સુરત, તાપી નદીના ભાઠા ગામની દક્ષિણે નદીમાં હાથથી રેતી કાઢવાની મંજુરી આપી હોવા છતાં ભરતીના સમયે કેટલાક લોકો ગેરકાયદે ડ્રેજિગ કરીને મોટાપાયે રેતીખનન કરી રહ્યા હોવાની સ્થાનિક રૃંઢ મગદલ્લાના માછીમારોએ જિલ્લા કલેકટરને ફરિયાદ કરી છે. કઠોરથી શરૃ થતી તાપી નદીમાં રેતી કાઢવા પર પ્રતિબંધ હોવા છતાં કેટલાક રેતી માફિયાઓ દ્વારા ભૂસ્તર વિભાગની નજર ચૂકવીને જયારે પણ તક મળે છે ત્યારે મસમોટા બાજ કે નાવડી લઇને તાપી નદીમાં ડ્રેંજિગ કરી રહ્યા છે. આવી ફરિયાદો ભૂસ્તરશાસ્ત્રીને મળતા ચારેબાજુ ચેકપોસ્ટ બનાવીને વોચ ગોઠવવાની શરૃઆત કરી છે. તેમ છતાં કેટલાક રેતી માફિયાઓએ ચોરીછુપીથી રેતીખનની પ્રવૃતિ ચાલુ જ રાખી છે.
તાજેતરમાં જ રૃંઢ મંગદલ્લાના માછીમારોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવીને ફરિયાદ કરી છે કે, તાપી નદીના પટમાં કેટલાકને હાથથી રેતી કાઢવાની મંજુરી આપી છે. તેમ છતાં ભાઠા ગામની દક્ષિણે તાપી નદીના કિનારે ૫૦૦ મીટર જેટલા વિસ્તારમાં ગેરકાયદે ૧૫૦ હોર્સ પાવરના એન્જીન ધરાવતા ડ્રેજર મશીનો મુકીને બાજમાં રેતી નાંખીને કિનારે પાઇપ લાઇન થકી રેતીનો વેપલો કરી રહ્યા છે. આ સ્થળે લગભગ ૩૫ થી વધુ ટ્રકો રેતી લેવા માટે ઉભેલી હોય છે. આ રેતી માફિયાઓ ભરતીના આજુબાજુના સમયે બાજ, નાવડીમાં ડ્રેજર મશીનો મુકીને આવે છે. અને પાછા રેતી ભરીને ચાલ્યા જાય છે. માછીમારોએ ગુગલ અને ડ્રોનથી લીધેલી તસ્વીરો પણ જિલ્લા કલેકટર સમક્ષ રજુ કરી છે. આથી આ બાબતે તપાસ કરીને રેતીચોરો સામે કાર્યવાહી કરવાની માંગ કરાઇ છે.