાછા ગામે L&T હજીરાના સી.એસ.આર ફંડમાંથી ૩૦ લાખની પાણીની પાઇપલાઈ નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઝેડ એમ પટેલ સ્કૂલ ખાતે ૭૨ લાખના ખર્ચે તૈયાર થનાર સાંસ્કૃતિક હોલનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું. પાણીની પાઇપલાઈ બનવાથી ગામમાં ઉનાળામાં પાણીની અછત રહેશે નહિ સાથે શાળાના કેમ્પસમાં બનનાર સાંસ્કૃતિક હોલથી શાળાના પ્રોગ્રામ,આસપાસના વિસ્તારના સાંસ્કૃતિક પ્રોગ્રામ, રાજકીય કાર્યક્રમ જેવા કરી શકાશે.
આ પ્રસંગે L & Tના વાઇસ પ્રેસિડન્ટ અને ચીફ એજ્યુકેટીવ સંજયભાઈ દેસાઈ, ડેપ્યુટી જનરલ મેનેજર અલ્પાબેન, ઓલપાડ તાલુકા પંચાયતના પ્રમુખ અમિતભાઈ, તાલુકા પંચાયતના સભ્યો, ગ્રામ પંચાયતના સભ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

માંડવી નગરપાલિકા ખાતે આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે મિની ફાયર ટેન્ડર અને રેસ્કયુ બોટનું લોકાર્પણ કરાયું

0
ક્રાંતિ સમય

NPCIL કાકરાપાર તથા ૧૫મા નાણાંપંચની ગ્રાન્ટ હેઠળ કુલ રૂ.૪૧.૫૦ લાખની મિની ફાયર ટેન્ડર, બે રેસ્ક્યુ બોટ, ૨૦ લાઇફ જેકેટ અને ૧૮ લાઇફ રીંગની માંડવી મળી ભેટ

‘સરકારના સહયોગ થકી આવનારા પાંચ વર્ષમાં માંડવી નગરપાલિકા એ-ગ્રેડમાં પહોંચશે: મંત્રી કુંવરજીભાઈ હળપતિ’

કાકારપાર અણુમથકના સહયોગથી માંડવી તરસાડાથી બિરસામુંડા સર્કલ સુધીની સ્ટ્રીટલાઇટ લાગશે

સુરત, આદિજાતિ વિકાસ,શ્રમ અને રોજગાર રાજ્યમંત્રીશ્રી કુંવરજી હળપતિના હસ્તે માંડવી નગરપાલિકા ખાતે મિની ફાયર ટેન્ડર અને રેસ્કયુ બોટનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. જેમાં NPCIL(ન્યુક્લિઅર પાવર ર્કોપોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ)કાકરાપાર તથા ૧૫મા નાણાંપંચની ગ્રાન્ટ હેઠળ કુલ રૂ.૪૧.૫૦ લાખની સાધન સામગ્રી જેવી કે રૂ.૨૮ લાખનું મિની ફાયર ટેન્ડર, રૂ.૨૧.૩૦ લાખની રેસ્ક્યુ બોટ(નંગ-૨), રૂ.૩૨ હજારના લાઇફ જેકેટ(નંગ-૨૦), રૂ.૩૦.૩૩ હજારની લાઇફ રીંગ(નંગ-૧૮)ની માંડવી નગપાલિકને ભેટ આપવામાં આવી હતી.

આ પ્રસંગે મંત્રી કુંવરજીભાઈએ ગુજરાતની પાવન ધરા પર જન્મેલા પ્રેરણાદાયી વ્યક્તિઓનાં ઉદાહરણ આપતા દેશના વિકાસમાં તેમના વિશેષ ફાળા વિષે જણાવ્યુ હતુ. જેમાં અહિંસાના આગ્રહ સાથે દેશને ગુલામીમાંથી આઝાદ કરાવનારા મહાત્મા ગાંધીજી અને તેમની મક્કમતાની વાત કરી હતી. તો વિશ્વ ફલક પર દેશનું પ્રતિનિધિત્વ કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને તેમના સફળ નેતૃત્વ હેઠળ ગુજરાત રાજ્યના વિકાસને વેગવંતુ બનાવતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની પારદર્શક કાર્યપ્રણાલીથી છેવાડાના ગામડાઓ સુધી પહોંચેલી સુખ સુવિધા માટે સરકારની કાર્યનિષ્ઠા દર્શાવી હતી. તેમણે કહ્યું કે, વર્ષ ૨૦૨૨-૨૩મા માંડવી નગરપાલિકામાં કરોડોના આશરે ૧,૧૬૪ વિકાસ કાર્યો થશે. તેમજ સરકારના સુઆયોજનથી આવનારા પાંચ વર્ષમાં માંડવી નગરપાલિકાને એ-ગ્રેડમાં પહોંચાડવા માટે કાકરપાર અણુમથકને સહયોગ આપવા અનુરોધ કર્યો હતો.

