Home Blog Page 39

સુરત | મોબાઈલના દુકાનદારે પઠાણી ઉઘરાણીથી કંટાળી સુસાઈડ નોટ લખી ઝેરી દવા પી આપઘાતનો કર્યો પ્રયાસ

0

સુરત રેલવે સ્ટેશન ઉપર કોસંબાના એક મોબાઇલ શોપના વેપારીએ લેણદારોની પઠાણી ઉઘરાણી અને ધમકીથી કંટાળી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું બનાવ સામે આવ્યો છે. અમીન મુલતાની FB લાઈવ કરી ઝેર પીધું હોવાનું સામે આવ્યું છે. સિવિલમાં દાખલ અમીન મુલતાણીના સંબંધીઓએ કહ્યું કે, રૂપિયા ચૂકવી દીધા બાદ પણ તેને ચેક બાઉન્સની ધમકી આપી ઉઘરાણી માટે ફોન પર ધમકી અપાઈ રહી છે. કોસંબા પોલીસમાં અરજી કર્યા બાદ પણ કોઈ કાર્યવાહી ન થતા અમીને આખરે જીવનથી હારી આવું પગલું ભર્યું છે. અમને ન્યાય મળે એવી આશા રાખીએ છીએ.

પરિવારે કહ્યું કે, આપઘાતનો પ્રયાસ કરનાર અમીન ફરીદભાઈ મુલતાણીના લગ્નને માત્ર 8 મહિના થયા છે. પત્ની સગર્ભા છે. પરિવારમાં માતા-પિતા, બે બહેન અને માનસિક બીમાર ભાઈ છે. ફરીદભાઈ રૂની બનાવટના ગાદલા, ઓશિકા બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. અમીન કોસંબામાં જ અમીન મોબાઇલ શોપ નામની મોબાઇલ એસેસરીઝની દુકાન ચલાવે છે.

5 વર્ષમાં લગભગ 60 લાખનું દેવું કરનાર અમીને કમાઈની પાય પાય લેણદારોને આપીને 50 લાખનું દેવું ચૂકવી દીધું છે. છતાં 8-10 લેણદારો પૈકી કેટલાક ચેક બાઉન્સની ધમકી આપી હજી 7.60 લાખની ઉઘરાણી કાઢી વસૂલી માટે ફોન કરી રહ્યા છે. આ બાબતને લઈ આખું પરિવાર માનસિક તણાવમાં રહે છે. વારંવારની ધમકી અને કેસ કરી બદનામ કરવાની વાત કરતા લેણદારોની પઠાણી ઉઘરાણીથી કંટાળી આવું પગલું ભરવા મજબુર બન્યો હોય એમ કહી શકાય છે. અમીન રવિવારના રોજ સુરત મોબાઇલની એસેસરીઝની ખરીદી માટે આવ્યો હતો. પરત ફરતી વેળાએ લેણદારોએ ફોન પર ધમકી આપી ઉઘરાણી કરતા કહ્યું કે કોસંબા આવ્યો તો જોઈ લેજે. જેના કારણે અમીને ડરના મારે કંટાળીને સુસાઇડ નોટ લખી FB પર લાઈવ કરી ઝેરી દવા પી લીધી હતી. ત્યારબાદ એને રિક્ષામાં સારવાર માટે અજાણ્યા ઈસમો સિવિલ લઈ આવ્યા હતા. હાલ એની તબિયત સાધરણ છે. કોસંબા પોલીસમાં આ બાબતે અરજી આપ્યા બાદ પણ કોઈ પગલાં નહી ભરાતા અમીને આવું પગલું ભરવા મજબુર બન્યો હોય એ વાત ને નકારી શકાય નહીં. હાલ પોલીસ તપાસ ચાલુ છે.

સુરત | મંદિરેથી દર્શન કરી પરત ફરતું બાળક ટ્રકની અડફેટે આવતાં હાથ કપાયો, દીકરાની હાલત જોઈ માતા સ્તબ્ધ

0

સુરતના રસ્તા પર દોડતાં ભારે વાહનો છાસવારે અકસ્માત સર્જતા હોય છે. ત્યારે ડિંડોલી વિસ્તારમાં એક ટ્રકે કહેર મચાવ્યો હતો. મંદિરેથી દર્શન કરીને પરત ફરતું બાળક રસ્તામાં પોતાની મસ્તીમાં દોડતું રમતું ઘર તરફ આવી રહ્યું હતું તે દરમિયાન રસ્તો ક્રોસ કરતી વખતે ટ્રકની અડફેટે આવી જતાં હાથ કપાઈ ગયો હતો. પોતાના બાળકની ગંભીર હાલત જોઈને માત સ્તબ્ધ થઈ ગઈ હતી.

