Home Blog Page 27

મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાની અધ્યક્ષતામાં અડાજણ ખાતે અસંગઠિત ક્ષેત્રોમાં મહિલાઓના સશક્તિકરણ વિષય પર રાષ્ટ્રીય સેમિનાર યોજાયો

0
મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાની અધ્યક્ષતામાં અડાજણ ખાતે અસંગઠિત ક્ષેત્રોમાં મહિલાઓના સશક્તિકરણ વિષય પર રાષ્ટ્રીય સેમિનાર યોજાયો

‘વડાપ્રધાનશ્રીએ શરૂઆતથી જ મહિલાઓમાં રહેલી કળાને પારખી તેઓને વ્યવસાય કે રોજગારીમાં રૂપાંતરિત કરવાને પ્રાધાન્ય આપ્યું છે:’ મહિલા અને બાળકલ્યાણ મંત્રી.

‘આર્થિક રીતે સશક્ત મહિલા પરિવારની સાથે સમાજના વિકાસમાં પણ ખૂબ મોટો ફાળો આપે છે’: જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ.

મહાનુભાવોના હસ્તે ‘માનસિક સ્વાસ્થ્ય ઔર મહિલા’ પુસ્તકનું વિમોચન કરાયું.

સુરત:શનિવાર: રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળકલ્યાણ મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાની અધ્યક્ષતામાં અડાજણ ખાતે અસંગઠિત ક્ષેત્રોમાં મહિલાઓના સશક્તિકરણ: પડકારો, તકો અને નીતિગત ધારણાઓ’ વિષય પર નેશનલ સેમિનાર યોજાયો હતો. રાષ્ટ્રીય મહિલા આયોગ અને સ્ત્રી ચેતના(સર્વોદય મહિલા વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ)ના સંયુક્ત ઉપક્રમે સ્નેહ સંકુલ ભવનમાં યોજાયેલા કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજના વિવિધ અસંગઠિત ક્ષેત્રમાં કાર્યરત સ્ત્રીઓના સશક્તિકરણ દ્વારા તેમના સર્વાંગી વિકાસ સાધવાનો હતો.
આ પ્રસંગે મહિલા અને બાળકલ્યાણ મંત્રીશ્રીએ આર્થિક સ્વાવલંબિતા માટે વિવિધ ક્ષેત્રે કામ કરતી મહિલાઓ સામેના પડકારો અને તેને પહોંચી વળવાની તેમની ક્ષમતાઓ વિષે સમજ આપી કહ્યું કે, વડાપ્રધાનશ્રીએ શરૂઆતથી જ મહિલાઓમાં રહેલી કળાને પારખી તેઓને વ્યવસાય કે રોજગારીમાં રૂપાંતરિત કરવાને પ્રાધાન્ય આપ્યું છે. ઘરની પરિસ્થિતિઓને આધિન લઘુ- નાના ઉદ્યોગ દ્વારા આર્થિક સ્વાવલંબન મેળવવા ઈચ્છતી મહિલાઓને પ્રોત્સાહન આપવા સેંકડો કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી છે. પરિવારને આર્થિક આધાર આપી શકે એ માટે શહેર કે ગામની જરૂરિયાતમંદ મહિલાઓને એકસમાન રોજગારીની તકો મળે એ દિશામાં અવિરત પ્રયત્નો કર્યા છે એમ તેમણે ઉમેર્યું હતું.
વધુમાં મહિલાઓને આર્થિક, સામાજિક, શારીરિક અને માનસિક સુરક્ષા તેમજ સ્વસ્થતા પ્રદાન કરવા રાજ્ય સરકાર દ્વારા ચાલતી યોજનાઓ વિશે વિસ્તારથી જણાવ્યું હતું. ગંગા સ્વરૂપા પેન્શન સહાય વિધવા સ્ત્રીઓના જીવનમાં ઓચિંતી આવેલી મુશ્કેલીઓનો સામનો કરવા ઉપયોગી બને છે. લોન સહાય થકી મહિલા નાનો મોટો વ્યવસાય કરી શકે અને વિવિધ સરકારી મેળાઓના માધ્યમથી એ ઉત્પાદનના વેચાણની અને આર્થિક ઉપાર્જનની ઉજ્જવળ તકો મેળવે છે. સાથે જ તેમણે મહિલા સુરક્ષા માટે કાર્ય કરતી ૧૮૧ અભયમ હેલ્પલાઇનનો ઉલ્લેખ કરી દરેકને જરૂરિયાતના સમયે તેનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો.
મંત્રીશ્રીએ દરેક મહિલાઓને પારસ્પરિક મદદની ભાવના સાથે કામ કરવા અને આગળ વધવાની હિમાયત કરી મહિલાઓ સહિત દરેકને વડાપ્રધાનશ્રીના મેક ઈન ઈન્ડિયા અભિયાનને સફળ બનાવવા લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાનો અનુરોધ કર્યો હતો. જેથી મહિલાઓને વધુ સશકત અને સુરક્ષિત બનાવી ભારતને વિશ્વગુરુ બનવાની દિશામાં આગેકૂચ કરવાના પ્રધાનમંત્રીશ્રીના સ્વપ્નને સાથે મળી સાકારિત કરી શકાય.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી શિવાની ગોયલે મહિલાઓને શિક્ષિત અને સશક્ત બનાવી સમાજનો વિકાસ સાધવા તેમજ મહિલા સશક્તિકરણ- મહિલાઓને આર્થિક રીતે સક્ષમ, સુદ્રઢ, સશક્ત કરવા પર ભાર મૂક્યો હતો. આત્મનિર્ભર મહિલાઓ પરિવારની સાથે સમાજમાં પણ ખૂબ મોટો ફાળો આપે છે,જે મહિલાઓ અંગે સમાજનો દૃષ્ટિકોણ બદલવામાં મદદરૂપ નીવડે છે.
તેમણે મહિલાઓના આર્થિક સશક્તિકરણ માટે કાર્યરત NRLM(નેશનલ રૂરલ લાઈવલીહુડ મિશન) યોજનાનો ઉલ્લેખ કરી વાર્ષિક એક લાખ કે તેનાથી વધુ ઉપાર્જન કરી ‘લખપતિ દીદી’ બનાવવાના સરકારના પ્રયાસોની વિગતો આપી ઉમેર્યું કે, સુરત જિલ્લામાં કુલ ૧૫ હજારથી વધુ લખપતિ દીદી છે. તેમજ ટૂંક સમયમાં આ આંકડો ૩૪ હજાર સુધી પહોંચે તેવો જિલ્લા વહીવટી તંત્રનો લક્ષ્યાંક હોવાનું તેમણે જણાવ્યું હતું.
ડીડીઓશ્રીએ ગામમાં, શેરી મહોલ્લાઓમાં વસતી મહિલાઓને આર્થિક સધ્ધરતા માટે સ્વસહાય જૂથ બનાવી રિવોલ્વિંગ ફંડનો લાભ લેવા માર્ગદર્શન આપ્યું હતું. મલ્ટી ટાસ્કિંગમાં ઉત્કૃષ્ટ મહિલાઓને એકબીજાના પ્રેરણાસ્ત્રોત બનવા અનુરોધ કરી ડીડીઓશ્રીએ દરેક મહિલાને દિકરા – દીકરીમાં ભેદભાવ વિના તેઓને સુશિક્ષિત બનાવી મનગમતા ક્ષેત્રમાં આગળ વધારવા હિમાયત કરી હતી. જેથી વિકસિત ભારતમાં શિક્ષિત મહિલાઓનો મહિલાઓનો ફાળો પણ મહત્તમ રહે.
આ પ્રસંગે મહિલા અને બાળ સુરક્ષા અધિકારીશ્રી રાધિકા ગામીત, દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી કે.વી.લકુમ સહિત અન્ય કર્મચારીઓ, સ્ત્રી ચેતનાના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી શેલજા અંધારે, સ્થાનિક અધ્યક્ષ શ્રી ચેતનાબેન, સચિવ ડિમ્પલ સુરતી, મહિલા આર્થિક વિકાસ નિગમના કુમુદ યાજ્ઞિક, અન્ય સભ્યો ડૉ કીર્તિબેન સુરતી, નીપા શુક્લા સહિત મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.

ભાજપ દ્વારા “અનામત વિરોધી કોંગ્રેસ સામે ધરણા”નો કાર્યક્રમ યોજાયો

0
ભાજપ દ્વારા “અનામત વિરોધી કોંગ્રેસ સામે ધરણા”નો કાર્યક્રમ યોજાયો

Surat:ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર દ્વારા આજરોજ ઉધના દરવાજા ખાતે આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જી ની પ્રતિમા પાસે કેન્દ્રના વિરોધ પક્ષના નેતા તથા કોંગ્રેસના અગ્રણી રાહુલ ગાંધી દ્વારા અમેરિકામાં આપેલ અનામત વિરોધી નિવેદનથી કોંગ્રેસ અને રાહુલ ગાંધીનો અસલી ચહેરો અને વિભાજનકારી એજન્ડા લોકો સામે આવી શકે તે માટે વિરોધ પ્રદર્શન તથા ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો
આ અભિયાન અંતર્ગત અનુસૂચિત જાતિ મોરચો, અનુસૂચિત જનજાતિ મોરચો અને બક્ષીપંચ મોરચો તેમજ અન્ય પછાત વર્ગ જાતિના અગ્રણીશ્રીઓ અને પ્રભાવશાળી વ્યક્તિઓ દ્વારા “અનામત વિરોધી કોંગ્રેસ સામે ધરણા”નો કાર્યક્રમ રાખેલ છે. જેમાં પ્લે કાર્ડ બતાવી, કાળી પટ્ટી લગાવી નારે બાજી કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં પ્રદેશના પ્રવક્તા તથા વડોદરા ના માજી મેયર શ્રી ભરતભાઈ ડાંગર વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા તેમની સાથે શહેર અધ્યક્ષ શ્રી નિરંજનભાઇ ઝાંઝમેરા મહામંત્રી શ્રીઓ શ્રી કિશોરભાઈ બિંદલ શ્રી કાળુભાઈ ભીમનાથ મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી ડેપ્યુટી મેયર શ્રી નરેન્દ્ર ભાઈ પક્ષનેતા શ્રીમતી શશીબેન ત્રિપાઠી ધારાસભ્યશ્રીઓ શ્રીમતી સંગીતાબેન પાટીલ શ્રી પ્રવીણભાઈ ઘોઘારી શ્રી અરવિંદભાઈ રાણા શ્રી સંદીપભાઈ દેસાઈ શ્રી મનુભાઈ પટેલ, માજી મંત્રી વડીલ શ્રી નરોત્તમભાઈ પટેલ સહિત નગરસેવક શ્રી ઓ સંગઠનના પદાધિકારીશ્રીઓ તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા

સુરત ક્રેડાઈ દ્વારા ‘જળસંચય જન ભાગીદારી અભિયાન હેઠળ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના અધ્યક્ષ સ્થાને જાગૃતિ કાર્યક્રમ યોજાયો

0
સુરત ક્રેડાઈ દ્વારા ‘જળસંચય જન ભાગીદારી અભિયાન હેઠળ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના અધ્યક્ષ સ્થાને જાગૃતિ કાર્યક્રમ યોજાયો

સમગ્ર રાજ્યમાં ૮૦,૦૦૦થી વધુ બોર રિચાર્જિગના કામોનુ કમિટમેન્ટ મળી ચૂકયું છે

આવનારા સમયમાં ગુજરાતમાં રેઈન વોટર હાવેસ્ટિંગના બે થી અઢી લાખ કાર્યોનો લક્ષ્યાંક

આવનારી પેઢીને સંપત્તિની સાથે પાણીરૂપી વારસો આપીએ

વરસાદી પાણીનું યોગ્ય મેનેજમેન્ટ કરી એક એક ટીપાનો ભૂગર્ભમાં સંગ્રહ કરવાનો અનુરોધ કરતા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ

સુરત ક્રેડાઈ એસોસિયેશન ૧૧૧૧ બોર હાર્વેસ્ટિગના કામો હાથ ધરશેઃ

સુરતઃશુક્રવાર: વરસાદી પાણીના એક એક ટીપાનો સંચય અને સંગ્રહ કરીને ભૂગર્ભ જળ ઉંચા લાવવાના હેતુથી ‘જળસંચય જન ભાગીદારી અભિયાન’ અંતર્ગત કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને સુરત ક્રેડાઈના ઉપક્રમે અવધ યુટોપીયા ખાતે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રીએ કહ્યું કેમ જળસંચય અભિયાન હેઠળ પાણીરૂપી પારસમણીને સંગ્રહ કરવાના કાર્યનો સમગ્ર રાજ્યમાં પ્રારંભ થઈ ચુકયો છે. સમગ્ર રાજ્યમાં ૮૦,૦૦૦ બોરને લગતા વોટર હાર્વેસ્ટિંગના કામો કરવાનું કમિટમેન્ટ મળ્યું છે. આવનારા સમયમાં ગુજરાતમાં બે થી અઢી લાખ રેઈન વોટર હાર્વેસ્ટિંગના કાર્યોનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે એમ જણાવી વરસાદી પાણીનું યોગ્ય મેનેજમેન્ટ કરી એક એક ટીપાને યોગ્ય મેનેજમેન્ટ કરી ભૂગર્ભમાં ઉતારવાનો તેમજ જિલ્લાના બિન ઉપયોગી અને બંધ ખાનગી ટ્યુબવેલને વરસાદી પાણીથી રિચાર્જ કરી ફરી તેજ પાણીનો ઉપયોગ કરવાનો અનુરોધ કર્યો હતો.
તાજેતરમાં રાજસ્થાન અને મધ્યપ્રદેશ રાજયની ૨૦ નદીઓ જોડવા પર હસ્તાક્ષર થઈ ચુક્યા છે એમ જણાવી વધુમાં કહ્યું કે, ‘ગામનું પાણી ગામમાં, સીમનું પાણી સીમમાં અને ખેતરનું પાણી ખેતરમાં’ જ રહે અને ભૂગર્ભ જળ રિચાર્જ થાય તે માટે ‘જળસંચય અભિયાન’ આશીર્વાદરૂપ નીવડશે. અત્યાર સુધી આપણે પાણી મેળવવા બોર કરતા હતા પરંતુ સમય અને સંજોગોને ધ્યાને લઇને વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારવા માટે અભિયાન ઉપાડયું હોવાનું ઉમેર્યું હતું.


