Home AHMEDABAD સરકારી અનાજના ગોડાઉનમાંથી અનાજ સગેવગે કરી કરોડો રૂપિયાનો વ્યવહાર કરનાર મુખ્ય કાવતરાખોરની...

સરકારી અનાજના ગોડાઉનમાંથી અનાજ સગેવગે કરી કરોડો રૂપિયાનો વ્યવહાર કરનાર મુખ્ય કાવતરાખોરની ધરપકડ કરતી સુરત શહેર ક્રાઇમબ્રાંચ

58
0

ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીની સુચનાથી ગરીબ તથા જરૂરીયાતમંદોને આપવામાં આવતા અનાજનું કૌભાંડ આચરવાના આ સમગ્ર કેસની બારીકાઇથી તપાસ માટે SIT ની રચના કરાઇ હતી.

અનાજની ગુણોમાંથી બે-ત્રણ કિલો અનાજ કાઢી સરકારી પરવાનેદારોને ડિલીવરી ચલણ કરતા ઓછુ અનાજ મોકલી સમગ્ર કૌભાંડ આચર્યુ હોવાનું બહાર આવ્યુ.

સચીન ગોડાઉન મેનેજર પ્રિતીબેન ચૌધરી તથા DSD (ડોર સ્ટેપ ડીલીવરી) ઇજારદાર રાકેશ પારસનાથ ઠાકુરની ભૂમિકા સમગ્ર કૌભાંડમાં મુખ્ય કાવતરાખોર તરીકે જણાઇ

સુરત ખાતે સચીન વિસ્તારમાં આવેલા સરકારી અનાજના ગોડાઉનમાંથી તા.૨૭/૧૦/૨૦૨૨ના રોજ ઘઉંના ૪૫૦ કટ્ટા તથા MDM ફોર્ટીફાઈડ ચોખાના ૯૫૦ કટ્ટા સાથે ત્રણ ટ્રકો મળી કુલ રૂ.૩,૮૭,૫૦૦/-ના મુદ્દામાલ પકડાયો હતો. જેમા સરકારી અનાજના ગોડાઉનમાંથી સરકારી અનાજનો જથ્થો કોઇપણ પરવાનો મેળવ્યા વિના અક્ષયપાત્ર ફાઉન્ડેશન મગોબ, સુરત ખાતે લઇ જવા અંગેનુ ખોટુ ડિલિવરી ચલણ બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો. આરોપીઓ પકડાઇ જતા પ્રાથમિક તપાસ કર્યા બાદ તેઓની સામે તા.૦૮/૧૧/૨૦૨૨ના રોજ સચીન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

તે ઉપરાંત આ ટોળકીએ સચીન સરકારી અનાજના ગોડાઉનના નામે ખોટા ડિલિવરી ચલણો/બીલો બનાવી, ખોટા હિસાબો બતાવીને વ્યાજબી ભાવની દુકાનોના પરવાનેદારોને મળવાપાત્ર જથ્થો પુરેપુરો મળ્યો હોવાનુ બતાવ્યુ હતુ. આ અનાજના જથ્થા પૈકી રૂ.૮.૩૨ લાખનો ઘઉંનો ૨૭૦૦ કિવન્ટલ જથ્થો સગેવગે કરી, ઉચાપત કરી હતી. તેમજ ચોખા, ખાંડ, મીઠુ મળી ૭૬૦૬ કિવન્ટલ અને ચણા (MDM) ૬૨ કિલો મળી કુલ રૂ. ૧.૨૮ કરોડથી વધુ કિંમતનો જથ્થો પરવાનેદારોને ડિલીવરી ચલણ મુજબ પુરેપુરો ન મોકલી ગોડાઉન ખાતે જમા રાખ્યો હોવાનું ધ્યાને આવતા આ સંદર્ભે સચિન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્ય સરકાર દ્રારા ગરીબ તથા જરૂરીયાતમંદ લોકોને મફત તેમજ રાહતદરે આપવામાં આવતા અનાજને સગેવગે કરવાના બહાર આવેલા કૌભાંડને ગંભીરતાથી લઇ સુરત શહેર પોલીસ કમિશનરશ્રીને આ કેસની બારીકાઇથી તપાસ કરવા અને કૌભાંડમા સંડોવાયેલા પ્રત્યેક ગુનેગારોને પકડી કડક કાર્યવાહી કરવા સુચના આપી હતી. ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ ગુનાના મૂળ સુધી પહોંચવા SIT (સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ)ની રચના કરી સમગ્ર તપાસ સુરત શહેર ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવી હતી. જેમાં ઉપરોક્ત બંન્ને ગુનાઓમાં સંડોવાયેલા ગોડાઉન મેનેજર પ્રિતીબેન મનુભાઈ ચૌધરી સહિત કુલ-૭ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

