સો.મીડિયામાં બદનામ કરવા કાવતરા કર્યા હતા.
સુરતના કાપોદ્રા પોલીસ મથકે જૂન 2024માં કીર્તિ પટેલ સહિત સાત સામે ફરિયાદ દાખલ થઈ હતી. કીર્તિ પટેલ અને તેના સાગરીતો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેતે સમયે કાપોદ્રા પોલીસે એક વ્યક્તિ વિજય સવાણીની ધરપકડ કરી હતી. કીર્તિ પટેલ છેલ્લા એક વર્ષથી ભાગતી ફરતી હતી. જેને કાપોદ્રા પોલીસે પકડી પાડવામાં સફળતા મેળવી છે. કીર્તિ પટેલને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ટિકટોક સ્ટાર રહી ચૂકેલી કીર્તિ પટેલ અને વિજય સવાણી સામે ફરિયાદ કરનાર વજુ કાત્રોડિયા અને વિજય સવાણીનો અગાઉ એક પ્રોપર્ટીની લેતીદેતી મામલે કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. આ કેસ 2024માં બોર્ડ ઉપર આવવાનો હોવાથી વિજય સવાણી અને તેના સાગરીતો સાથે મળીને વજુ કાત્રોડિયા પાસેથી બળજબરીથી પૈસા કઢાવવા ઈચ્છતો હતો. એટલા માટે જ વિજય સવાણીએ કીર્તિ પટેલ અને તેના સાગરીતો સાથે મળીને સોશિયલ મીડિયા પર વજુ કાત્રોડિયાને બદનામ કરવાના કાવતરાઓ કર્યા હતા.


ફરિયાદી વજુ કાત્રોડિયાને સમાધાન કરવા માટે કોસમાડી પાટીયા ખાતે આવેલા સિલ્વર ફાર્મમાં મળવા માટે બોલાવવામાં આવ્યા હતા. આ ફાર્મમાં જાનવી ઉર્ફે મનીષા ગૌસ્વામી, ઝાકીર, કીર્તિ પટેલ અને વિજય સવાણીએ ફરિયાદી વજુ કાત્રોડિયાને કોઈ ઠંડા પીણામાં નશીલો પદાર્થ પીવડાવી તેના ફોટા અને વીડિયો બનાવી ફરિયાદીને બ્લેકમેલ કરી સમાધાન માટે બે કરોડ રૂપિયાની માંગણી કરી હતી. જો પૈસા નહીં આપે તો ફોટા અને વીડિયો ઇન્સ્ટાગ્રામ તેમજ અલગ અલગ સોશિયલ મીડિયામાં વાઇરલ કરી ફરિયાદીને બદનામ કરવાની ધમકી આપી હતી.આ સમગ્ર મામલે વજુ કાત્રોડિયા દ્વારા કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવતા 2024માં કાપોદ્રા પોલીસે વિજય સવાણીની ધરપકડ કરી હતી અને કીર્તિ પટેલ સહિત અન્ય ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા. કાપોદ્રા પોલીસે કીર્તિ પટેલને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.