સુરતના અઠવા વિસ્તારમાં આઠમી જૂને 23 વર્ષીય અંજલિ વરમોરા નામની મોડલે દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઇ જીવન લીલા સંકેલી લીધી હતી. અંજલિ વરમોરાની મોતના કારણે અનેક સવાલો ઊભા થયા હતા. હવે તેના આપઘાતનો ભેદ ઉકેલાયો છે. આ આપઘાતમાં હવે પ્રેમ પ્રકરણનો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, અંજલિના પ્રેમીએ મૃતક સાથે પ્રેમ સંબંધ બાદ લગ્નના ખોટા વાયદા કર્યા હતા. જોકે, બાદમાં બંને વચ્ચેના સંબંધમાં ખટાશ આવતા પ્રેમી તેને જાતિ વિષયક શબ્દો બોલી તેનું અપમાન કરતો. સતત કરવામાં આવતા આ ત્રાસથી મોડેલ કંટાળી ગઈ હતી અને તેથી તેણે પોતાનું જીવન ટૂંકાવવાનો નિર્ણય લીધો હતો. હાલ, પોલીસે આ મામલે પ્રેમી ચિંતન સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
નવસારી બજાર ખાતે આવેલા કાર્તિક એપાર્ટમેન્ટના પાંચમા માળે અંજલિ પરિવાર સાથે રહેતી હતી. અંજલિના માતા દક્ષાબેને જણાવ્યું હતું કે, તેમની પુત્રી અંજલિ અને ચિંતન વચ્ચે છેલ્લા ચાર વર્ષથી પ્રેમ સંબંધ હતો. અંજલિ, ચિંતનને સાચો પ્રેમ કરતી હતી, પરંતુ ચિંતન તેનો માત્ર ઉપયોગ જ કરતો હતો. દક્ષાબેને જણાવ્યું કે ચિંતન અવારનવાર અંજલિને હેરાન કરતો હતો અને કોઈને કોઈ બહાનું કાઢીને લગ્ન ટાળતો હતો. આપઘાત કરતા પહેલાં પણ અંજલિએ ચિંતન સાથે 16 મિનિટ વાત કરી હતી. દક્ષાબેને ખુલાસો કર્યો કે ફિઝિયોનો અભ્યાસ કરતી અંજલિને ચિંતન મોડેલિંગ કરાવવા લાગ્યો હતો અને અંજલિના બેંક એકાઉન્ટનો ઉપયોગ પણ ચિંતન જ કરતો હતો. લગ્ન માટે ચિંતન ક્યારેય તેના પરિવારને અંજલિના ઘરે લાવ્યો ન હતો અને જ્યારે પણ લગ્નની વાત થતી ત્યારે તે પરિવારને મનાવી રહ્યો હોવાનું જણાવતો હતો. તેણે જાતિમાં ઊંચનીચ હોવાનું બહાનું પણ કાઢ્યું હતું. છેલ્લે, માતાની બીમારીનું બહાનું કાઢીને તેણે લગ્ન કર્યા ન હતા.
મોડેલ અંજલિ વરમોરાના કોલ ડિટેઈલની પ્રાથમિક તપાસમાં આપઘાત પહેલાંના અઢી કલાકમાં કુલ 23 કોલ હોવાનું સામે આવ્યું છે, જેમાં મિસકોલથી લઈને તેણે કરેલા કોલ પણ સામેલ છે. આ 23 કોલ્સમાંથી 12 કોલ ચિંતન અગ્રાવતના હતા. એમાં અંજલિએ તેની સાથે 16 મિનિટ વાત કરી હતી. ઉલ્લેખનીય છે કે, મૃતક અંજલિ વરમોરા અલગ-અલગ કંપનીઓ સાથે મોડેલિંગનું કામ કરતી હતી. તે સુરત અને અમદાવાદના અલગ-અલગ પ્રોજેક્ટ પર તે કામ કરતી હતી. જ્યારે શૂટિંગનું કામ હોય ત્યારે જ તે જતી હતી અને બાકીનો સમય તે ઘરે રહેતી હતી. એ જે કામ કરતી હતી એમાં પરિવારનો સંપૂર્ણ સપોર્ટ હતો.