ડિંડોલી વિસ્તારમાં 5 વર્ષીય બાળકને ટ્રકે અડફેટે લીધો હતો. બાળકનું નામ ગૌરવ જ્ઞાન હોવાનું સામે આવ્યું છે. સમગ્ર દુર્ઘટનામાં બાળકનો હાથ કપાયો હતો. જેથી બાળકને સારવાર માટે તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું. બાળક ભગવાનના મંદિરે દર્શન કરી પરત ફરી રહ્યો હતો. ત્યારે આ ઘટના બની હતી.સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

સમગ્ર અકસ્માતના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થઈ ગયા હતાં. જેમાં બાળક પોતાની મસ્તીમાં ઉતાવળા પગે રસ્તો ક્રોસ કરતો જોવા મળી રહ્યો છે. બાળકનું ધ્યાન બીજી બાજુ હોવાથી પાછળથી આવતા ટ્રક પાછળ તેનું ધ્યાન રહ્યું નહોતું. જેના પગલે ટ્રક તેના પર ફરી વળ્યો હતો.જો કે ટ્રક ચાલકને અંદેશો આવતાં જ તેણે ટ્રક થંભાવી દીધી હતી. જો કે, ત્યાં સુધીમાં બાળકનો હાથ કચડાઈ ગયો હતો.

તબીબોના કહ્યું કે, બાળકનો હાથ છુટ્ટો પડી ગયો છે. જેને પરિવાર સાથે જ લઈને આવ્યું હતું. બાળકના માથામાં ગંભીર ઇજા થઈ હોવાથી ત્રણ ટાંકા લેવા પડ્યા છે. જ્યારે જમણા પગે અને બંને હાથે ઇજાઓ થઇ છે. આ સાથે જ ડાબા પગમાં ફ્રેકચર થઈ ગયું છે.હાલ તો બાળકને સર્જરી વિભાગમાં ખસેડવામાં આવ્યું છે. બાળક ખૂબ જ હિમ્મત વાળું છે.

સુરત મનપા પાલિકાના કાર્યપાલક ઈજનેર ચૌધરી વિરુદ્ધ ગુનો દાખલ કરવાની કવાયત

0
ક્રાંતિ સમય

ACBના પત્ર બાદ શાસકો સમક્ષ મંજૂરી મંગાઈ

મનપાનાં સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ સુરત મહાનગર પાલિકાના બીઆરટીએસ વિભાગના કાર્યપાલક ઇજનેર માનસિંગ ચૌધરી લાઈટ એન્ડ એનર્જી વિભાગમાં હતા તે સમયે વર્ષ ૨૦૧૮માં તેમની સામે એસીબીમાં ફરિયાદ થઈ હતી. આ કેસમાં તપાસ આગળ વધતા કોર્ટે તેમની સામે ભષ્ટાચારનો કેસ નથી, પરંતુ સત્તાનો દુરુપયોગ થયો હોવાની ટિપ્પણી કરી હતી. જેને પગલે તેમને જામીન પણ મળ્યા હતા અને તેઓ નોકરી પર પુનઃ કાર્યરત થયા હતા.

પાલિકા એનર્જી એફિસન્સી સેલના તત્કાલીન ઇજનેર માનસિંગ ચૌધરીએ સત્તાનો દુરુપયોગ કરી ભ્રષ્ટાચાર આચર્યો હોવાનું તપાસમાં બહાર આવ્યા બાદ તેની સામે ગુનો દાખલ કરવાની મંજૂરી છેલ્લાં પાંચ વર્ષથી પાલિકા પાસે માંગવામાં આવી છે. પરંતુ તેની મંજૂરી આપવામાં આવતી નથી. જોકે હવે આ અંગે મંજૂરી આપવી કે નહીં તે અંગેનો નિર્ણય લેવા માટે સ્થાયી સમિતિ સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.

