જમ્મુ-કાશ્મીરમાં થયેલા આંતકી હુમલા બાદ ગુજરાત પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે. જેમાં મોડીરાત્રે અમદાવાદ અને સુરતમાં પોલીસે વિવિધ ટીમો બનાવી અલગ-અલગ વિસ્તારોમાં રેડ કરી હતી. આ કાર્યવાહીમાં મોડી સંખ્યામાં બાંગ્લાદેશી નાગરીકો ઝડપાયા છે. સુરતમાંથી 120થી વધુ બાંગ્લાદેશી પુરુષ અને મહિલાની અટકાયત કરવામાં આવી છે. તમામના પૂછપરછ અને જરૂરી ડોક્યુમેન્ટની તપાસ ની કામગીરી હાથ ધરવામાં આવી.
કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા તમામ રાજ્યોને આદેશ આપવામાં આવ્યો હતો કે 48 કલાકમાં તમામ પાકિસ્તાનીઓને વતન ભેગા કરવામાં આવે. જેના પર કાર્યવાહી કરતી વખતે જ પોલીસના હાથે આ બાંગ્લાદેશીઓ ચઢી ગયાનો દાવો કરાયો છે. રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી અગાઉ જ પાકિસ્તાની નાગરિકોને પણ અલ્ટીમેટમ આપી ચૂક્યા હતા.




સૂત્રોના જણાવ્યાનુસાર સુરતના સચિન, ઉન, લાલગેટ અને લિંબાયત સહિતના અમુક વિસ્તારોમાં આ દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે પ્રાથમિક તપાસમાં એવો દાવો કર્યો હતો કે આ લોકો પાસે ભારત સરકાર દ્વારા માન્ય આધારકાર્ડ પણ મળી આવ્યા છે. ઓપરેશન બાંગ્લાદેશીની કાર્યવાહી રાત્રના 12 વાગ્યાથી શરૂ કરાઈ હતી, જે સવારના 6 વાગ્યા સુધી ચાલી હતી. સુરત પોલીસની 6 ટીમમાં 100 જેટલા પોલીસકર્મીઓ હતા. બે ડીસીપી, ચાર એસીપી અને 10 જેટલા પીઆઇ સામેલ હતાં. હાલમાં 120થી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશીની અટકાયત કરાઈ છે. પોલીસ તમામને હેડ ક્વાટર લઈને આવી છે. પુલીસ એ 6 ટીમ બનાવીને તમામ શંકાસ્પદોની અટકાયત કરી લેવામાં આવી છે અને તેમના દસ્તાવેજોની ચકાસણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી.