સુરત શહેરના અડાજણ-પાલ ખાતે પાલનપુર ગાર્ડનમાં ફરવા ગયેલા રત્નકલાકાર અને તેના મિત્રોને નકલી પોલીસે પાલ પોલીસમાં હોવાની ઓળખ આપી કહ્યું કે તમે ગાંજોનું સેવન કરો છો એમ કહી પોલીસ સ્ટેશને લઈ જવાની ધમકી આપી 3 હજાર પડાવી લીધા હતા. રત્નકલાકારના મિત્રએ મોબાઇલમાં ઘટનાનો વિડીયો ઉતારી લીધો હતો. આ વિડીયો રત્નકલાકારે પાલ પોલીસમાં જઈ બતાવતા બન્ને ઠગનો ભાંડો ફુટી ગયો હતો.
પાલનપુર જકાતાનાકા પાસે રહેતા 24 વર્ષીય રત્નકલાકાર ભાવેશ બરોડીયા તેના 3 મિત્રો સાથે ગાર્ડનમાં ગયો હતો. દરમિયાનમાં બે શખ્સોએ ખાનગી કપડામાં ગાર્ડનમાં આવી અમે પાલ પોલીસ સ્ટેશનના ડિસ્ટાફમાં નોકરી કરીએ છીએ, અહીં કેમ બેઠા છો, તમે ગાંજાનું સેવન કરો છો, એમ કહી ગાળો આપી પાલ પોલીસ સ્ટેશને લઈ જવાની ધમકી આપી હતી. રત્નકલાકારે બન્ને શખ્સો પાસે આઈકાર્ડ માંગતા તે પણ આપ્યો ન હતો. બન્ને શખ્સો પૈકી એકનું નામ સાનીલ અને બીજાનું દીપક આપ્યું હતું. પાલ પોલીસે વિડીયોના આધારે ગુનો દાખલ કરી સાનીલ કમલેશ કઠોરવાલા(22)(રહે,ગોપાલ પાર્ક સોસા, પાલનપુર પાટિયા, રાંદેર) અને દીપક નાનજી બારીયા(22)(રહે, સાગર એપાર્ટ, પાલનપુર પાટિયા, રાંદેર)ની ધરપકડ કરી છે. અગાઉ સાનીલે લોકરક્ષળદળની પરીક્ષા પણ આપી હતી. જેમાં તે ફેઇલ થયો હતો.