જોકે તેમની સામેનો કેસ ચાલુ હોવાથી રાજ્યના શહેરી વિકાસ વિભાગ અને એસીબી દ્વારા મનપા કમિશનરને લાંબા સમયથી પત્ર લખી પ્રોસિક્યૂશનની કાર્યવાહી માટે મંજૂરી માંગવામાં આવી રહી હતી. લાંબા સમય બાદ આ ફાઇલ સ્થાયી સમિતિ સમક્ષ દરખાસ્તમાં મૂકવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે કાર્યપાલક ઈજનેરની નિમણૂક શાસકો દ્વારા કરવામાં આવી હોવાથી નિર્ણયમાં શાસકોની મંજૂરી જરૂરી હોવાથી તેમની સામે દરખાસ્ત મૂકવામાં આવી છે.

સુરતમાં અચાનક હડતાળથી જનતાની મુશ્કેલી વધી, સિટી બસના ચાલકો વધુ વેતનની માંગ સાથે હડતાળ પર ઉતર્યા

0
ક્રાંતિ સમય

સુરતના ભેસ્તાન બીઆરટીએસ બસ ડેપોમાં ડ્રાઇવરો દ્વારા હડતાલ પર ઉતરતા 70 જેટલી સિટી બસો બંધ થઈ ગઈ હતી. જેના લીધે જનતાની મુશ્કેલી પણ વધી છે. સુરત મહાનગરપાલિકાના સત્તાધીશો દ્વારા અકસ્માતોને નિયંત્રણમાં લાવવા માટે કેટલાક મહત્વના નિર્ણય લેવાયા છે. અકસ્માત દરમિયાન ડ્રાઇવરોની જવાબદારી પણ નક્કી કરી દેવામાં આવી છે. જેને કારણે ડ્રાઈવરો તેનો વિરોધ કરી રહ્યા છે અને તેમને યોગ્ય વળતર ચૂકવવામાં ન આવતો હોવાની પણ વાતો કરી રહ્યા છે. અકસ્માત દરમિયાન જે પણ નુકસાન થાય એની ભરપાઇ ડ્રાઈવરોએ કરવાની રહેશે આ પ્રકારની સત્તાધીશોએ ચીમકી આપવાની સાથે જ ડ્રાઇવરોની સ્થિતિ કફોડી બની ગઈ છે. ડ્રાઈવરોએ આજે સિટી બસ ન ચલાવવાનો નિર્ણય લીધો છે.

મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું હતું કે, હજી સુધી અમારા સુધી કોઈ વાત સિટી બસના ડ્રાઈવરોએ હડતાળ કરી છે તેવી વાત આવી નથી. જો તેઓ હડતાલ પર ઉતર્યા હશે અને લોકોને મુશ્કેલી થતી હશે તો તાત્કાલિક અસરથી કોન્ટ્રાક્ટરની સામે પગલાં લઈશું. જે પણ કોન્ટ્રાક્ટરના ડાઈવરો દ્વારા હડતાલ કરવામાં આવી હશે તેમની સામે તાત્કાલિક અસરથી પગલાં લઈને ઝડપથી બસો શરૂ કરવામાં આવે તે પ્રકારના નિર્ણયો લઈશું. લોકોને કોઈ પણ પ્રકારની તકલીફ ન થાય તેનો અમે ધ્યાન રાખીશું.

સચીન SEZમાં ઇડીનું સર્ચ કરોડોના હવાલા થી વિદેશ મોકલવાનું કોભાંડ

0

જ્વેલરીની કંપનીએ હવાલાથી 2284 કરોડ વિદેશ મોકલી દીધા.

સુરતથી એક્સપોર્ટ-ઇમ્પોર્ટના નામે વધુ એક મસમોટું હવાલાકાંડ ઝડપાયું

સચીન,એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ સુરત સ્થિત સેઝ (સ્પેશ્યલ ઇકોનોમી ઝોન)માં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. શરણમ જ્વેલર્સ અને તેની સાથે જોડાયેલા એકમો પર શંકાસ્પદ આઉટવર્ડ રેમિટન્સ માટે કાર્યવાહી કરવામાં આવી હતી.

