સુરતના સચિન GIDC વિસ્તારમાં આવેલી એથર ઇન્ડસ્ટ્રીઝ સાથે 30.62 લાખની કિંમતના કેમિકલની ખરીદીમાં છેતરપિંડી આચરવામાં આવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. તેલંગાણા સ્થિત હર્મ્સ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ડાયરેક્ટર કૃણાલ અશોક સિગ્તીયા અને તેમના પિતા અશોક મોહનલાલ સિગ્તીયા સામે સચિન GIDC પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવી છે.એથર ઇન્ડસ્ટ્રીઝના મેનેજર ડેનિશ નવીનચંદ્ર દોઢિયાવાલાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, 7 નવેમ્બર 2020ના રોજ તેમને હૈદરાબાદના નાચારામ ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં આવેલી હર્મ્સ કેમિકલના કૃણાલ અને અશોક સિગ્તીયાનો મેઇલ આવ્યો હતો, જેમાં કેમિકલના સેમ્પલ માંગવામાં આવ્યા હતા. સેમ્પલ પસંદ પડતા, આ પિતા-પુત્રે 6 જૂન 2021 સુધીમાં અલગ-અલગ ઓર્ડર આપીને કુલ 30,62,413ની કિંમતનું કેમિકલ મંગાવ્યું હતું. આ પેમેન્ટ 30 દિવસમાં કરવાનું હતું, પરંતુ સમય મર્યાદા પૂર્ણ થયા બાદ પણ પેમેન્ટ મળ્યું નહોતું. ઉઘરાણી કરતા પહેલા બહાના કાઢવામાં આવ્યા અને બાદમાં કુરિયર મારફતે ચેક મોકલ્યા હોવાનું જણાવ્યું, પરંતુ કુરિયર કંપનીમાં તપાસ કરતા આવા કોઈ ચેક આવ્યા ન હોવાનું માલુમ પડ્યું. વારંવારની ઉઘરાણી છતાં નાણાં ન મળતા અને નોટિસનો પણ જવાબ ન મળતા, ડેનિશે અંતે સચિન GIDC પોલીસમાં ઠગ પિતા-પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.