અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ક્રૂ મેમ્બર સહિત 242 મુસાફરોના મોત.
અમદાવાદના મેઘાણીનગરમાં સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર ટેક ઑફ કરતી વખતે એર ઇન્ડિયાનું અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ થયું છે. એર ઇન્ડિયાના આ પ્લેનમાં સવાર ક્રૂ મેમ્બર સહિત 242 મુસાફરોના મોત થયાનો ન્યૂઝ એજન્સી એ દાવો કર્યો છે.







અમદાવાદના મેઘાણીનગરમાં સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર ટેક ઑફ કરતી વખતે એર ઇન્ડિયાનું અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ થયું છે. આ વિમાન ઍરપોર્ટ પરથી બપોરે 1.38 વાગે ટેક ઑફ થયું હતું અને 1.40 વાગે દુર્ઘટના સર્જાઈ હતી. પ્રાથમિક અહેવાલો પ્રમાણે મેઘાણીનગર વિસ્તારમાં ઘોડા કેમ્પ નજીક આઇજીબી કમ્પાઉન્ડમાં આ ઘટના બની હતી. આ દરમિયાન દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા, જેથી આસપાસના રહીશોમાં ભય ફેલાઈ ગયો હતો. પ્રાથમિક અહેવાલો પ્રમાણે, ટેક ઑફ વખતે વિમાનનો પાછળનો ભાગ વૃક્ષ સાથે અથડાતાં આ ઘટના બની હતી. એવું પણ કહેવાય છે કે, આ પ્લેનમાં કોઈ ટેક્નિકલ ખામી સર્જાઈ હોવાથી દુર્ઘટના સર્જાઈ હતી.ગુજરાત આરોગ્ય અને જન કલ્યાણ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી ધનંજય દ્રિવેદીએ જણાવ્યું હતું કે, અમદાવાદ સિવિલ હોસ્ટિલના વિદ્યાર્થીઓની હોસ્ટેલ, સ્ટાફ ક્વાર્ટર્સ અને અન્ય રહેણાંક વિસ્તારમાં વિમાન ક્રેશ થયુ હતું. અત્યારસુધી 50 જેટલા ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તમામની સારવાર થઈ રહી છે. હોસ્ટેલમાં રહેતા અનેક લોકોએ પણ જીવ ગુમાવ્યા છે. ત્યાં રહેતાં લોકો પણ ઘવાયા છે. આશરે 50 ઈજાગ્રસ્તોને સિવિલ હોસ્ટિપલ ખસેડવામાં આવ્યા છે. તેમને સંભવિત તમામ સારવાર અપાઈ રહી છે. તેમની સ્થિતિ ગંભીર છે. બીજે મેડિકલ કોલેજ ખાતે ડીએનએ ટેસ્ટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. આ વિમાનમાં સવાર લોકોના વાલીઓ અને બાળકોને ડીએનએ સેમ્પલ આપવા અપીલ છે. જેથી મૃતકોની ઓળખ થઈ શકે.