અમદાવાદમાં દોડતી શટલ રિક્ષામાં સ્ટિકર લગાવી પોલીસ અને તેના વહીવટદારો હપતા લેતા હોવાનો કોંગ્રેસ દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. રિક્ષામાં દર મહિને અલગ-અલગ પ્રકારનાં સ્ટિકર લગાવી ગેરકાયદે હપતાની ઉઘરાણી કરતી હોવાનો કોંગ્રેસ દ્વારા વીડિયો જાહેર કરી દાવો કરવામાં આવ્યો છે. એક રિક્ષાદીઠ 1000 રૂપિયાની ઉઘરાણી કરી પોલીસ વિભાગ 180 કરોડથી વધુના ગેરકાયદે હપતા પેટે ઉઘરાણાં કરીને ભ્રષ્ટાચાર કરે છે, જેની તપાસ કરવામાં આવે એવી ગૃહમંત્રી પાસે માગ કરી છે.અમદાવાદની અંદર જેટલી રિક્ષાઓ છે એની અંદર જે શટલ ચાલે છે એમના માટે એક સ્પેશિયલ પ્રકારનું સ્ટિકર બનાવવામાં આવે છે અને આ સ્ટિકર એ પોલીસ સ્ટેશનવાળા નહીં, પરંતુ જે પણ શટલ રિક્ષા ચાલે છે એમાં એક સ્ટીકર લગાવવામાં આવે છે આગળના ભાગમાં. આ જે સ્ટિકર છે એના પોલીસના વહીવટદારો દ્વારા દર મહિને 1,000 ગેરકાયદે રીતે ખંડણી સ્વરૂપે વસૂલાય છે. દર મહિને 1,000 એટલે વાર્ષિક એક રિક્ષાના 12000 રૂપિયા આ સ્ટિકર લગાવી વસૂલાય છે.
દર મહિને એનું સ્ટિકર બદલાઈ જાય, દિવાળી આવે તો સામાન્ય એમ લાગે છે કે આ દિવાળીના સ્ટિકરના દીવા છે, પરંતુ, એ દિવાળીના દીવા નથી હોતા, એ સ્ટિકર ભ્રષ્ટાચારનું સ્વરૂપ હોય છે. પોઇન્ટ પર વારંવાર રિક્ષાને રોકવામાં આવે છે અને સ્ટિકર હોય તો તેને જવા દેવામાં આવે છે. જે ગરીબ રિક્ષાવાળાએ સ્ટિકર ના લગાવ્યું હોય તેની રિક્ષા ડિટેઈન કરીને દંડની કાર્યવાહી કરવામાં આવે છે.