ઇડીને શંકા છે કે આ કંપનીએ એક્સપોર્ટ-ઇમ્પોર્ટના નામે વિદેશમાં શંકાસ્પદ રીતે 2284 કરોડ રૂપિયા મોકલી આપ્યા છે. અગાઉ પણ સુરત સેઝમાંથી આવી જ રીતે એક્સપોર્ટ ઇમ્પોર્ટના નામે હવાલાકાંડ ઝડપાયું હતું. આ તપાસ સુરત, અમદાવાદ અને આસામમાં પણ કરાઈ હતી, જેમાં કંપની અને તેની પ્રમોટર ફર્મ દ્વારા ખોટી રીતે 5000 કરોડ વિદેશ મોકલ્યા હોવાનું જણાયું છે.

ઇડીએ જણાવ્યું કે, સુરત SEZ સ્થિત કંપની અને તેના પ્રમોટર અવધ હર્ષદ યાજ્ઞિક, વંશ માર્કેટિંગ, અમદાવાદ અને સુરત અને આસામના ધુબરી ખાતે આશિક પટેલ અને અન્યોની માલિકીની શરણમ જ્વેલ્સ એલએલપી (લિમિટેડ લાયેબિલિટી પાર્ટનરશિપ) કંપનીના સ્થળો પર ફેમા (ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ) હેઠળ શોધ કરવામાં આવી હતી. તપાસ વિશ્વસનીય માહિતીના આધારે શરૂ કરવામાં આવી હતી કે આ સંસ્થાઓ મોટા પાયા પર ભારતની બહાર વિદેશી હૂંડિયામણ મોકલવામાં સંડોવાયેલી છે. તેઓએ આયાત માટે ચૂકવણીના આધારે 2,284 કરોડ રૂપિયાની શંકાસ્પદ જાવક રેમિટન્સ કરી હતી. સુરતની ફર્મ જેમ્સ અને જ્વેલરીની આયાત અને નિકાસમાં છે અને છેલ્લા બે વર્ષમાં તેણે રૂ. 3,700 કરોડના વ્યવહારો કર્યા છે.

કંપનીએ તેના એકાઉન્ટ બુકમાં રૂ. 520 કરોડનો ક્લોઝિંગ સ્ટોક દર્શાવ્યો છે, જોકે, ભૌતિક ચકાસણી પર, રૂ. 19.7 લાખની કિંમતનો નજીવો સ્ટોક મળી આવ્યો હતો. શરણમ જ્વેલ્સ એલએલપી અને તેના સહયોગી વંશ માર્કેટિંગે અન્ય શેલ ફર્મની મદદથી આયાત અને નિકાસની આડમાં જટિલ વ્યવહારો કરી વિવિધ લોકો અને સંસ્થાઓને રૂ. 5,000 કરોડથી વધુનો હવાલો મોકલી આપ્યો હોવાની એજન્સીએ આક્ષેપ કર્યો છે. એજન્સીએ કહ્યું કે તેણે સર્ચ દરમિયાન સર્ચ કરાયેલી સંસ્થાઓની રૂ. 1.14 કરોડની બેંક ડિપોઝિટ ફ્રીઝ કરી દીધી છે. નોંધનીય છે કે, આગામી દિવસોમાં આ કંપની અને તેના પ્રમોટર્સને ત્યાં તપાસમાં વધુ ચોંકાવનારી માહિતી ખુલશે.

હવે હોમગાર્ડ બનશે જીવનદાતા,CPR કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન તાલીમ લઈ ને

0
સચિન યુનિટ હોમગાર્ડ જવાનોને ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના ડોક્ટરશ્રીઓ દ્વારા CPR ટ્રેનિંગ આપવામાં આવી.

સચિન ખાતે CPR કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશનની તાલીમ અપાઈ.

હાર્ટ એટેકથી મોતના વધતા કેસ વચ્ચે રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. હાર્ટ એટેકના કિસ્સામાં પ્રાથમિક ઉપચાર મળી રહે તે માટે સચિન યુનિટ હોમગાર્ડ જવાનોને ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના ડોક્ટરશ્રીઓ દ્વારા CPR ટ્રેનિંગ આપવામાં આવી.

