રૂમમાંથી દુર્ગંધ આવતા લોકોેએ પોલીસને જાણ કરી.
સુરતના પાંડેસરા વિસ્તારમાં હત્યાના શંકાસ્પદ બનાવે ચકચાર મચાવી છે. કર્મયોગી સોસાયટીના એક રૂમમાંથી 35 વર્ષીય લક્ષ્મીબેન કૃષ્ણા સ્વાઈની કોહવાય ગયેલી લાશ મળતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. પોલીસ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, લક્ષ્મીબેનની લાશ ઘરની અંદરથી મળી આવી છે, મકાન બહારથી બંધ હતું. પતિ બે દિવસથી કોઈ સંપર્કમાં ન હોવાથી શંકાના દાયરામાં આવ્યો છે.
કર્મયોગી સોસાયટીના પ્લોટ નંબર 457-58 ખાતે આવેલા રૂમમાંથી અસહ્ય દુર્ગંધ આવતાં આજુબાજુના રહીશોએ શ્વાસ લેવા સુધી મુશ્કેલીઓ અનુભવી રહ્યાં હતાં. આ અસહ્ય સ્થિતિને કારણે લોકોએ પાંડેસરા પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી અને રૂમના દરવાજા પર લાગેલું લોક તોડી અંદર પ્રવેશતા પલંગ પર લક્ષ્મીબેનનો મૃતદેહ કોહવાયેલી હાલતમાં મળી આવ્યો હતો. હત્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે, મહિલાના પતિએ છેલ્લા બે દિવસથી તેની સાથે સંપર્ક તોડ્યો હતો અને તે બંને દિવસથી ગાયબ છે. પોલીસને આશંકા છે કે, પતિએ લક્ષ્મીબેનની હત્યા કર્યા બાદ ઘરની બહારથી લોક મારી ભાગી ગયો હશે. રહેવાસીઓએ જણાવ્યું કે, પતિ અને પત્ની વચ્ચે પાછલા દિવસોમાં તનાવભર્યા સંબંધો જોવા મળ્યા હતા, જે હત્યાની શંકાને મજબૂત બનાવે છે.
પાંડેસરા કર્મયોગી સોસાયટીમાં રહેતા મૂળ ઓરિસ્સાના વતની ક્રિષ્ના સ્વાઇ અને તેની પત્નીએ વર્ષ 2017માં ઘરના વારસા બાબતે સાળા ધર્મેશની પત્ની અનિતાની હત્યા કરી હતી.જેમાં ક્રિષ્નાને આજીવન કેદની સજા થઇ હતી જ્યારે લક્ષ્મી નિર્દોષ છૂટી હતી. આજીવન કેદની સજા ભોગવતો ક્રિષ્ના થોડાક દિવસ પૂર્વે જેલમાંથી બહાર આવ્યો હતો. કોઇક મામલે લક્ષ્મી જોડે ઝઘડો થતાં તેની હત્યા કરી રૂમને તાળુ મારી ભાગી ગયો હતો. ઘરમાંથી સતત દુર્ગંધ આવતા સ્થાનિકોએ પોલીસને જાણ કરતાં આ ઘટના સામે આવી હતી. મહિલાનું મોત આશરે ત્રણેક દિવસ પહેલાં થયું હોવાથી લાશ કોહવાઇ ગઇ હતી.