બે ઔદ્યોગિક પ્લોટના જૂના શેડ્સના ડિમોલિશન માટે 50 હજારની લાંચ માગી.
સુરતમાં એન્ટીકરપ્શન બ્યુરો દ્વારા સુરતની ઇચ્છાપોર GIDCમાં ફરજ બજાવતા ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર પરિમલ પટેલને રૂ. 50 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપી લેવામાં આવ્યો છે.આરોપી પરિમલ ખંડુભાઈ પટેલ વર્ગ-2નો અધિકારી છે અને માસિક 1.30 લાખનો ઊંચો પગાર ધરાવે છે. તેને રૂ. 50 હજારની લાંચ માગતા પકડાયો છે. આ ઘટના 11 સપ્ટેમ્બર, 2025ના રોજ બની હતી. ફરિયાદીએ તેમના બે ઔદ્યોગિક પ્લોટ પરના જૂના શેડ્સના ડિમોલિશનની પરવાનગી મેળવવા માટે અરજી કરી હતી. આ પરવાનગીની પ્રક્રિયા કરી આપવાના બદલામાં આરોપી પરિમલ પટેલે ફરિયાદી પાસેથી રૂ. 50 હજારની લાંચ માગી હતી. આરોપી 2021થી સુરત ઇચ્છાપોર GIDCમાં ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર તરીકે કાર્યરત છે અને 2001માં એડિશનલ એન્જિનિયર તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. ફરિયાદી લાંચ આપવા માગતા ન હોવાથી તેમણે ACBનો સંપર્ક કર્યો અને ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર કે.જે ધડુક અને તેમની ટીમ દ્વારા લાંચનું છટકું ગોઠવી આરોપી પરિમલ પટેલને તેની જ ઓફિસમાં રૂ. 50 હજારની લાંચ સ્વીકારતા રંગે હાથ ઝડપી પાડ્યો હતો.


આ સફળ ટ્રેપ બાદ ACB હવે આરોપી પરિમલ પટેલના તમામ બેંક એકાઉન્ટ્સ અને સંપત્તિની સઘન તપાસ કરશે. આ કાર્યવાહીનો મુખ્ય હેતુ તેની અપ્રમાણસર સંપત્તિ અને આવકના સ્ત્રોતને શોધવાનો છે. આ તપાસથી ભ્રષ્ટાચારના ઊંડા મૂળ સુધી પહોંચવામાં મદદ મળશે. આ કેસનું સુપરવિઝન આસિસ્ટન્ટ ડિરેક્ટર આર.આર. ચૌધરી કરી રહ્યા છે.