મંત્રીશ્રીએ કહ્યું કે, ૧૪/૪૫ ના મકાનમાં ૧૦૦ એમ એમ વરસાદ પડે તો પણ તેના દ્વારા એક લાખ લીટર પાણીને ભૂગર્ભમાં ઉતારી શકાય છે. ક્રેડાઈના સભ્યોને પોતાના ઘર, મહોલ્લા અને સોસાયટીમાં પાણીનું મહત્વ સમજીને જળસંચયના કાર્યો કરવાની હાંકલ કરી હતી.
આ અવસરે ક્રેડાઈના ચેરમેન સંજયભાઈ માંગુકીયાએ જણાવ્યું હતું કે, કુદરતે આપણને ઘણા સંસાધનો આપ્યા છે, ત્યારે આપણે પણ કુદરતને કંઈક આપવાનું છે. જેથી વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારવાથી આવનારી પેઢી સાથે સમગ્ર માનવજાતિની ઉમદા સેવા થઈ શકશે. એમ જણાવી આ તકે તેમણે સૌને જળ સંચય જન ભાગીદારીના અભિયાનમાં જોડાવાનો અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે ક્રેડાઈના પ્રમુખ ડો.જિજ્ઞેશ પટેલે આવનારી પેઢીને સમૃદ્ધ જળવારસો આપવા જળસંચય અભિયાનમાં વધુને વધુ સભ્યો જોડાઈને તેને સફળ બનાવવા હાંકલ હાકલ કરી હતી.
આ તકે સુરત ક્રેડાઈ એસોસિયેશન દ્વારા ૧૧૧૧ બોર હાર્વેસ્ટિગના કામો કરવાની જાહેરાત કરી હતી.
આ પ્રસંગે મેયરશ્રી દક્ષેશ માવાણી, ક્રેડાઈના ઉપપ્રમુખ મગનભાઈ ડોબરિયા, સંગઠન પ્રમુખ નિરંજનભાઈ ઝાંઝમેરા, ક્રેડાઈના સભ્યો સર્વે લવજીભાઈ, સંજયભાઈ દેસાઈ, મનોજભાઈ અગ્રવાલ, સંજય સુરાના, જેન્તીભાઈ એકલેરા, શ્રેયાંશભાઈ, વિજયભાઈ ધામેલિયા, તથા મોટી સંખ્યામાં અન્ય ક્રેડાઈના હોદ્દેદારો, અગ્રણી ઉદ્યોગકારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

જિલ્લા કાનૂની સત્તા મંડળ-સુરત દ્વારા તા.૨૬મી ઓક્ટોબરે રાષ્ટ્રીય લોકઅદાલત યોજાશે

0
જિલ્લા કાનૂની સત્તા મંડળ-સુરત દ્વારા તા.૨૬મી ઓક્ટોબરે રાષ્ટ્રીય લોકઅદાલત યોજાશે

સમાધાનથી ટાર્ગેટેડ કેસોનું નિરાકરણ કરાશે: પક્ષકારો તથા તેમના વકીલોએ સંબંધિત કોર્ટનો સંપર્ક કરવો

સુરત:શુક્રવાર: સુરત જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા રાષ્ટ્રીય કાનુની સેવા સત્તામંડળના નેજા હેઠળ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના માર્ગદર્શન તેમજ સુરતના મુખ્ય જિલ્લા ન્યાયાધીશ અને જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના અધ્યક્ષની અધ્યક્ષતામાં આગામી તા.૨૬/૧૦/૨૦૨૪ના રોજ રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે.
સુરત જિલ્લામાં પેન્ડીંગ જુના સમાધાન લાયક કેસોનું લોક અદાલતના માધ્યમથી નિકાલ કરી શકાય એવા કેસો જેવા કે મોટર એક્સીડન્ટ ક્લેઈમ પીટીશન (ઈજા અથવા મૃત્યુના કિસ્સામાં), વૈવાહિક તકરારોના (છુટાછેડા સિવાયના) ફેમિલી કોર્ટના કેસો, નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ-૧૩૮ (ચેક બાઉન્સ) જેવા ટાર્ગેટેડ કેસો માટે પક્ષકારો તથા તેમના વકીલોએ સંબંધિત કોર્ટનો સંપર્ક કરવો.
ઉપરાંત, જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ-સુરત કચેરી દ્વારા આવા કેસોના સુખદ નિરાકરણ માટે બેચનું ગઠન કરાયું છે. જે બેચ વિશેષ લોકઅદાલતના માધ્યમથી ટાર્ગેટેડ કેસોના સમાધાનથી નિકાલ કરશે. પક્ષકારો તથા તેમના વકીલોએ વિશેષ લોક અદાલતમાં ટાર્ગેટેડ કેસોના CONCILIATION માટે તથા તેની વધુ માહિતી માટે સંબંધિત કોર્ટનો સંપર્ક કરવો. રાષ્ટ્રીય લોક અદાલતમાં કેસોનો નિકાલ થવાથી બંન્ને પક્ષકારોના હિતમાં કેસનો ફેસલો થશે. જેથી સમાધાનના માધ્યમથી કેસોનો સુખદ અંત લાવવા મુખ્ય જિલ્લા ન્યાયાધીશ તથા જિલ્લા કાનુની સેવા સત્તામંડળ-સુરતના ચેરમેન શ્રી આર.ટી. વચ્છાણીએ અપીલ કરી છે તેમ જિ.કા. સેવા સત્તામંડળના સચિવ સી.આર.મોદીની યાદીમાં જણાવાયુ છે.

‘જળસંચય જનભાગીદારી’ યોજના હેઠળ નર્મદ યુનિવર્સિટીના ૨૧૦ એકરના કેમ્પસમાં ૨૦૦થી વધુ વોટર રિચાર્જ બોરવેલ બનાવવાની કામગીરીનો પ્રારંભ કરાવતા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ

0
‘જળસંચય જનભાગીદારી’ યોજના હેઠળ નર્મદ યુનિવર્સિટીના ૨૧૦ એકરના કેમ્પસમાં ૨૦૦થી વધુ વોટર રિચાર્જ બોરવેલ બનાવવાની કામગીરીનો પ્રારંભ કરાવતા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ

ભૂગર્ભમાં સંગ્રહાયેલું વરસાદી પાણી દરેક પ્રકારના મિનરલ્સથી ભરપૂર હોવાથી સ્વાસ્થ્ય માટે ઉત્તમ’: કેન્દ્રીય મંત્રીશ્રી સી.આર.પાટીલ

વરસાદી પાણીના સંગ્રહની સાથે ‘એક પેડ મા કે નામ’અભિયાન અંતર્ગત મહત્તમ વૃક્ષો રોપી-ઉછેરી પર્યાવરણ સુરક્ષાની અપીલ કરતાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી

સુરત:શુક્રવાર: કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલે ‘જળસંચય જનભાગીદારી’ યોજના હેઠળ નર્મદ યુનિવર્સિટીના ૨૧૦ એકરના કેમ્પસમાં ૨૦૦થી વધુ વોટર રિચાર્જ બોરવેલ બનાવવાની કામગીરીનો પ્રારંભ કરાવ્યો હતો. પ્રથમ પાંચ બોરવેલની કામગીરીનું તેમણે ખાતમુહુર્ત કર્યું હતું.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રીના ‘કેચ ધ રેઈન’ અભિયાન અંતર્ગત સુરતવાસીઓને વરસાદી પાણીના સંગ્રહનું મહત્વ સમજાવી પોતાના ઘર, સોસાયટીઓમાં વધુમાં વધુ બોરવેલ બનાવી જળસંચય કરવાની અપીલ કરી હતી. જેથી વિકાસ મોડેલ તરીકે પ્રખ્યાત ગુજરાત જળ સંચયમાં પણ મોખરે રહી દેશઅને નવી રાહ ચીંધી શકે.


જળસંચયને જનભાગીદારી યોજના ગણાવી તેમણે કહ્યું કે, સરકારની મદદ સાથે નાગરિકો, સ્થાનિક સંસ્થાઓ અને ઉદ્યોગોના સામૂહિક પ્રયાસો મળી આવનારા વર્ષોમાં પાણીની અછતની સમસ્યાને સંપૂર્ણ નિવારી શકાશે. શહેરની સાથે ગામોમાં પણ આ યોજનાના અમલથી વરસાદી પાણીને વહેતું અટકાવી ઘરોમાં અને ખેતરોમાં પાણીની તંગીની સમસ્યા હલ થશે. સાથે જ અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ જેવી કુદરતી આફતોમાં પણ પહોંચી વળાશે.
વધુમાં મંત્રીશ્રીએ કહ્યું કે, દરેક ઘરમાં કે ઘર પાસે બોર બનાવી ન્યુનત્તમ ૧ લાખ લીટર પાણીનો સંગ્રહ થઈ શકે છે. જે દૈનિક પાણીના વપરાશમાં ઉપયોગી થઈ શકે છે. તો ગામમાં વરસાદી વ્હેણનું પાણી સંગ્રહ કરાતા કુવામાં પાણીનું જળસ્તર અને ગુણવત્તા બંન્ને સુધરે છે. તેમણે કહ્યું કે, ભૂગર્ભમાં સંગ્રહાયેલું વરસાદી પાણી દરેક પ્રકારના મિનરલ્સથી ભરપૂર હોય સ્વાસ્થ્ય માટે પણ ઉત્તમ છે.
વધુ પડતાં વરસાદથી શહેરના કેટલાક વિસ્તારોમાં ભરાતા પાણીની સમસ્યાને નિવારવા શહેરી વહીવટીતંત્રને રોડની આજુબાજુની જગ્યામાં મહત્તમ બોર બનાવવા ટકોર કરી હતી. જેથી પાણી ભરવાની સમસ્યાની સાથે રસ્તાના ધોવાણને પણ અટકાવી રસ્તાઓને થતું નુકસાન ટાળી શકાય. વરસાદી પાણીના સંગ્રહની સાથે તેમણે ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત મહત્તમ વૃક્ષારોપણ કરવા અપીલ કરી હતી. જેથી આવનારા વર્ષોમાં પાણી અને વૃક્ષોના જતનથી પર્યાવરણનું સંતુલન જાળવી શકાય.
આ પ્રસંગે સાંસદશ્રી મુકેશભાઈ દલાલ, ધારાસભ્યશ્રી મનુભાઈ પટેલ, મેયરશ્રી દક્ષેશભાઈ માવાણી, ડે.મેયર નરેન્દ્રભાઈ પાટીલ, સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલ, શાસકપક્ષ નેતાશ્રી શશીબેન ત્રિપાઠી, વીર નર્મદ યુનિ.ના કુલપતિશ્રી કિશોરસિંહ ચાવડા, રજિસ્ટ્રારશ્રી આર.સી.ગઢવી સહિત યુનિ.ના પ્રાધ્યાપકો, અગ્રણી પરેશભાઈ પટેલ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

સુરત આરટીઓ દ્વારા LMV(મોટર કાર)ના પસંદગીના ગોલ્ડન અને સિલ્વર નંબરોનું રિઓક્શન થશે

