પરિવાર દ્વારા પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ થયો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી.
આ પ્રકરણમાં શાળાના સંચાલકો ઉપરાંત અશોક ત્રિવેદી નામનો એક વ્યક્તિ હાલ ચર્ચામાં આવ્યો. તેણી કામગીરી સામે શંકાસ્પદ ?
સુરતના સચિન વિસ્તારમાં આવેલી સરસ્વતી હિન્દી વિદ્યાલયના ધો.9ના વિદ્યાર્થીની તળાવમાંથી મળી આવેલી લાશની ઘટનામાં પરિવારના ગંભીર આક્ષેપોને પગલે પોલીસે તપાસ શરૂ કરી હતી પરંતુ, હજુ સુધી કોઈ પુરાવા હાથ લાગ્યા નથી.જિલ્લા શિક્ષણ અધિકારી ભગીરથસિંહ પરમારે જણાવ્યું હતું કે, તેમને શાળાના સંચાલનમાં અશોક ત્રિવેદી નામના વ્યક્તિની સંડોવણી અંગે જાણ કરવામાં આવી છે અને તેઓ સરકારી શાળામાં પણ ભણાવે છે તેવી પણ માહિતી છે. આ અંગે તેમણે પોતાના ઇન્સ્પેક્ટરને તપાસ કરીને સત્યતા જાણવા જણાવ્યું છે. અશોક ત્રિવેદી ભલે કાગળ પર સંચાલક ન હોય પરંતુ તેઓ સંચાલકની ભૂમિકા ભજવતા હતા કે કેમ તે અંગે શિક્ષણ વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આ અંગેની ઔપચારિક ફરિયાદ પણ જિલ્લા શિક્ષણ અધિકારીને મળી છે. એક સરકારી શિક્ષક તરીકે ખાનગી શાળાના સંચાલનમાં તેમની દખલગીરી નિયમોનું ઉલ્લંઘન ગણી શકાય કે કેમ, તે એક મોટો પ્રશ્ન છે.
જોકે, પોલીસ દ્વારા સ્કૂલ અને ત્યારબાદ મૃતક વિદ્યાર્થી તળાવ સુધી કઈ રીતે પહોંચ્યો? તેના CCTV આધારે તપાસ કરી રહી છે. ઘરેથી સાયકલ લઈને નીકળ્યા બાદ ત્રણ કિ.મી. દૂર તળાવ નજીક જતો હોય એવું CCTVમાં કેદ થયું છે.

જોકે, આ મામલે એક પછી એક ચોંકાવનારા ખુલાસાઓ થઈ રહ્યા છે. હવે આ કેસમાં શાળાના આચાર્ય, સંચાલકો અને સરકારી શાળાના શિક્ષકની ભૂમિકા પર ગંભીર સવાલો ઉભા થયા છે. ખાસ કરીને CCTV ફૂટેજના DVR ખરાબ હાલતમાં મળવા અને અશોક ત્રિવેદી નામના વ્યક્તિની શાળાના સંચાલનમાં કથિત દખલગીરીએ તપાસને વધુ રહસ્યમય બનાવી દીધી છે.
ગત 30 જૂનના રોજ બપોરે વિદ્યાર્થી મયંક ઝા પ્રિન્સિપાલની કેબિનમાં ગયો હતો. ત્યાં શું બન્યું તે અંગે પોલીસ હાલ તપાસ કરી રહી છે. પરિવારનો આક્ષેપ છે કે, પ્રિન્સિપાલે વિદ્યાર્થીને તમાચો માર્યો હતો. જોકે, વિદ્યાર્થીઓના નિવેદન મુજબ પ્રિન્સિપાલે ફક્ત ઠપકો આપ્યો હતો. આ વિસંગતાને કારણે પ્રિન્સિપાલની કેબિનમાં બનેલી ઘટના અંગે રહસ્ય ઘેરાઈ રહ્યું છે. પોલીસ CCTV ફૂટેજના આધારે તપાસ કરી રહી છે. શાળામાં કુલ 60 જેટલા CCTV કેમેરા છે. પરંતુ સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, પ્રિન્સિપાલની ઓફિસ, ગ્રાઉન્ડ અને એન્ટ્રી-એક્ઝિટ ગેટના CCTV ફૂટેજના DVR પોલીસને ખરાબ હાલતમાં મળ્યા છે. આ DVRને FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી)માં મોકલવામાં આવ્યા છે જેથી સ્પષ્ટ થઈ શકે કે પ્રિન્સિપાલની ઓફિસમાં વિદ્યાર્થી સાથે શું થયું હતું.