Home Uncategorized સુરત જિલ્લાના મહુવા તાલુકાના ૧૦૧ વર્ષીય એક માત્ર હયાત સ્વાતંત્ર્યસેનાની મણિબહેન બાપુભાઈ...

સુરત જિલ્લાના મહુવા તાલુકાના ૧૦૧ વર્ષીય એક માત્ર હયાત સ્વાતંત્ર્યસેનાની મણિબહેન બાપુભાઈ પટેલે મતદાન કર્યું.

81
0

આઝાદી માટે અનેક નરબંકાઓએ બલિદાનો આપ્યા છે ત્યારે લોકશાહીના પર્વમાં દરેક મતદારોએ મતદાન અવશ્ય કરવું જોઇએઃ મણિબહેન પટેલ.

આદિવાસી સમાજના અણમોલ રતન એવા સ્વાતંત્ર્યસેનાની મણિબહેને તેમના સ્વ.પતિ બાપુભાઈ સાથે અનેક સ્વાતંત્ર્ય ચળવળોમાં ભાગ લીધો હતો.

અમે તો આઝાદીના લડવૈયાઓ છીએ, આઝાદીની લડાય માટે જેલવાસ પણ ભોગવ્યો છે. લોકશાહીના મહાપર્વમાં દરેક મતદારે પોતાનું મતદાન કરવું જ જોઈએઃમણીબહેન પટેલ.

સુરતઃગુરૂવારઃ- ગુજરાતની વિધાનસભાની સામાન્ય ચુંટણીના પ્રથમ તબક્કાની ચુંટણીઓમાં યુવાનોથી લઈ વયોવૃદ્ધ મતદારોએ ભારે ઉત્સાહ સાથે મતદાન કરીને લોકશાહીના મહાપર્વની ઉજવણી કરી હતી.


આઝાદીના જંગમાં અંગ્રેજો સામે લડત ચલાવનારા સુરત જિલ્લાના એકમાત્ર હયાત સ્વાતંત્ર્યસેનાની અને આદિવાસી સમાજનું અણમોલ રત્ન એવા મહુવા તાલુકાના વહેવલ ગામના આશ્રમ ફળિયા ખાતે રહેતા મણિબેન બાપુભાઈ પટેલે (ધોડિયા) ગામની અંબિકા વહેવલ પ્રાથમિક શાળાના મતદાન મથકે મતદાન કરીને લોકશાહી પર્વની સાચા અર્થમાં ઉજવણી કરી હતી. મણિબેન કહે છે કે, ગુલામીની ઝંઝીરોમાંથી આઝાદ થવા માટે લાખો સ્વાંતત્ર્ય સેનાનીઓએ પોતાનું સર્વસ્વ દેશને સમર્પિત કરી પ્રાણ બલિદાનો આપ્યા છે, જેના પરિણામે આ મહામુલી આઝાદી મળી છે, જેથી સૌ કોઈએ આ લોકશાહીના મહાપર્વની મતદાન કરીને ઉજવણી કરવી જોઈએ. મણિબેનનું ૧૦૧ વર્ષ થયા છે. દરેક ચૂંટણીમાં તેઓ અચૂક મતદાન કરે છે. તેઓ પોતાનું રોજીંદુ કામ પણ જાતે જ કરે છે, પરિવાર શાંતિથી આરામદાયક જીવન જીવવાનો આગ્રહ કરે છે, પણ તેઓ ‘કામ કરીશું તો શરીર સાજું નરવું રહેશે’ એમ જણાવે છે.
મણિબેને સ્વાતંત્ર્ય સંગ્રામમાં આપેલા અમૂલ્ય યોગદાનથી આજની યુવા પેઢીએ ધણુ શીખવા જેવું છે. મહાત્મા ગાંધીજીએ ‘કરેંગે યા મરેગે’ નો નારો આપ્યો ત્યારે સમગ્ર દેશમાં અંગ્રેજો સામે લાખો સત્યાગ્રહીઓએ જુસ્સા સાથે લડત ચલાવી. એ સમયે આદિવાસી સમાજના અણમોલ રત્ન એવા મણિબહેન તથા તેમના પતિ બાપુભાઈએ સાથે મળીને આઝાદીના આંદોલન અને અનેકવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. તેઓ કહે છે કે, ૧૯૪૨માં વિદેશી કાપડનું વેચાણ કરતા વેપારીઓની દુકાન સામે પિકેટીંગ કરવા જતા ઓલપાડ ખાતેથી મારી અને અમારા સમૂહની ચાર-પાંચ બહેનોની ધરપકડ કરવામાં આવી, ત્યારે મારી ઉમર ૨૦ વર્ષની હતી. કોર્ટ દ્વારા છ મહિનાની સજા કરવામાં આવી અને સાબરમતી જેલમાં મોકલવામાં આવી. જેલ ભરો આંદોલનના કારણે જેલમાં કેદીઓનો ભરાવો થઈ જતા બે મહિનામાં અમને મુકત કરવામાં આવ્યા હતા.
અમે તો આઝાદીના લડવૈયાઓ છીએ, આઝાદીની લડાય માટે જેલવાસ પણ ભોગવ્યો છે. લોકશાહીના મહાપર્વમાં દરેક મતદારે પોતાનું મતદાન કરવાનોઅનુરોધ કર્યો હતો. મણિબહેન જેવા આઝાદીના જંગના સાક્ષી રહેલા સ્વતંત્રતા સેનાનીઓ આજે સ્વતંત્ર અને આધુનિક ભારતના લોકશાહી પર્વમાં ભાગ લઈ રહ્યા છે એ પણ નવી પેઢી અને દેશ માટે ગૌરવની ક્ષણ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here