વર્ષ ૨૦૧૧માં ડુંગરાના ફ્લેટમાંથી લાશ મળતા પંચક્યાસ કરવા ગયેલા એએસઆઈ સોમા વસાવાએ મૃતકનો મોબાઈલ ફોન ચોરી લીધો હતો.
વાપીના ડુંગરા વિસ્તાર આવેલા ફલેટમાં લાશનું પંચયાસ કરવા ગયેલા તત્કાલિન એએસઆઈએ મૃતકનો મોબાઈલ ચોરી કર્યાના કેસમાં કોર્ટે આરોપીને ત્રણ વર્ષની કેદની સજા ફટકારતો ચુકાદો આપ્યો છે.

કેસની વિગત એવી છે કે, વાપીના ડુંગરાના પીરમોરા ફળિયામાં નાકોડા બિલ્ડિંગના ફલેટમાંથી રાજદીપ રણજીત મુખરજીની તા. ૨૩-૦૪-૧૧ના રોજ પલંગ પરથી નિર્વસ્ત્ર હાલતમાં લાશ મળી આવી | હતી. પોલીસે લાશનો કબજો લઈ પી.એમ. કરાવ્યા બાદ અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો. મૃતકના બહેન-બનેવીએ લાશનો કબજો લીધા બાદ અંતિમ વિધી કરી દીધી હતી. જોકે, ઘટના સ્થળેથી મૃતકનો મોબાઇલ ગાયબ થઇ જતા ફરિયાદ કરતા તપાસ દરમિયાન ઘટના સ્થળે લાશનું પંચકયાસ કરવા ગયેલા તત્કાલિન એએસઆઈ સોમા સોમજી વસાવાએ મોબાઇલ ચોરી લીધો હોવાનું બહાર આવ્યું હતું. જેથી પોલીસે ગુનો નોંધી જરૂરી પુરાવા સાથે કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરી હતી.
આ કેસની વાપી કોર્ટમાં હાથ ધરાયેલી સુનાવણી દરમિયાન સરકારી વકીલ અમીત પી.ખંભાતીએ અનેક પાસા પર કરેલી દલીલો બાદ કોર્ટના જજ આર.વી.જોટાણીયાએ આરોપી સોમા વસાવાને તકસીરવાર ઠેરવી ત્રણ વર્ષની કેદની સજા અને રૂ. ૩ હજારનો દંડ ફટકારતો મહત્વનો ચુકાદો આપ્યો છે.