આ તાલીમ કેમ્પ એલડી હાઈસ્કૂલ સચીન ખાતે યોજાયો હતો. કોરોનાકાળ બાદ સમગ્ર દેશમાં યુવાનોમાં હાર્ટ એટેકના કેસોમાં ચિંતાજનક હદે વધારો જોવા મળતા અને જેમાં નાની ઉંમરના લોકોમાં પણ હાર્ટ એટેકના કેસો જોવા મળતા સરકારી તંત્ર હરકતમાં આવી ગયું છે. ત્યારે આવી પરિસ્થિતિને પહોંચી વળવાની દિશામાં સરકારે તાલીમ આપવાના પગલા લીધા છે. જે અંતર્ગત તારીખ ૬ ડિસેમ્બર ૨૦૨૩ ના રોજ ‘હોમગાર્ડઝ અને નાગરિક સંરક્ષણ ૬૧માં સ્થાપના દિન ઉજવણી” નિમિત્તે આજે તારીખ ૨૪,૧૨,૨૦૨૩ ના રોજ હોમગાર્ડઝ અને સિવિલ ડિફેન્સના સભ્યોને CPR ની તાલીમ આપવાનું નક્કી કરાતા આજે એલડી હાઈસ્કૂલ પટાંગણમાં ૨૫૦ જેટલા હોમગાર્ડઝ સભ્યોને CPR ની વ્યક્તિગત તાલીમ આપવામાં આવી.

જેમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ગુજરાત ના સંબંધિત ડોક્ટર પંકજ આસોદરિયા,ડૉકટર ભાવેશ પોશિયા, ડૉકટર ઘનશ્યામ ધડુક અને ડૉકટર રાજેશ નકુમ એ તાલીમી સેવા આપી હતી. તાલીમ બાદ આભાર વિધિમાં ડોક્ટર પંકજે અને હોમગાર્ડ અધિકારી થોમસ પઠારે એ કહ્યું હતું કે, ગુજરાતમાં નાની ઉંમરના લોકોમાં હાર્ટ એટેકના કેસો વધી રહ્યા છે અને યુવાનોના મૃત્યુ થઈ રહ્યા છે. જેમાં 80 % મૃતકોની ઉંમર 11 થી 25 વર્ષ છે. તાલીમ બાદ હવે આપ જીવનદાતા બનશો, હાર્ટ એટેકના કારણે થતા મોતને રોકવા આજે પ્રાથમિક ઉપચાર અંગે તાલીમ આપ સહુને રૂબરૂ સમજાવીને આપી છે આનાથી અપમૃત્યુના કેસોમાં ઘટાડો થશે એવું ડૉકટર શ્રી અને હોમ ગાર્ડ અધિકારીએ જણાવ્યું હતું.

કામરેજ તાલુકાના વાવ ખાતે રૂ.૯.૨૮ કરોડના ખર્ચે નિર્મિત થયેલા પોલીસ વિભાગના બિનરહેણાંક મકાનોનું શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા દ્વારા લોકાર્પણ

