સુરતના રિંગ રોડ વિસ્તારમાં આવેલી અનમોલ ટેક્સટાઈલ માર્કેટનો એક વીડિયો વાઈરલ થયો હોવાની ચર્ચા છે. જે વીડિયોમાં જોવા મળી રહ્યું છે માર્કેટમાં સાડીના વેપારી દ્વારા બે યુવકોને ઝડપી પાડી તેમને નગ્ન કરવામાં આવે છે. ત્યાર બાદ બંને યુવકોને એક બાદ એક બધાની વચ્ચે લઈ જઈ લાકડાના દંડા વડે ફટકા મારવામાં આવે છે. એટલું જ નહીં પરંતુ તેમને કાન પકડીને ઉઠક બેઠક પણ કરાવવામાં આવતી હોવાનું વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે. તો બીજી તરફ કેટલાક લોકો દ્વારા આ તાલિબાની સજાનો વીડિયો બાનવવામાં આવી રહ્યો હોવાનું પણ જોવા મળી રહ્યું છે.

સુરતની ટેક્સટાઈલ માર્કેટમાં સમયાંતરે કપડાં ચોરીની ઘટનાઓ સતત બનતી રહે છે, ત્યારે અનમોલ માર્કેટમાં બે વ્યક્તિઓ ચોરી કરી હોવાનું જણાઈ આવ્યું છે. ચોરી કરતા સમયે ઝડપાઈ ગયા બાદ વેપારીઓ ભારે ગુસ્સામાં આવીને તેને માર મારી રહ્યા છે. બે વ્યક્તિઓને નગ્ન કરવામાં આવ્યા હતા. તેમને ઉઠક બેઠક કરાવીને અમે ચોર છીએ અને હવે પછી અમે માર્કેટમાં નહીં આવીએ એ પ્રકારનું બોલાવવામાં આવ્યું હતું.
વીડિયો સુરતના રિંગ રોડ વિસ્તારમાં આવેલી અનમોલ માર્કેટનો છે કે કેમ તે અંગે હજી સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી.વાઈરલ વીડિયો અંગે ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે, એક વીડિયો વાઈરલ થયો છે. જેમાં બે વ્યક્તિઓને નગ્ન કરીને માર મારવામાં આવ્યો હોવાનં સ્પષ્ટ દેખાઈ આવે છે. આ વીડિયો આજનો છે કે ક્યારે લેવામાં આવ્યો છે તે અંગે હજુ સુધી કો સ્પષ્ટતા થઈ નથી.