વધુમાં મંત્રીશ્રીએ NPCL કાકરાપાર અણુમથક દ્વારા માંડવી નગર પાલિકાને અર્પણ કરાયેલા મિની ફાયર ટેન્ડર અને રેસ્કયુ બોટ વિષે માહિતી આપતા જણાવ્યું કે, આગ કે પુર જેવી આફતોમાં આ સાધનો ખૂબ ઉપયોગી નીવડશે. તેમણે કહ્યું કે, કાકરાપાર અણુમથકના સહયોગથી માંડવીના તણસાણાથી બિસામુંડા સર્કલ સુધી સ્ટ્રીટલાઇટ લગાડવામાં આવશે. અને ટુંક જ સમયમાં નવુ ફાયર સ્ટેશન પણ બનાવવામાં આવશે.

આ પ્રસંગે નગરપાલિકા માજી પ્રમુખશ્રી નટુભાઇ રબારી, માંડવી નગરપાલિકા સાઇટ ડાયરેક્ટરશ્રી એસ.કે.રોય, એચ.આર મેનેજરશ્રી અરવિંદભાઇ ભટ્ટ, સી.એસ.આર ચેરમેનશ્રી એન.જે કેવટ, માંડવી નગર પાલિકાના પ્રમુખ રેખાબેન વસી,ફાયર અને વાહન વ્યવહાર સમિતિના અધ્યક્ષકશ્રી રાજુભાઇ ચૌધરી,નગરપાલિકાના કર્મચારીગણ તેમજ ફાયર વિભાગની ટીમ ઉપસ્થિત રહી હતી.

જિલ્લા મહિલા સશક્તિકરણ કેન્દ્ર(DHEW) દ્વારા વનિતા વિશ્રામ શાળા ખાતે’ બેટી બચાઓ બેટી પઢાઓ’ યોજના અંતર્ગત ‘વિશ્વ યુવા જાગ્રુતિ દિવસ’ની ઉજવણી કરવામાં આવી

0
ક્રાંતિ સમય

ધો.૯ની ૧૬૦ થી વધુ કિશોરીઓને મહિલાલક્ષી યોજનાઓ, સાયબર સલામતી, શિક્ષણની નવી પોલિસી તેમજ વ્યસન મુક્તિના પડકારો અને કાઉન્સિલિંગ વિષે સમજ આપી હતી

સુરત, મહિલા અને બાળ અધિકારીની કચેરીના જિલ્લા મહિલા સશક્તિકરણ કેન્દ્ર(DHEW) દ્વારા અથવાગેટ સ્થિત વનિતા વિશ્રામ શાળા ખાતે બેટી બચાઓ બેટી પઢાઓ યોજના અંતર્ગત ‘વિશ્વ યુવા જાગૃતિ દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ધોરણ ૯ની ૧૬૦થી વધુ કિશોરીઓને મહિલાલક્ષી યોજનાઓ વિષે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ડિસ્ટ્રિક્ટ મિશન કો-ઓર્ડિનેટર શ્રીમતી સ્મિતાબેન પટેલે દેશના વિકાસમાં યુવાઓનું મહત્વ અને યોગદાન તેમજ સરકાર દ્વારા યુવાઓને આત્મનિર્ભર બનાવવા માટે થતા પ્રયત્નો વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે ACP મહિલા સેલ ક્રાઈમ બ્રાન્ચનાશ્રી કે.મીની જોસેફ દ્વારા સાયબર સલામતી અંગે કિશોરીઓને માહિતગાર કરવામાં આવી હતી તેમજ તેમની સાથે પ્રશ્નોત્તરીના માધ્યમથી સંવાદ સાધવામાં આવ્યા હતો. આ સાથે જ કિશોરીઓને શિક્ષણની નવી પોલીસી અંતર્ગત વ્યવસાયલક્ષી શિક્ષણ વિશે અને વ્યસન મુક્તિ માટેનાં પડાકારો અને કાઉન્સિલિંગ વિશે પણ સમજ આપવામાં આવી હતી. અને અંતમાં સૌએ સાથે મળી વ્યસનમુક્ત ભારત માટેની પ્રતિજ્ઞા લીધી હતી. ઉપરોક્ત કાર્યક્રમમાં માધ્યમિક શિક્ષણ કો-ઓર્ડિનેટરશ્રી જિતેંદ્રભાઈ જોષી, વનિતા વિશ્રામના ટ્રસ્ટીશ્રી એમ.સી.દેસાઈ, વનિતા વિશ્રામ શાળાના આચાર્યશ્રી ડો.અનિષા મહિડા, પો. ઈનચાર્જશ્રી નેહલ સોલંકી, શિક્ષકગણ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

નવી સિવિલ હોસ્પિટલના ફેશિયલ પાલ્સી બિમારીથી પીડિત બાળકો સાથે સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશભાઈ પટેલે ૫૯માં જન્મદિવસની ઉજવણી કરી

0
ક્રાંતિ સમય

સિવિલ હોસ્પિટલમાં આવતા બિનવારસી મૃતદેહો માટે આજીવન કફન આપવાનો અનોખો સંકલ્પ કર્યો

૫૦૦થી વધુ સફાઈકામદારોને છત્રી, ૧૫૧ ધાત્રી માતાઓને પોષણયુક્ત કીટ અને ૧૫૧ બાળકોને છત્રીનું વિતરણ

સુરત, સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશભાઈ પટેલના ૫૯માં જન્મ દિવસે ખટોદરા કોમ્યુનિટી હોલ ખાતે નર્સિંગ એસોસિએશન અને નર્સિંગ બહેનો દ્વારા ફેશિયલ પાલ્સી બિમારીથી પીડિત બાળકોને છત્રી અને ફ્રૂટ વિતરણ કરી સેવાકીય પ્રવૃત્તિમય ઉજવણી કરી હતી. ઉજવણી પ્રસંગે નવી સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં બિનવારસી મૃતદેહોને સન્માન પૂર્વક વિધિ થાય તે હેતુથી ૫૦૦ કફન ઈમરજન્સી વિભાગના નર્સિંગ સ્ટાફને અર્પણ કરી આજીવન સેવા પુરી પાડવાનો અનોખો સંકલ્પ કર્યો હતો. બાળકોના વોર્ડમાં ૧૫૧ બાળકોની સાથે ૫૦૦થી વધુ સફાઈ કામદારોને છત્રી, ૧૦૦થી વધુ નવજાત શિશુંને છ માસ સુધી ચાલી શકે તેવા ઝબલા, ગોદડી, રૂમાલ, રજાઈ, ઘોડિયું સહિતની સ્પેશિયલ કીટ અર્પણ કરવામાં આવી હતી. તેમજ ૧૫૧ ધાત્રી-સગર્ભા માતાઓને પોષણયુક્ત કીટ જેમાં ગોળ, ખજૂર, સીંગદાણા, ગુંદરનું પરેશભાઈ પટેલના હસ્તે વિતરણ કરી સિવિલ હોસ્પિટલના દર્દીઓ સાથે જન્મદિવસ ઉજવી સમાજને સંદેશ આપ્યો હતો.

