ઓગષ્ટ મહિના દરમિયાન ૨ બાળશ્રમિક અને ૩ તરૂણશ્રમિકોનું પુન:વસન.
સુરત:સોમવાર: નિવાસી અધિક કલેકટરશ્રી વિજય રબારીની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના સભાખંડમાં ચાઈલ્ડ લેબર ટાસ્ક ફોર્સ કમિટીની બેઠક યોજાઈ હતી. જેમાં ગત ઓગષ્ટ માસમાં બાળમજૂરી નાબૂદી અભિયાન હેઠળ કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. બાળમજુરી નાબુદી માટે વધુમાં વધુ જાગૃતિ આવે તેવા આશયથી બાળકાયદાઓને લગતા પોસ્ટરો, બેનરોને ટેક્ષટાઈલ માર્કેટ્સ, જરી ઉદ્યોગોના વિસ્તારો, ખાણીપીણીની લારીઓ તેમજ અન્ય જાહેર જગ્યાઓ પર લગાવવામાં આવે તે અંગે નિવાસી અધિક કલેકટરશ્રીએ જરૂરી સુચનો કર્યા હતા.
બેઠકમાં નિવાસી અધિક કલેકટરશ્રીએ બાળમજૂરીમાંથી રેસ્કયુ કરવામાં આવેલા બાળશ્રમિકોનું પુન:વસન થાય તેમજ બાળમજુરી અંગે વધુમાં વધુ જાગૃતિ કેળવાય તે માટે સૌને સાથે મળી કાર્ય કરવાનો અનુરોધ કર્યો હતો. બાળશ્રમિકોનું ભવિષ્ય અંધકારમય ન બને એ માટે બાળમજૂરી કરાવતા લોકો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવો મત વ્યક્ત કર્યો હતો.
મદદનીશ શ્રમ આયુક્ત એસ.એસ.ગામીતે વિગતો આપતા જણાવ્યું કે, ઓગષ્ટ મહિનામાં ટાસ્કફોર્સ દ્વારા કુલ ૩ રેડ કરવામાં આવી હતી, જેમાં ૨ બાળશ્રમિક અને ૪ તરૂણ શ્રમિકો માલૂમ પડ્યા હતા. જેમાંથી ૨ બાળશ્રમિક અને ૩ તરુણ શ્રમિકના પુનર્વસનની કામગીરી કરવામાં આવી હતી. ૧ સંસ્થા સામે એફઆઈઆર અને ૨ નિયમનનો કેસ કર્યો હોવાની વિગતો શ્રમ આયુકત અધિકારીએ આપી હતી.
બેઠકમાં જિલ્લા પ્રા.શિક્ષણ અધિકારી જે એમ પટેલ, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી મુકેશભાઇ ગામીત સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.