પ્રત્યેક નાગરિક પોતાના કર્તવ્યનું પાલન કરે તો ‘વિકસિત ભારત’ બનતાં વિશ્વની કોઈ તાકાત રોકી નહીં શકે : રાજ્યપાલશ્રી
૭૬મા પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ વ્યારા ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ‘એટ હૉમ’ કાર્યક્રમ યોજાયો.
‘એટ હૉમ’માં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ રાજ્યના નાગરિકોને પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવી.
માહિતી બ્યુરો,તાપી:તા.૨૫-શનિવાર: ૭૬મા પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ‘એટ હૉમ’ કાર્યક્રમ અંતર્ગત વ્યારા જિલ્લાના અગ્રણી મહાનુભાવો અને નાગરિકોને મળી પરસ્પર શુભેચ્છાઓની આપ-લે કરી હતી.
વ્યારાના સયાજી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા ‘એટ હૉમ સ્નેહમિલન’ કાર્યક્રમમાં રાજ્યપાલશ્રીએ વ્યારા સહિત રાજ્યના નાગરિકોને પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવી હતી.
આ પ્રસંગે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત બનવા તરફ આગળ વધી રહ્યો છે. ભારતે રોડ નેટવર્ક, આરોગ્ય સુવિધાઓમાં વધારો અને શિક્ષણનું નવીનીકરણ, આધુનિક ટેકનોલોજી, ઔદ્યોગિક ક્રાંતિ અને રોજગારી વર્ધનમાં નવા સીમાચિહ્નો હાંસલ કર્યા છે. એટલું જ નહીં, આજે સમગ્ર દેશ પૂર્ણ સમર્પણભાવ સાથે શહીદો અને સ્વતંત્રતા સેનાનીઓ પ્રત્યે સન્માનની ભાવના સાથે રાષ્ટ્રનિર્માણની નવી ચેતનાનો અનુભવ કરી રહ્યો છે એમ જણાવી તેમણે આપણા ભવ્ય વારસાનું ગૌરવ અને જતન કરવા, રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે એકજૂથ થવા અને રાષ્ટ્ર પ્રત્યેની ફરજો પાળવા સૌ પ્રતિજ્ઞાબદ્ધ બને એવું આહ્વાન કર્યું હતું.
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી:-એક અને નેક બનીને કર્તવ્યનિષ્ઠ રહીશું તો ભારતનું ‘વિશ્વગુરૂ’નું પ્રાચીન ગૌરવ પુન:સ્થાપિત કરી શકીશું
રાજ્યપાલશ્રીએ કહ્યું કે, લોકશાહીના કારણે જ આજે સામાન્ય વ્યક્તિ પણ ઉચ્ચ સ્થાને બિરાજી શકે છે. રાજ્યના નાનકડા નગર વડનગરના શ્રી નરેન્દ્ર મોદી વડાપ્રધાનપદે અને સામાન્ય આદિવાસી પરિવારના શ્રીમતી દ્રૌપદી મુર્મૂ દેશના રાષ્ટ્રપતિ પદે આરૂઢ થયા છે એ લોકતંત્રની તાકાત અને સુંદરતા છે. એટલે જ લોકશાહી મૂલ્યોને જાળવી ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’નું નિર્માણ કરવા દેશવાસીઓ આગળ વધે.
રાજ્યપાલશ્રીએ ઉમેર્યું કે, રાષ્ટ્રનું નવનિર્માણ સૌને સમાન ન્યાય, અધિકાર, એકતા અને પરિશ્રમથી થાય છે. દેશનો પ્રત્યેક નાગરિક કર્તવ્યભાવનાનું પાલન કરે તો દેશને ‘વિકસિત ભારત’ બનતાં વિશ્વની કોઈ તાકાત રોકી નહીં શકે. આ સંદર્ભે તેમણે એક અને નેક બનીને કર્તવ્યનિષ્ઠ રહીશું તો ભારતનું ‘વિશ્વગુરૂ’નું પ્રાચીન ગૌરવ પુન:સ્થાપિત કરી શકીશું એવો સ્પષ્ટ મત વ્યક્ત કર્યો હતો.
દેશના ભવ્ય વારસાનું ગૌરવ-જતન કરવા, રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે એકજૂથ થવા અને રાષ્ટ્ર પ્રત્યેની ફરજો પાળવા સૌને પ્રતિજ્ઞાબદ્ધ બનવાનું આહ્વાન કરતા રાજ્યપાલશ્રી
શ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રજાસત્તાક પર્વને અનુલક્ષીને સૌ નાગરિકોને ‘રાષ્ટ્ર સર્વોપરી’ના ભાવ સાથે જવાબદાર નાગરિક બનવા આહ્વાન કરતાં સ્વાતંત્ર્ય સેનાનીઓના સપનાનાં મહાન રાષ્ટ્રનું નિર્માણ કરવા સંકલ્પબદ્ધ થવા અનુરોધ કર્યો હતો.
આ વેળાએ પોલીસ બેન્ડે રાષ્ટ્રગીત અને દેશભક્તિના ગીતોની સુરાવલિ રેલાવી વાતાવરણને રાષ્ટ્રભક્તિમય બનાવી દીધું હતું. કાર્યક્રમમાં સંગીત વૃંદે રજૂ કરેલા એ વતન.. મેરે વતન… સંદેશે આતે હૈ.. યે દેશ હૈ વીર જવાનો કા.. જેવા દેશભક્તિ ગીતોથી ઉપસ્થિત તમામ નાગરિકો રાષ્ટ્રપ્રેમના રંગે રંગ્યા હતા.
કાર્યક્રમ પૂર્વે પોલીસ દળ દ્વારા ગાર્ડ ઓફ ઑનર આપી રાજ્યપાલશ્રીને વિશેષ સન્માન અપાયું હતું.
આ પ્રસંગે સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા, જિ.પંચાયત પ્રમુખ શ્રી જાલમસિંહ વસાવા, ધારાસભ્ય સર્વ શ્રી મોહનભાઈ કોંકણી, મોહનભાઈ ઢોડિયા, ડો.જયરામભાઈ ગામીત, નગરપાલિકા પ્રમુખ શ્રી રિતેષ ઉપાધ્યાય, મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, રાજ્ય પોલીસ વડા શ્રી વિકાસ સહાય, તાપી જિલ્લા પ્રભારી સચિવ શ્રી મિલિંદ તોરવણે, પ્રિન્સિપલ ચીફ સેક્રેટરી (સામાન્ય વહીવટ વિભાગ) શ્રી કમલ દયાણી, માર્ગ અને મકાન વિભાગના સચિવશ્રી એ.કે. શર્મા, રાજભવનના અગ્ર સચિવશ્રી અશોક શર્મા, જિલ્લા કલેક્ટર ડો.વિપીન ગર્ગ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહ, રેન્જ આઈ.જી. શ્રી પ્રેમવીર સિંઘ, જિલ્લા પોલીસ વડા શ્રી રાહુલ પટેલ, પદાધિકારીઓ, વરિષ્ઠ અધિકારીઓ, સમાજ શ્રેષ્ઠીઓ, સરપંચો, એક્સ આર્મી મેન્સ, ખેડૂતો, અગ્રણી ઉદ્યોગપતિઓ, શિક્ષણવિદો, આરોગ્યકર્મીઓ, સ્વૈચ્છિક સંસ્થાના પ્રમુખ, ખાદ્ય ઉત્પાદક સંગઠન, ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા સિદ્ધિપ્રાપ્ત રમતવીરો, પ્રબુદ્ધ અને ગણમાન્ય નાગરિકો, જિલ્લા વહીવટીતંત્રના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.