આ ઉપરાંત ઉધના વિસ્તારની નગર પ્રાથમિક શાળા ક્રમાંક ૨૦૮માં વૃક્ષા રોપણ કરી અને પત્ની રોમાબેન અને પરેશભાઈ પટેલે ભારતી મૈયા વૃધ્ધાશ્રમના વડિલોને ભોજન કરાવી આર્શીવાદ લીધા હતા. નર્સિંગ કાઉન્સિલના ઈકબાલ કડીવાલાએ કહ્યું હતું કે, સુરત શહેરના દરેક નાગરિકે પોતાના જન્મદિવસની ઉજવણી હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સેવા કરીને અને શિક્ષણના ધામમાં ઉજવણી કરવા અનુરોધ કર્યો હતો. આ અવસરે સુરત શહેર સંગઠન પ્રમુખ નિરંજનભાઈ ઝાંઝમેરા, ધારાસભ્ય સર્વેશ્રી સંદિપભાઈ દૈસાઈ, મનુભાઈ પટેલ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો.કે.એન.ચાવડા, ડે.મેયર દિનેશભાઈ જોધાણી, સિન્ડિકેટ સભ્ય અને મેડિકલ ફેકલ્ટી ડીન ડો.મહેન્દ્રસિંહ ચૌહાણ, સામાજિક અગ્રણી કલ્પેશ મહેતા, સિન્ડિકેટ મેમ્બર કશ્યપસિંહ ખરચીયા, શાસક પક્ષ નેતા અમિતસિંહ રાજપુત, સામાજીક અગ્રણી કાળુભાઈ, મહામંત્રી મુકેશભાઈ દલાલ સહિત નગરસેવકો, નર્સિંગ સ્ટાફ, નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

સુરત શહેરમાં એકજ વિસ્તારના બે માસૂમ ના મોત, એકને ઉલ્ટી અને બીજાનું શરીર ઠંડુ પડી ગયું હતું

0
ક્રાંતિ સમય

સુરત શહેરમાં બે નાની વયના બાળકોના બીમારીને કારણે મોત થતાં ચકચાર મચી જવા પામી છે. એક બાળક ઠંડું પડી ગયું હતું, જ્યારે બીજાને ઊલટીઓ થવા લાગી હતી. બંને બાળકોને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતાં. જ્યાં સારવાર દરમિયાન એક બાળકોના મોત નિપજ્યાં હતો જયારે બીજા બાળકનું તો હોસ્પિટલ જતાં રસ્તામાં જ મોત નિપજ્યું હતું. બંને બાળકો પરિવારના એકના એક દીકરા હોવાથી પરિવારમાં આક્રંદની સ્થિતિ જોવા મળી છે. બંને પરિવારના એકના એક દીકરા હોવાથી પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.

મળતી માહિતી પ્રમાણે, મૂળ બિહાર અને પાંડેસરા વિસ્તારમાં આવેલા ગણેશનગરમાં રાજેશ શાહ છેલ્લાં 10 વર્ષથી પરિવાર સાથે રહે છે. ડાઇંગ મિલમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. પરિવારમાં પત્ની, બે દીકરી અને નાનો દીકરો છે. રાત્રે દીકરાએ ઊલટી કરવાનું શરૂ કર્યું હતું. પિતા રાજેશે જણાવ્યું હતું કે અઢી વર્ષીય લક્કી રાત્રે ઊલટીઓ કરવા લાગ્યો હતો અને અચાનક જ બીમાર પડી ગયો હતો. સવાર થતાં જ સિવિલ હોસ્પિટલ રવાના થયા હતા. જોકે રસ્તામાં જ બેભાન થઈ ગયો હતો. સિવિલ લાવ્યા તો તબીબે મૃત જાહેર કર્યો હતો.

મૂળ બિહાર અને પાંડેસરા વિસ્તારમાં આવેલા ભક્તિનગરમાં સુનીલ કુમાર પરિવાર સાથે રહે છે. પરિવારમાં બે દીકરી અને એક દીકરો છે. સાડાત્રણ વર્ષીય દીકરો શત્રુઘ્નની કિડનીની બીમારીની સારવાર ચાલી રહી હતી. દરમિયાન આજ સવારે ઠંડો પડી ગયો હતો. જેથી સિવિલ હોસ્પિટલ દોડી ગયા હતા, જ્યાં તબીબે મૃત જાહેર કર્યો હતો. પરિવારનો એકનો એક દીકરો હોવાથી પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.