0
સુરત આરટીઓ દ્વારા LMV(મોટર કાર)ના પસંદગીના ગોલ્ડન અને સિલ્વર નંબરોનું રિઓક્શન થશે

તા.૩૦ સપ્ટેમ્બર થી ૦૨ ઓક્ટોમ્બર સુધીમાં ઓનલાઈન અરજી કરી શકાશે

સુરત:શુક્રવાર: સુરતના પાલ આરટીઓ દ્વારા LMV(મોટર કાર)ના GJ-05 RM, GJ-05 RN, GJ-05 RP, GJ-05 RQ, GJ-05 RS, GJ-05 RT, GJ-05 RU, GJ-05 RV, GJ-05 RW, GJ-05 RX, GJ-05 RYના ગોલ્ડન અને સિલ્વર પસંદગીના નંબરોનું ઓનલાઈન રિઓક્શન શરૂ કરવામાં આવશે. આ માટે રજિસ્ટ્રેશન તા.૩૦ સપ્ટેમ્બર થી ૦૨ ઓક્ટોમ્બરના રોજ સુધી થશે. જ્યારે હરાજી તા.૦૨ થી ૦૪ ઓક્ટોમ્બર દરમિયાન કરવામાં આવશે.
પસંદગીનો નંબર મેળવવા ઈચ્છતા વાહન માલિકોએ તેમના વાહનોનું રજિસ્ટ્રેશન કરાવીને જેમાં http:/parivahan.gov.in/fancy પર ઓનલાઈન ફોર્મ ભરી રજિસ્ટ્રેશન કરવું. જેનો યુઝર આઈ.ડી. અને પાસવર્ડ તૈયાર કરી વાહન વ્યવહાર કમિશનરશ્રીની કચેરીના નિયત સૂચનાઓ મુજબ ભાગ લેવાનો રહેશે. પસંદગીનો નંબર મેળવવા માટેની અરજી સેલ ઈનવોઈસની તારીખ અથવા વીમાની તારીખ એ બે માંથી જે વહેલું હોય તે તારીખથી ૭ દિવસમાં રજૂ કરવાની રહેશે. આવી અરજી કર્યાની તારીખથી ૬૦ દિવસ સુધી અમલી ગણાશે. આ રીતે ૬૦ દિવસમાં અરજદાર ચોઈસનો કોઈ નંબર નહિ મેળવે અથવા ઉપલબ્ધ નબરોમાંથી અરજદારને પસંદગીનો નંબર ફાળવી શકાશે નહિ તો અરજી તારીખથી ગણતા ૬૦ દિવસે એટલે કે છેલ્લા દિવસે રજિસ્ટ્રેશન ઓથોરિટી દ્વારા રેન્ડમ પદ્ધતિથી નંબર ફાળવી દેવામાં આવશે. આ ૬૦ દિવસની મર્યાદા અરજદારને માત્ર વધુ ઓક્શનમાં ભાગ લેવાની તક આપવાના હેતુથી આપવામાં આવી છે. કામચલાઉ નોંધણી પ્રમાણપત્ર પૂરું થયા બાદ તેમનું વાહન અનરજિસ્ટર્ડ ગણાશે અને આવા અનરજિસ્ટર્ડ વાહનનો જાહેર ઉપયોગ કરી શકાશે નહીં એમ પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી, સુરત, પાલ દ્વારા જણાવાયું છે.

જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો: બારડોલી

0
જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો: બારડોલી

ખેતી ક્ષેત્રે સ્માર્ટ ફોનનો સ્માર્ટ ઉપયોગ કરીશ: ખેડૂત સુમજીભાઈ ચૌધરી

મહુવા તાલુકાના શેખપુર ગામના સુમજીભાઈ ચૌધરીને રાજ્યના કૃષિ વિભાગની સ્માર્ટ ફોન યોજનાનો લાભ મળ્યો

