પાણીની લાઇનમાં 10 લીકેજ મળ્યાં, સિવિલમાં 100થી વધુ બાળકો દાખલ
100થી વધુ બાળકો સહિત અનેક લોકો સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને છેલ્લા ત્રણ દિવસમાં પોઝિટિવ કેસોના દરમાં 50 ટકાનો ઉછાળો આવતાં હાહાકાર મચી ગયો છે. કરોડોના ખર્ચે નખાયેલી નવી પાઈપલાઈનોમાં ગટરનું પાણી ભળી જવાની ગંભીર બેદરકારી સામે આવતાં સેક્ટર-24, 28 અને આદિવાડા જેવા વિસ્તારો રોગચાળાની લપેટમાં આવ્યા. તપાસ દરમિયાન પાણી પીવાલાયક ન હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે.
સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો વધતાં તાત્કાલિક નવો વોર્ડ શરૂ કરવાની ફરજ પડી છે, ગાંધીનગર શહેર વસાહત મહાસંઘે સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ઉગ્ર ‘જનઆંદોલન’ની ચીમકી ઉચ્ચારી છે.

મધ્યપ્રદેશના ઈન્દોરમાં આવા દૂષિત પાણી પીવાથી અત્યારસુધીમાં 16 લોકો મોતને ભેટ્યા છે. ગાંધીનગરમાં તંત્ર સમયસર પગલાં નહીં લે તો મોટી જાનહાનિ થવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે ગાંધીનગરમાં ટાઈફોઈડ કેસો સંદર્ભે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જિલ્લા કલેકટર, મહાનગરપાલિકા કમિશનર તેમજ આરોગ્ય અધિકારી સહિત વહીવટી તંત્રના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. એ બાદ ગાંધીનગર સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી.







