સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત-નવસારી રોડ ઉપર કામગીરી.
વાહનચાલકોને મુશ્કેલી ન પડે એ માટે ટ્રાફિક પોલીસ સાથે સંકલન કરી ઓવરબ્રિજના એપ્રોચને રાત્રિના સમયમાં બંધ રાખી તા.૮ થી ૧૧ જુલાઈ એમ સતત ચાર રાત્રિ સમારકામ કરાયું.
માહિતી બ્યૂરો:સુરત:શનિવાર: સુરત મહાનગરપાલિકા દ્વારા સાઉથ ઝોન-બી (કનકપુર) વિસ્તારમાં સુરત-નવસારી રોડ ઉપર સાતવલ્લા જંક્શન પાસે રેલ્વે ઓવરબ્રિજના એપ્રોચને પેવરબ્લોક નાંખી રિપેર કરાયો છે, જેથી વાહનચાલકોને મોટી રાહત થઈ છે.


સુરત-નવસારી રોડના સચીન તરફના છેડા પર GIDC ના ગેટ પાસે આવેલ સાતવલ્લા રેલ્વે ઓવરબ્રિજ પરથી પલસાણા-હજીરા તરફથી આવતા વાહનો તથા નવસારી તરફથી વાહન વ્યવહારની બહોળા પ્રમાણમાં અવર-જવર રહે છે. આ બ્રિજની બાજુમાં નવો બ્રિજ બનાવવાની કામગીરી પ્રગતિ હેઠળ હોવાથી સુરતથી નવસારી અપ અને ડાઉન બન્ને તરફના હેવી ટ્રાફિકનું ભારણ આ બ્રિજ ઉપર રહે છે.
હાલમાં સુરત શહેરમાં પડેલા ભારે વરસાદના કારણે આ બ્રિજના સચીન તરફના એપ્રોચ પાસેના જંક્શન ઉપર પોટહોલ્સ પડ્યા હતા તેમજ રોડ સર્ફેસમાં નુકસાન થયુ હતું. મેયરશ્રી દક્ષેશ માવાણી, મ્યુ.કમિશનરશ્રી શાલિની અગ્રવાલની સૂચના અને માર્ગદર્શન હેઠળ તમામ ક્ષતિગ્રસ્ત રસ્તાઓને વિવિધ ટેક્નિકથી યુદ્ધના ધોરણે રિપેરીંગ કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે આ બ્રિજ ઉપર ટ્રાફિકનું ભારણ ખુબ જ વધારે પ્રમાણમાં રહેતું હોવાથી વાહનચાલકોને મુશ્કેલી ન પડે એ માટે ટ્રાફિક પોલીસ સાથે સંકલન કરી આ બ્રિજને રાત્રીના સમયમાં બંધ કરાવી તા.૮ થી ૧૧ જુલાઈ એમ સતત ચાર રાત્રિ કામગીરી કરી સચીન તરફના એપ્રોચ પાસેના જંક્શન ઉપર આશરે ૩૮૭૦.00 ચો.ફૂટ વિસ્તારમાં પેવરબ્લોક બેસાડવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જાના કારણે નેશનલ હાઈવે પરથી આવતા ભારે વાહનો તથા સુરતથી નવસારી તરફ અવર-જવર કરતા લોકોને વાહન વ્યવહારમાં સરળતા થઈ છે.