સુરત:શુક્રવાર: ગરીબો પગભર થાય અને ગરીબીના અભિશાપમાંથી મુક્ત થઈ સ્વમાનભેર જીવન નિર્વાહ કરવા માટે જરૂરી સાધનસહાયથી તેમનો જીવનનિર્વાહ કરી શકે તેનું સશક્ત માધ્યમ ગરીબ કલ્યાણ મેળા બન્યા છે.
બારડોલી ખાતે ગરીબ કલ્યાણ મેળામાં મહુવા તાલુકાના શેખપુર ગામના સુમજીભાઈ ચૌધરીને રાજ્યના કૃષિ અને સહકાર વિભાગની સ્માર્ટ ફોન યોજનાનો લાભ મળ્યો છે. તેમણે ખુશી વ્યક્ત કરતા કહ્યું હતું કે, વર્ષોથી ખેતી કરૂ છું. ગ્રામપંચાયતથી સરકારની સ્માર્ટ ફોન યોજનાની માહિતી મળતા જરૂરી પુરાવા સાથે ઓનલાઈન અરજી કરી હતી. જેમાં નિયત સમયમાં જ મોબાઈલનો લાભ મળ્યો. સ્માર્ટ ફોનના માધ્યમથી આધુનિક ખેતી કરવાની ઈચ્છા વ્યક્ત કરતા તેમણે ખેતી ક્ષેત્રે સ્માર્ટ ફોનનો સ્માર્ટ ઉપયોગ કરીશ એમ ઉમેર્યું હતું.
સુમજીભાઈએ રાજ્ય સરકાર અને ખેતીવાડી વિભાગનો આભાર વ્યક્ત કરતાં કહ્યું કે, સ્માર્ટ ફોન ખરીદીમાં રાજ્ય સરકારે રૂ. ૬ હજારની સહાય ચૂકવી છે, તથા સહાયની આ પ્રક્રિયામાં ખેતીવાડી વિભાગનો સતત હકારાત્મક સહયોગ પ્રાપ્ત થયો છે. સ્માર્ટ ફોનના માધ્યમથી તેઓ ઘેર બેઠાં આઈ-ખેડૂત પોર્ટલ પરથી ખેડૂત કલ્યાણલક્ષી યોજનાની જાણકારી મેળવી તેના લાભ માટે ફોર્મ ભરી શકશે. આ સાથે ખેડૂત મિત્રોને પણ માર્ગદર્શન પૂરુ પાડી પોતાની જમીન વધુને વધુ ફળદ્રુપ કઈ રીતે બની શકે તેની જાણકારી ઘેરબેઠાં મેળવી શકશે.
તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકારની સ્માર્ટ ફોનની યોજના ખુબ જ ઉપયોગી નિવડશે. સાથે મોબાઈલ દ્વારા હવામાન ખાતાની જાણકારી, માર્કેટિંગ યાર્ડમાં વિવિધ પાકોના ભાવો, કૃષિ રોગો અને તેના નિરાકરણની પણ ઘર બેઠા જ માહિતી મોબાઈલ મારફતે મળી રહેશે.

અદાણી ફાઉન્ડેશન અને આઈ.સી.ડી.એસ. દ્વારા ઉમરપાડામાં પોષણ માહ ઉજવાયો

0
અદાણી ફાઉન્ડેશન અને આઈ.સી.ડી.એસ. દ્વારા ઉમરપાડામાં પોષણ માહ ઉજવાયો

સુરત:શુક્રવારઃ- રાજય સરકાર દ્વારા કુપોષણ સામેની લડાઈ માટે સપ્ટેમ્બર માસને પોષણ માહ તરીકે ઉજવણી થઈ રહી છે. સમગ્ર સપ્ટેમ્બર મહિના દરમિયાન વિવિધ પ્રવૃતિ સાથે સમગ્ર ઉમરપાડા તાલુકામાં અદાણી ફાઉન્ડેશનની ટીમ અને આઈ.સી.ડી.એસ. સાથે મળીને પોષણ માહની ઉજવણી કરવામાં આવી છે. ઉમરપાડા તાલુકાને કુપોષણમુક્ત બનાવવા માટે એપ્રિલ ૨૦૨૪ થી અદાણી ફાઉન્ડેશન દ્વારા પ્રોજેક્ટ ફોર્ચ્યુન સુપોષણની શરૂઆત કરવામાં આવી છે જેએ અંતર્ગત આઈ.સી.ડી.એસ. વિભાગ સાથે મળીને કુપોષણના પ્રમાણને ઘટાડવા માટેના સઘન પ્રયત્નો થઈ રહ્યા છે.
ઉમરપાડામાં ઉમદા અને પરિણામલક્ષી કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. ઉજવણી દરમિયાન કિશોરીઓ, સગર્ભા બહેનો, ધાત્રી બહેનો તથા ભાઈઓમાં વધુ જાગૃતતા લાવી શકાય એ માટે અનેકવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. જાગૃતતા રેલી, ફેમિલી કોઉન્સેલિંગ, જૂથ ચર્ચા, વાનગી પ્રદર્શન, પોષણ વાટિકા, સરગવાના વૃક્ષોનું રોપણ, શાળા, આંગણવાડી તથા લાભાર્થીના ઘરે કરવામાં આવ્યું હતુ. આ દિવસો દરમ્યાન અદાણી ફાઉન્ડેશનની ટીમ અને સુપોષણ સંગીની બહેનો કે જેઓ ગામ લેવલે આ પ્રોજેક્ટ માટેની કામગીરી કરે છે એ બધાએ સાથે મળી ને અલગ અલગ પ્રવૃતિઓ દ્વારા ઉમરપાડા તાલુકા ના ૧૩,૨૩૬ જેટલા લોકો સુધી પહોંચીને એક નવી પહેલ કરી છે. આ તમામ પ્રવૃતિમાં આઈ.સી.ડી.એસ.નો સહયોગ દરેક તબક્કે રહ્યો હતો. સૌના સહિયારા પ્રયાસ દ્વારા ઉમરપાડા તાલુકામાં કુપોષણ ઘટાડવાના સઘન પ્રયત્ન થઈ રહ્યા છે.

“સ્વચ્છતા હી સેવા અભિયાન -૨૦૨૪”

0
“સ્વચ્છતા હી સેવા અભિયાન -૨૦૨૪”

ગરીબ કલ્યાણ મેળામાં સ્વચ્છતા સેલ્ફી પોઈન્ટ દ્વારા સૌ પદાધિકારીઓ-અધિકારીઓએ સેલ્ફી લઈને સ્વચ્છતાનો સંદેશો આપ્યોઃ

સુરતઃશુક્રવારઃ- “સ્વચ્છતા હી સેવા-૨૦૨૪”ના અભિયાનની શરૂઆત સમગ્ર રાજયમાં થઈ ચુકી છે જે અંતર્ગત સુરત જિલ્લામાં પણ અનેક સંસ્થાઓ, સરકારી કચેરીઓ, એન.જી.ઓ. સાથે મળીને જનજન સુધી સ્વચ્છતાનો સંદેશો પહોચવાના ધ્યેય સાથે ‘‘સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા’’ ની થીમ જનભાગીદારી સાથેની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે બારડોલી ખાતે યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાં સ્વચ્છતા હિ સેવા અંતર્ગત સ્વચ્છતા સેલ્ફી પોઇન્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. જેમાં પર જિલ્લા પંચાયત પ્રમુખશ્રીમતી ભાવિનીબેન પટેલ, ધારાસભ્યશ્રી ઈશ્વરભાઈ પરમાર તથા મોહનભાઈ ઢોડિયા, જિલ્લા કલેકટર, ડી.આર.ડી.એ.ના નિયામકશ્રી, પ્રાંત અધિકારી જીજ્ઞાબેન પરમાર તથા અન્ય પદાધિકારીઓ, અધિકારીઓએ સેલ્ફી લઈને સૌને સ્વચ્છતાનો પ્રેરક સંદેશ આપ્યો હતો.

વંચિતોને હાથોહાથ સહાય આપતો ગરીબ કલ્યાણ મેળો-૨૦૨૪

0
વંચિતોને હાથોહાથ સહાય આપતો ગરીબ કલ્યાણ મેળો-૨૦૨૪

ગરીબ કલ્યાણ મેળામાં પીએમ સ્વનિધિ યોજનાના થકી ડિંડોલીના ભાવનાબેન પાટીલને મળી સહાય

સરકારની પીએમ સ્વનિધિ યોજના થકી લોન સહાય પ્રાપ્ત થતા વ્યવસાયને આગળ ધપાવવાનો માર્ગ મળ્યો: લાભાર્થી ભાવનાબેન પાટીલ

સુરતઃશુક્રવારઃ- ગરીબ કલ્યાણ મેળાએ અનેક લોકોનું કલ્યાણ કર્યું છે. આજે કતારગામ ખાતે યોજાયેલા મેળામાં ડીંડોલીના મહાદેવ નગરમાં રહેતા ભાવનાબેન પાટીલને સુરત મહાનગર પાલિકાના યુસીડી વિભાગ દ્વારા પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત રૂ.૨૦ હજારની હાથોહાથ સહાય મળી હતી. તેમણે હર્ષ સાથે કહ્યું કે,મને સ્વનિધી યોજના થકી લોન સહાય મળતા અગરબતી વેચાણના વ્યવસાયને આગળ ધપાવવાનો માર્ગ મળ્યો છે અને જેનાથકી મને આત્મનિર્ભર બનાવવાની પ્રેરણા મળી છે.
સ્વનિધી યોજનાના લાભાર્થી ભાવનાબેન પાટીલે જણાવ્યું કે, મારો મધ્યમવર્ગી પરિવાર છે. અમારા બે સંતાન છે, જે શાળામાં અભ્યાસ કરે છે, મારા પતિ પણ મારી સાથે અગરબતીના વેચાણનો વ્યવસાય કરે છે. આજની મોંઘવારીના સમયમાં બન્ને સાથે મળીને છેલ્લા સાત વર્ષથી અગરબતીનો વ્યવસાય કરી પગભર બન્યા છે.


તેમણે વધુમાં જણાવ્યું હતું કે,સમાજના અગ્રણીઓ દ્વારા પીએમ સ્વનિધિ યોજના વિશે સાભળ્યું હતું. ત્યારબાદ સુરત મહાનગર પાલિકાના યુસીડી વિભાગ તરફથી તમામ માહિતી વિગતવાર સમજાવી ફોર્મ આપ્યું હતું. જે ફોર્મ ભરી જરૂરી ડોક્યુમેન્ટ સાથે જમા કરાવતા ટુંક સમયમાં રૂ.૧૦ હજારની લોન સહાય પાપ્ત થઇ હતી. ત્યારબાદ આ લોન પુર્ણ થતાં બીજી રૂ.૨૦ હજારની લોન મંજુર થઇ છે. તેનો ચેક આજે ગરીબ કલ્યાણ મેળામાં મહાનુભાવોના હસ્તે હાથોહાથ આપવામાં આવ્યો છે. લોનની રકમ દ્વારા સામન-સામગ્રીમાં વધારો થતા વ્યવસાયને વેગ આપીને આત્મનિર્ભર બનીશ.
રાજ્યની સંવેદનશીલ સરકારનો હદય પુર્વક આભાર વ્યક્ત કરી અન્ય લોકો પણ સરકારની યોજનાનો લાભ લઇને આત્મનિર્ભર બનવાનો અનુરોધ કર્યો હતો. તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવા તેમને સાથ સહકાર આપવો જોઇએ એમ તેમણે જણાવ્યું હતું.