એક રાજ્યમાં ચોરી કર્યા બાદ પકડાઈ ન જાય તે માટે આરોપીઓ હજારો કિલોમીટર દૂર અન્ય રાજ્યમાં જતા રહેતા
સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચે એક ઓપરેશન હાથ ધરીને ઉત્તર પ્રદેશની એક ખતરનાક આંતરરાજ્ય ગેંગના ચાર સભ્યોને ઝડપી પાડ્યા છે. આ ગેંગ ખાસ કરીને મોટા શહેરોમાં મની એક્સચેન્જની દુકાનોમાં ઘરફોડ ચોરી કરવામાં માહેર હતી. પોલીસને મળેલી બાતમીના આધારે અલથાણ વિસ્તારની એક હોટલમાંથી આ આરોપીઓને દબોચી લેવામાં આવ્યા છે. ક્રાઈમ બ્રાન્ચે જે ચાર આરોપીઓને પકડ્યા છે તેમાં (1) રિકુ અમરસિંગ ચૌહાણ, (2) યોગેશકુમાર રાજવીરસીંગ ઠાકુર, (3) જુગેન્દ્ર ઉર્ફે જયરામ રાજપુત અને (3) અભિષેક હરીન્દ્રસિંગ ઠાકુરનો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓ મૂળ ઉત્તર પ્રદેશના વતની છે અને પરસ્પર મિત્રો છે.

આરોપીઓએ કબૂલાત કરી છે કે તેઓ દિલ્હી, નોઈડા, હૈદરાબાદ, સિકંદરાબાદ અને ચેન્નઈ જેવા શહેરોમાં ચોરી કરી ચૂક્યા છે. જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં જ તેઓએ હૈદરાબાદ મેટ્રો સ્ટેશન પાસે બે મની એક્સચેન્જની દુકાનો તોડી હતી અને ત્યારબાદ ચેન્નઈમાં ‘જે.એસ.એમ. ફોરેક્સ’ માંથી 24,000 રૂપિયાની ચોરી કરી હતી.