આ ગુનાની તપાસ દરમ્યાન સચીન ગોડાઉન મેનેજર પ્રિતીબેન ચૌધરી તથા DSD (ડોર સ્ટેપ ડીલીવરી) ઇજારદાર રાકેશ પારસનાથ ઠાકુરની ભૂમિકા સમગ્ર સરકારી અનાજ સગેવગે કરવાના કૌભાંડમાં મુખ્ય કાવતરાખોર તરીકે જણાઇ આવી હતી. તે બંને આ ગુનામાં પકડાયેલા અન્ય સહઆરોપીઓ સાથે મળી રાજ્ય સરકાર દ્રારા ગરીબ તથા જરૂરીયાતમંદ લોકોને મફત તેમજ રાહતદરે આપવામાં આવતા અનાજની ગુણોમાંથી બે થી ત્રણ કિલો લેખે અનાજ કાઢી લેતા હતા. તેમજ સરકારી પરવાનેદારોને ડિલીવરી ચલણ મુજબ પુરેપુરૂ અનાજ ન મોકલી આ અનાજ ગોડાઉન ખાતે જમા રાખી અલગ ગુણૉમાં પેક કરી મળતિયાઓ મારફતે વેચાણ કરીને સમગ્ર કૌભાંડ આચર્યુ હોવાનું બહાર આવ્યુ છે.

સમગ્ર કૌભાંડમાં સરકારી અનાજ ગેરકાયદેસર રીતે ખરીદનાર આરોપી સુનિલ શર્મા પકડાયો: સસ્તા ભાવે અનાજ લઈને બીજી પ્લાસ્ટીકની ગુણોમા ભરી અલગ-અલગ રાઈસ મીલો તેમજ વેપારીઓને બજાર ભાવે અનાજ વેચી દેતો હતો
પકડાયેલા બન્ને આરોપી સુનિલ શર્મા અને ધીરેન રાવળના તા.૦૬/૦૩/૨૦૨૩ સુધીના પોલીસ કસ્ટડી રીમાન્ડ મંજૂર

સુરત ક્રાઇમબ્રાંચ દ્રારા ઉપરોક્ત ગુનાઓની ઉંડાણપૂર્વક તપાસ કરતા આ સમગ્ર કૌભાંડમાં સરકારી અનાજ ગેરકાયદેસર રીતે ખરીદનાર આરોપી સુનિલકુમાર ભગવતીલાલ શર્મા (રહે.પ્લોટ નં.બી-૬, અનુપપાર્ક સોસાયટી, ગાંધીરોડ, બારડોલી, જી.સુરત)ને પકડી પાડવામાં આવ્યો છે. આરોપી સુનિલ દ્રારા સચીન ગોડાઉન મેનેજર પ્રીતીબેન ચૌધરી અને અન્ય સાગરીતો પાસેથી સસ્તા ભાવે અનાજ લઈ તે અનાજની ગુણો બદલી નાંખી બીજી પ્લાસ્ટીકની ગુણોમા ભરી અલગ અલગ રાઈસમીલો તેમજ વેપારીઓને બજાર ભાવે અનાજ વેચી દેતો હતો. આ કૌભાંડ થકી કરોડો રૂપીયાનો આર્થિક લાભ મેળવી આંગડિયા મારફતે તે વ્યવહાર સહ આરોપીઓને પહોંચાડતો હોવાનું પણ તપાસમાં બહાર આવ્યુ છે. એટલુ નહિ, આ આરોપી અગાઉ વર્ષ-૨૦૨૧માં પણ નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર રીતે અનાજ ટ્રકમાં ભરીને લઈ જતા પકડાય ચુક્યો છે.

• સરકારી ગોડાઉનમાં પોતાની પત્નિની જગ્યાએ કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરી ગોડાઉનમાંથી સરકારી અનાજ સગેવગે કરવા ખોટા ડીલીવરી ચલણો બનાવનાર આરોપી ધીરેન રાવળની પણ ધરપકડ

તે ઉપરાંત સચીન ખાતેના સરકારી ગોડાઉનમાં પોતાની પત્નિની જગ્યાએ કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરી ગોડાઉનમાંથી સરકારી અનાજ સગેવગે કરવા સારૂ ખોટા ડીલીવરી ચલણો બનાવનાર આરોપી ધીરેનભાઈ વિઠ્ઠલભાઇ રાવળ (રહે.ઘર નં.૧૪, નરસિંહનગર સોસાયટી જેરામ મોરારની વાડી પાસે કતારગામ, સુરત)ની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. તેણે કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ગેરકાયદેસર રીતે નોકરી કરી કૌભાંડ આચરવામાં મદદગારી કરી હોવાનું બહાર આવ્યુ છે. આ બન્ને આરોપીઓને નામદાર કોર્ટે તા.૦૬/૦૩/૨૦૨૩ સુધીના પોલીસ કસ્ટડી રીમાન્ડ મંજૂર કર્યા છે. જેની વધુ તપાસ સુરત ક્રાઇમબ્રાંચની SIT કરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here