સુરત શહેરના પાર્લે પોઇન્ટ વિસ્તારમાં સ્પાની આડમાં સેક્સ રેકેટ પકડાયું, સંચાલકની ધરપકડ

0
ક્રાંતિ સમય

સુરત શહેરના પાર્લે પોઇન્ટ વિસ્તારમાં આવેલા સરગમ શોપિંગ સેન્ટરની બાજુમાં અનમોલ કોમ્પ્લેક્સની દુકાનમાં સેક્સ રેકેટ પકડાયું. દુકાનમાંથી પોલીસે કોન્ડોમ સહિતનો સામાન કબજે કર્યો. ક્રાઇમબ્રાંચની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટને મળેલી બાતમીના આધારે ગુરુવારે બપોરે અનમોલ કોમ્પ્લેક્સમાં રીલેક્શન સ્પા નામની દુકાનમાં રેડ કરી હતી. રેડમાં ત્યાંથી 3 યુવતી મળી આવી હતી. પોલીસે 3 યુવતીને મુક્ત કરાવી. દુકાનમાં સ્પાના નામે સેક્સ રેકેટ ચાલતું હતું. પોલીસે સ્પાની દુકાનનું સંચાલક કરતી પૂજાદેવી મનીષ ચમાર(23)(રહે, આવાસ, ભેસાણ રોડ, મૂળ રહે. યુપી)ની ધરપકડ કરી છે. પોલીસે ગ્રાહકને રંગેહાથ પકડી સ્પાની દુકાનની માલિક મમતા ભાગી જતા તેને વોન્ટેડ જાહેર કરી છે.

સુરત શહેરના પાંડેસરા અને ઉધના વિસ્તારના બે મેડીકલ સ્ટોરના સંચાલક પ્રિસ્કીપશન વિના સીરપ-દવા વેચતા ઝડપાયા

0
ક્રાંતિ સમય

સુરત એસઓજીએ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખી ડમી ગ્રાહક મોકલી પ્રિસ્કીપશન વિના નશાયુક્ત દવા અને સીરપ વેચતા પાંડેસરા હાઉસીંગ બોર્ડ સ્થિત જયવીર મેડીકલ સ્ટોર્સ એન્ડ પ્રોવિઝન સ્ટોર્સમાંથી તેમજ ઉધના ગાંધીકુટીર સ્થિત વંશ મેડીકલ સ્ટોરમાંથી નશો કરવા ઉપયોગમાં લેવાતી 3339 ટેબલેટ અને સીરપની 44 બોટલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી.

એસઓજીના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ પાંડેસરા હાઉસીંગ બોર્ડ સ્થિત જયવીર મેડીકલ સ્ટોર્સ એન્ડ પ્રોવિઝન સ્ટોર્સમાં નશાયુક્ત દવા અને સીરપનું વેચાણ થાય છે તેવી બાતમીના આધારે એસઓજીની ટીમે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખી તે દુકાનમાં ડમી ગ્રાહક મોકલી ખરાઈ કર્યા બાદ રેઇડ કરી હતી.એસઓજીએ દુકાનમાંથી નશો કરવા ઉપયોગમાં લેવાતી અલગ અલગ 2639 ટેબલેટ અને નશાકારક સીરપની 14 બોટલ કબજે કરી હતી.એસઓજીએ દુકાનના સંચાલક વિજયભાઈ સોમાભાઈ પટેલ ( રહે.1781, હર્ષ બંગલો, ખરવાસા રોડ, ડીંડોલી, સુરત ) ની અટકાયત કરી આ અંગે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

તદુપરાંત એસઓજીએ ઉધના ગાંધીકુટીર સ્થિત વંશ મેડીકલ સ્ટોરમાં નશાયુક્ત દવા અને સીરપનું વેચાણ થાય છે તેવી બાતમીના આધારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખી તે દુકાનમાં ડમી ગ્રાહક મોકલી ખરાઈ કર્યા બાદ રેઇડ કરી હતી.એસઓજીએ દુકાનમાંથી નશો કરવા ઉપયોગમાં લેવાતી અલગ અલગ 700 ટેબલેટ અને નશાકારક સીરપની 30 બોટલ કબજે કરી હતી.એસઓજીએ દુકાનના સંચાલક મિથીલેશ અનિલભાઈ શાહ ( રહે.49, શક્તિનગર, ગોવાલક રોડ, પાંડેસરા, સુરત ) ની અટકાયત કરી આ અંગે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.