0
ક્રાંતિ સમય

સુરત, ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લી. ગાંધીનગર દ્વારા રાજય અનામત પોલીસ દળ જુથ-૧૧ માટે સુરત જિલ્લાના કામરેજ તાલુકાના વાવ ખાતે રૂ.૯.૨૮ કરોડના ખર્ચે નવનિર્મિત બિનરહેણાંક મકાનોનું લોકાર્પણ શિક્ષણરાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ કર્યું હતું. પોલીસ જવાનોને વધુ સુવિધાઓ મળી રહે તે માટે રૂ.૯.૨૮ કરોડના ખર્ચે બિન રહેણાંક મકાનોમાં લાઇબ્રેરી, આંગણવાડી, શોપીંગ સેન્ટર, ગાર્ડ અને ડયુટી રૂમ, બેન્ડ સ્ટોર, કોટ રૂમનું નિર્માણ કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્ર, સમાજ અને સંસ્કૃતિને સમૃધ્ધ રાખવા માટે સારા વિચારો જરૂરી છે. એસ.આર.પી.એ ગુજરાતની આર્મીની ફોર્સ છે. રાષ્ટ્રના યુવાનો તેજસ્વી અને ઓજસ્વી બનીને રાષ્ટ્ર નવી ઉંચાઈઓના શિખરો સર કરે તે માટે સરકાર તમામ પ્રયાસો કરી રહી છે. ભગવત ગીતા વિશે વિદ્યાર્થીઓને જ્ઞાન મળી શકે તેવા આશયથી ધો.૬ થી ૮ના અભ્યાસમાં સિલેબસ દાખલ કરવામાં આવ્યો હોવાની વિગતો તેમણે આપી હતી. આ અવસરે હથિયારી એકમો વડોદરાના પોલીસ મહાનિરીક્ષક ડી.એચ.પરમારે કેમ્પસને નયનરમ્ય બનાવવા માટે પરિશ્રમ કરનારા પોલીસ જવાનોને અભિનંદન પાઠવતા કહ્યું કે, પોલીસ જવાનોના શારીરિક અને માનસિક વિકાસ થાય તે માટે રાજ્ય સરકારે સક્રિયતા દાખવી સુવિધાયુકત આવાસોના નિર્માણની સાથે અન્ય સુવિધાઓ પણ આપી છે. એસ.આર.પી. વાવ ખાતે આપદા મિત્રોને તાલીમ આપવામાં આવે છે તથા ત્રણ ગામોને દત્તક લઈને ગામના યુવાનોને તાલીમ આપીને પોલીસ સેવામાં જોડવાનુ કાર્ય થઈ રહ્યું હોવાીન વિગતો આપી હતી. આ પ્રસંગે સ્વાગત પ્રવચન Dysp શ્રી કે. વી. પરીખ તથા આભારવિધિ એચ.જે.આચાર્યએ આટોપી હતી. આ પ્રસંગે શિક્ષણ સમિતિના ચેરમેન ભારતીબેન રાઠોડ, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી રેખાબેન, Dysp શ્રી એ. એેમ.પટેલ, અગ્રણીશ્રી બળવંતભાઈ, હર્ષદભાઈ, સુમનબેન, તેજલબેન, પુષ્યાબેન તેમજ મોટી સંખ્યામાં પોલીસ જવાનોના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.

‘GI’ મહોત્સવ અને ODOP હસ્તકલા મેળા’માં મુલાકાતીઓને આકર્ષી રહી છે બનાસકાંઠાના કલાકારની કાચલીની અનોખી કલાકૃતિઓ

0
ક્રાંતિ સમય

સુરત, ધાર્મિક દ્રષ્ટિએ નારિયેળનો ઉપયોગ દરેક ઘરમાં થતો હોય છે. મોટાભાગના લોકો નારિયેળની કાચલીને ફેંકી દેતા હોય છે, પરંતુ આ કાછલીમાંથી વેસ્ટમાંથી બેસ્ટ પણ બનાવી શકાય છે. જેનું ઉત્તમ ઉદાહરણ પૂરૂં પાડ્યું છે સુરતના વનિતા વિશ્રામ ખાતે તા.૨૫મી સુધી આયોજિત ‘GI’ મહોત્સવ અને ODOP હસ્તકલા-૨૦૨૩’ પ્રદર્શન સહ વેચાણ મેળામાં ભાગ લઈ રહેલા શંકરભાઈ ધર્માભાઈ શ્રીમાળીએ. બનાસકાંઠાના વડગામ તાલુકાના જલોતરા ગામના વતની શંકરભાઈ નારિયેળની બિનઉપયોગી કાચલીમાંથી ગૃહ સુશોભનની અવનવી ચીજવસ્તુઓ બનાવી વેચાણ કરી રહ્યા છે. તેઓની અનોખી કલાકૃતિઓ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે.

