અઠવાલાઈન્સ નવચેતન સોસાયટીના કરોડોની મિલકતના વિવાદના કેસમાં દિનકરરાયે બારોબાર સમાધાન કરી અન્ય પીડિત વ્યક્તિ સાથે ઠગાઈ કરી હતી.
સુરતઃ અઠવાલાઈન્સ સ્થિત નવચેતન સોસાયટીમાં કરોડોની મિલકતના વિવાદમાં સાર્વજનિક ટ્રસ્ટના ઉપ પ્રમુખ દિનકરરાય નાયક અને સિટીલાઈટના નિલેશ નાકરાણી સહિત ૪ મહિલા સામે સુરતની કોર્ટે ઠગાઈ મુજબનો ક્રિમિનલ કેસ નોંધવાનો આદેશ કર્યો છે.
આ કેસની વિગત એવી છે કે, મૂળ અમરેલીના વતની અને હાલ સિટીલાઈટ રોડ માહી રેસીડેન્સીમાં રહેતા નિલેશ મનસુખ નાકરાણીએ અઠવાલાઈન્સની નવચેતન સોસાયટીની કરોડો રૂપિયાની એક મિલકત વરાછા લક્ષ્મણનગરમાં રહેતા શંભુ વેલજી સવાણીને અને બાદમાં સાર્વજનિક એજ્યુકેશન ટ્રસ્ટના ઉપપ્રમુખ દિનકરરાય છોટુ નાયક (ઉ.વ.૮૦, રહે.,મેઘદુત સોસા.,અઠવાલાઈન્સ હેડ ક્વાર્ટસને પણ વેચી કાઢી હતી.
નિલેશ નાકરાણીએ શંભુ સવાણી અને દિનકરરાય નાયક સાથે ઠગાઈ કરી હતી. જેથી દિનકરરાય અને શંભુભાઇએ નિલેશ નાકરાણી સામે ઉમરા પોલીસમાં ફરિયાદ કરી હતી. આ કેસમાં ફરિયાદી દિનકરરાય બન્યા હતા અને સાહેદ તરીકે શંભુભાઈને દર્શાવવામાં આવ્યા હતા. દરમિયાન નિલેશ નાકરાણી અને દિનકરરાય તેમજ શંભુભાઈ વચ્ચે સમાધાન થયું હતું. સમાધાનમાં શંભુભાઈને રૂ.૮૦ લાખ નિલેશ નાકરાણીએ ચુકવવાની વાત થઈ હતી. બીજી તરફ આ કેસની કોર્ટ કાર્યવાહી વચ્ચે જ શંભુભાઈને અંધારામા રાખી નિલેશ નાકરાણી અને દિનકરરાયે ભેગા મળીને કોર્ટમાં આ ઠગાઈનો કેસ પુરો કરી નાંખ્યો હતો.
જેથી શંભુભાઈના નિલેશ નાકરાણી પાસેથી લેવાના રૂ.૮૦ લાખ ડુબી ગયા હતા. જેથી શંભુભાઈએ નિલેશ નાકરાણી અને દિનકરરાય તેમજ બે મહિલા સામે પ્રાઈવેટ ફરિયાદ કરી હતી.
કોર્ટે દલીલો અને રેકર્ડ પરના પુરાવા ધ્યાને લેતા શંભુભાઈ સાથે નિલેશ નાકરાણી અને દિનકરરાયે ઠગાઈ કરી હોવાનુ ફલિત થયું હતું. કોર્ટ દિનકરરાય, નિલેશ નાકરાણી અને બે મહિલા સામે ક્રિમીનલ કેસ દાખલ કરવાના હુકમ સાથે આરોપીઓ સામે પ્રોસેસ ઇસ્યુ કર્યા હતા.