પરિવારજનો અને સ્થાનિકોએ મૃતદેહને કલાકો સુધી પીએમ માટે ન જવા દીધો.
સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં મોબાઈલ લૂંટના એક કિસ્સામાં પ્રતિકાર કરનાર 19 વર્ષીય યુવાનની ચપ્પુના ઘા ઝીંકીને નિર્મમ હત્યા કરવામાં આવી છે. આ ગંભીર ઘટના બાદ ડીંડોલી વિસ્તારમાં લોકોમાં રોષનો માહોલ સર્જાયો હતો, જ્યાં રોષે ભરાયેલા પરિવારજનો અને સ્થાનિક લોકોએ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવાનો ઇનકાર કરીને પોલીસનો વિરોધ કર્યો હતો, જેના કારણે પરિસ્થિતિ તંગ બની હતી. મૃતક યુવાનની ઓળખ દિલીપ સુનીલ જમાદાર (ઉ.વ. 19) તરીકે થઈ છે, જે નવાગામ ડીંડોલી ખાતેની શ્રીનાથ નગર સોસાયટીમાં રહેતો હતો અને ઉધના રોડ નંબર છ પર આવેલા જરીના કારખાનામાં નોકરી કરતો હતો. તેનું મૂળ વતન બિહારના નાલંદા જિલ્લાનું મહેતામાં ગામ છે, અને તે હાલ સુરતમાં પોતાના માસાના ઘરે રહેતો હતો, જ્યારે તેના માતા-પિતા હૈદરાબાદમાં મજૂરી કરે છે.17 ઓક્ટોબરના રોજ દિલીપ રોજની જેમ નોકરી પરથી પરત ફરતી વખતે રેલવે પટરી નજીકથી પસાર થઈને પોતાના ઘરે જઈ રહ્યો હતો. આ દરમિયાન, કેટલાક અજાણ્યા શખસોએ તેને રોકીને તેના મોબાઈલની લૂંટ કરવાનો પ્રયાસ કર્યો હતો. દિલીપે આ લૂંટનો પ્રતિકાર કરતાં, હુમલાખોરોએ તેના પર ચપ્પુના જીવલેણ ઘા ઝીંકી દીધા હતા, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.