ઘરને સુંદર રીતે સુશોભિત કરવા માટે નારિયેળની કાચલીમાથી વિવિધ સાજ સજાવટની વસ્તુઓ બનાવી શકાય છે. બર્ડ ફીડર, જ્વેલરી બોક્સ, મીણબત્તી સ્ટેન્ડ, છોડના કુંડાઓ, ચા-કિટલી, વાઈન ગ્લાસ, બુદ્ધા, શ્રી ગણેશજી અને દેવદેવીઓ, રમકડા, કળશ, બાઉલ, પ્રાણી પક્ષીઓની કલાકૃતિઓ, ફલાવરવાઝ, શરબત ગ્લાસ, ટી કપ જેવા શો-પીસ સહિત અનેક ચીજો શંકરભાઈ બનાવે છે. શંકરભાઈ જણાવે છે કે, સરકારે વેચાણ પ્લેટફોર્મ આપવાના ઉમદા હેતુ સાથે યોજેલા ‘GI’ મહોત્સવ અને ODOP હસ્તકલા-૨૦૨૩’ મેળામાં સ્વસહાય જૂથો દ્વારા નિર્મિત વિવિધ ચીજવસ્તુઓના વેચાણ થકી નાના ગૃહઉદ્યોગોને આધાર મળી રહ્યો છે. હું છેલ્લા ૧૦ વર્ષથી આ કલા વડે આજીવિકા મેળવું છું અને અત્યાર સુધીમાં દ્વારકા, વડોદરા, ભરૂચ, અમદાવાદ, કેવડિયા, સુરત વગેરે સ્થળોએ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા યોજાતા વિવિધ ૨૦ થી વધુ મેળાઓમાં ભાગ લઈ ચૂક્યો છું. રૂ.૧૦૦ થી લઈ ૧૦૦૦ સુધીની કાચલીની ચીજવસ્તુઓ બનાવી વેચાણ કરૂં છું. તેઓ પોતાની અનોખી કલા રસ ધરાવતા યુવાનો કે અન્ય નાગરિકોને વિનામૂલ્યે શીખવવા પણ ઉત્સુક છે જેથી કલા વારસો જળવાઈ રહે અને અન્યને પણ રોજગારી મળી રહે એમ તેમણે ઉત્સાહથી જણાવ્યું હતું.

GI મહોત્સવ, ODOP હસ્તકલા પ્રદર્શન અને વેચાણ મેળાના આયોજન થકી વેચાણનું પ્લેટફોર્મ પૂરું પાડવા બદલ સરકારનો આભાર માનતા શંકરભાઈ કહે છે કે આ પ્રકારના પ્લેટફોર્મથી ગૃહ ઉદ્યોગ અને નાના સ્વસહાય જૂથોને ઘણી જ રાહત મળે છે અને નફાનું પ્રમાણ પણ વધે છે. નોંધનીય છે કે, વનિતા વિશ્રામ ખાતે તા.૨૫ સુધી આ હસ્તકલા પ્રદર્શન અને વેચાણ મેળો સવારે ૧૦.૦૦થી રાતે ૧૦.૦૦ સુધી મુલાકાતીઓ માટે ખૂલ્લો રહેશે.

ગેસ ચોરી કરતી માસમા ગામની એજન્સી પર દરોડા

0

ઘરેલું વપરાશના સિલિન્ડરોમાંથી 2-2 કિલો ગેસ ચોરી કર્તા પકડ્યા

પિંકી ગેસ સર્વિસનો માલિક પોતાના માણસો સાથે મળી 7 મહિનાથી ગેસ ચોરીનું નેટવર્ક ચલાવી રહ્યો હતો

સુરત ગ્રામ્ય એલ સી બી અને ઓલપાડ પોલીસે સંયુક્ત રીતે દરોડા પાડી માસમાં ગામની સીમ માંથી ગુજરાતના સૌથી મોટા ગેસ રિફીલિંગ ચોરી કૌભાંડ નો પર્દાફાશ કર્યો છે. ઘરેલુ વપરાશની ગેસ બોટલ માંથી ગેરકાયદે નાની બોટલમાં ગેસ રિફિલ કરી વેચવાનો ખુલ્લે આમ વેપલો કરી પોલીસ તથા પુરવઠા વિભાગને પડકાર ફેંકવા સાથે બેફામ બનેલા ગુનેગારો હવે ગેસ રીફીલીંગનું મોટું નેટવર્ક ઓપરેટ કરતા પોલીસનાં હાથે પકડાયાં છે શુક્રવારની વહેલી સવારથી ઓલપાડ તાલુકાના માસમાં ગામે આવેલી પિંકી ગેસ એજન્સીમાં ઓલપાડ પોલીસ અને જિલ્લા એલસીબીઓ બાતમીના આધારે દરોડા પાડયા હતા. દરોડા પાડયા ત્યારે ગેસ એજન્સીના માણસો ઘરેલુ વપરાશના સીલ પેક બોટલમાંથી ગેસ રિફિલ કરી ચોરી કરી રહ્યા હતા. ઇન્ડિયન ગેસ ના 16 કિલોના દરેક બોટલ માંથી એજન્સીના માણસો દોઢ થી 2 કિલો ગેસ કાઢી ખાલી બોટલ માં ભરી રહ્યા હતા.

