31st પહેલાં સ્ટેટ વિજિલન્સની ટીમનો સપાટો.
સ્ટેટ વિજિલન્સની ટીમે આજ રોજ સપાટો બોલાવ્યો હતો. સુરતના કામરેજ પોલીસની હદમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. સ્ટેટ વિજિલન્સની ટીમે 77 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી કુલ 1.27 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
સ્ટેટ વિજિલન્સની ટીમને કામરેજ પોલીસની હદમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપવામાં સફળતા મળી હતી. સ્ટેટ વિજિલન્સની ટીમે સુરત જિલ્લામાં પસાર થતા નેશનલ હાઇવે 48 પર કામરેજ પોલીસની હદમાં આવેલી મહાદેવ હોટેલ પાસેથી વિદેશી દારૂનો જથ્થો ભરેલા બે કન્ટેનર ઝડપી લીધા હતા.એક કન્ટેનર ચાલક ફરાર થઈ ગયો હતો, જ્યારે બીજો પકડાઈ ગયો હતો. કન્ટેનર ખોલવામાં આવતા સ્ટેટ વિજિલન્સની ટીમ પણ ચોંકી ગઈ હતી. બંને કન્ટેનરમાંથી 77 લાખની કિંમતની કુલ 32,916 જેટલી વિદેશી દારૂની નાની મોટી બોટલો મળી આવી હતી. સ્ટેટ વિજિલન્સની ટીમે વિદેશી દારૂ, બે કન્ટેનર, રોકડ, મોબાઈલ મળી કુલ 1.27 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો. કન્ટેનરચાલક વિવેક કુમાર શ્યામ સુંદરને ઝડપી અનિલ યાદવ, માણેક પટેલ, રવીન્દ્ર રાજપૂત સહિત કુલ 7ને વોન્ટેડ જાહેર કર્યા હતા. આ વિદેશી દારૂનો જથ્થો દમણથી સૌરાષ્ટ્ર તરફ જતો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું.