વરાછાની વી-૩૨ નંબરનો દુકાનદાર ગરીબોના હકના અનાજ પર તરાપ મારી ઘઉં-ચોખાનો જથ્થો બારોબાર સગેવગે કરતા ઝડપાતા ફોજદારી ગુનો દાખલ કરવામાં આવ્યો છે. દુકાનદાર બંસીલાલ ખોઈવાલ સરકારી અનાજ અન્ય ગૂણમાં ટ્રાન્સફર કરી વેચી દેતો હતો. વ્યાજબી ભાવના દુકાનદારો યેનકેન પ્રકારે રેશનકાર્ડ ધારકોને ઓછું અનાજ આપી ઉપકલનું અનાજ બારોબાર વેચી પોતાના ગજવા ભરી રહીયો હતો. શહેરના અલગ અલગ વિસ્તારના દુકાનદારો ઓછું અનાજ આપતા હોવાની ફરિયાદ બારમ બાર આવતી રહે છે. ત્યારે આવા અનાજમાફિયાની સાન ઠેકાણે લાવવા માટે સુરત જિલ્લા પુરવઠા અધિકારી નીતિન સાવલિયાએ કાયદાનો કોરડો ઉગામ્યો છે. સરકારી અનાજ સગેવગે કરનારાઓ સામે એક પછી એક પોલીસ ફરિયાદ નોંધાવવાનો આરંભ કરતા અનાજ બારોબાર વેચી દેતાં દુકાનદારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
હાલમાં વરાછાના વ્યાજબી ભાવના દુકાનદાર વી-૩૨નો એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં દુકાનદાર સરકારી અનાજ સગેવગે કરી રહ્યો હોવાનું જણાય રહ્યું હતું. જેને પગલે પુરવઠા અધિકારીએ તાત્કાલિક અસરથી તપાસનો આદેશ જારી કર્યો હતો. તેમજ તપાસના અંતે વી-૩૨ નંબરનો દુકાનદાર કસૂરવાર ઠરતા તેની સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. વરાછા પોલીસ મથકમાં બંસીલાલ છોગાજી ખોઈવાર અને સરકારી અનાજ ખરીદનાર રાજેશ ખટીક LA સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.