મળેલી માહીતી મુજબ પીન્કી ગેશ એજન્સીનો માલીક પરેશ શાંતીલાલ પટેલ (રહે સુરત)ના એ ઈન્ડીયન ગેસ એજન્સી ધરાવતો હોય. જે 7 મહીનાં અગાઉથી ગેસ ચોરી નેટવર્ક ચલાવતો આવેલો જે માણસો રાખી ગેરકાયદેશરની ગુનાહીત પ્રવુતી કરતાં પોલીસ રેડમાં કુલ ચાર આરોપી પોલીસ હાથે પકડાવા સાથે અન્ય 8 ને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી.

રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય, ગુજરાતમાં GIFT Cityમાં દારૂની છુટ, અધિકૃત કર્મચારી-અધિકારીઓ અને મુલાકાતીઓ માટે નિર્ણય

0

ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ ટેક સીટી (gift city)એ ગ્લોબલ ફાઇનાન્સીયલ અને ટેકનોલોજીનું હબ છે. જે આર્થિક ગતિવિધીઓથી ધમધમે છે. ગ્લોબલ ઇનવેસ્ટર, ટેકનીકલ એક્ષપર્ટ તેમજ ગીફટ સીટી ખાતે સ્થપાયેલ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરની કંપનીઓ માટે ગ્લોબલ બીઝનેસ ઇકોસિસ્ટમ પ્રોવાઇડ કરવાના હેતુથી સમગ્ર ગીફટ સીટી વિસ્તારમાં “વાઈન એન્ડ ડાઈન” ફેસીલીટી ઉપલબ્ધ કરાવવા માટે પ્રોહીબીશનના નિયમોમાં ફેરફાર કરવા ઉચ્ચકક્ષાએ મહત્વનો નિર્ણય લેવાયો છે.

આ છૂટછાટ મુજબ સમગ્ર ગીફટ સીટીમાં કામ કરતાં બધા કર્મચારીઓ/માલિકોને લીકર એક્સેસ પરમીટ આપવામાં આવશે. જેના દ્વારા તેઓ આવી “વાઈન એન્ડ ડાઈન” આપતી ગીફટ સીટીની હોટેલ્સ/રેસ્ટોરેન્ટસ/કલબમાં લીકરનું સેવન કરી શકશે. આ સિવાય દરેક કંપની જેને ઓથોરાઇઝ કરે તેવા મુલાકાતીઓને પણ ટેમ્પરરી પરમીટથી આવી હોટેલ્સ/રેસ્ટોરેન્ટસ/કલબમાં જે-તે કંપનીના કાયમી કર્મચારીની હાજરીમાં લીકરનું સેવન કરવા દેવાની જોગવાઇ કરવામાં આવી છે. 

GIFT City ખાતે આવેલ કે આવનાર હોટેલ્સ/રેસ્ટોરેન્ટસ/ક્લબ પોતાને ત્યાં વાઈન એન્ડ ડાઈન ફેસીલીટી એટલે કે એફ.એલ.૩ પરવાના મેળવી શકશે.

GIFT City ખાતે અધિકૃત રીતે કામ કરતા કર્મચારીઓ અને અધિકૃત રીતે મુલાકાત લેતા મુલાકાતીઓ હોટેલ/કલબ/રેસ્ટોરેન્ટમાં લીકરનું સેવન કરી શકશે. પરંતુ, હોટેલ/કલબ/રેસ્ટોરેન્ટ લીકરની બોટલનું વેચાણ કરી શકશે નહિ. 

સમગ્ર પ્રક્રીયામાં નશાબંધી અને આબકારી વિભાગ, ગુજરાત રાજ્ય GIFT City વિસ્તાર ખાતે આવેલ એફ.એલ.૩ પરવાના ધરાવતી હોટેલ્સ/રેસ્ટોરેન્ટસ/કલબ દ્વારા કરવામાં આવતા લીકરના આયાત, સંગ્રહ અને તેના દ્વારા પીરસવામાં આવતાં લીકર અંગે દેખરેખ તેમજ નિયંત્રણની કામગીરી કરશે.