સુરતના અલથાણ વિસ્તારમાં દારૂની પાર્ટી પર દરોડા દરમિયાન PSI સાથે ઉગ્ર ઝપાઝપી કરનાર ઉદ્યોગપતિ સમીર શાહના પુત્ર જૈનમ શાહની આખરે પોલીસે ધરપકડ કરી છે.


મીડિયામાં સતત અહેવાલો અને વિવાદને પગલે અલથાણ પોલીસે જૈનમ વિરુદ્ધ ફરજમાં રુકાવટનો ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી. ધરપકડ બાદ પોલીસે આજે જૈનમ શાહને ગુનાના સ્થળે રિકન્સ્ટ્રક્શન માટે લઈ જવામાં આવ્યો હતો, જ્યાં પગમાં બૂટ-ચપ્પલ વિના, તદ્દન બદલાયેલા અને નીચું માથું રાખીને શરમ અને પસ્તાવાના ભાવ સાથે જોવા મળ્યો હતો.આ મામલાએ ત્યારે વિવાદ સર્જ્યો જ્યારે ઉદ્યોગપતિ સમીર શાહના પુત્ર જૈનમ શાહે PSI સાથે ઝપાઝપી કરી હતી. ચોંકાવનારી વાત એ હતી કે, તે સમયે અલથાણ પોલીસે જૈનમ શાહ પાસેથી માત્ર માફીનામું લખાવીને તેને છોડી દીધો હતો, જેના કારણે પોલીસની કામગીરી સામે મોટા સવાલો ઊભા થયા હતા. મીડિયા દ્વારા આ મુદ્દે સતત અહેવાલ પ્રકાશિત થતાં અને પોલીસની બેદરકારી પર આંગળી ચીંધાતાં તંત્ર હરકતમાં આવ્યું અને જૈનમની ધરપકડ કરી તેની કાર જપ્ત કરવામાં આવી છે.






