ઓછા મતદાનવાળા વિસ્તારોમાં મતદાતા જાગૃતિ અભિયાન- “સખી સહેલી સંગે મતદાન”
માંગરોળ અને ઉમરપાડા તાલુકાના ગામોમાં મહિલા મતદારોને એકત્રિત કરી ૧૦૦% મતદાન થાય એવા આશયથી “સખી સહેલી સંગે મતદાન” અભિયાન
લોકશાહીના પર્વમાં વધુ મતદાન નોંધાય અને મહિલા મતદાતાઓ વધુ પ્રમાણમાં જાગૃત થાય માટે “સખી સહેલી સંગે મતદાન” આવકારદાયક પગલું
સુરતઃબુધવારઃ લોકસભાની સામાન્ય ચૂંટણીમાં મતદારોની ભાગીદારી વધે અને ચૂંટણી પંચનો “No Voters to be left behind” નો હેતુ સિદ્ધ થાય તેમજ લોકશાહીના પર્વમાં વધુને વધુ મહિલા મતદાતાઓ મતદાન કરે તે માટે દરેક જિલ્લામાં મતદાન જાગૃતિના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેના ભાગરૂપે સુરત જિલ્લાના માંગરોળ અને ઉમરપાડા તાલુકાના માંગરોળ, ભડકુવા, સીમોદ્રા, કોસંબા, લિમોદ્રા, હથોડા, ઉભારિયા, વાડી, માંડણ, મોટી દેવરૂપણ, અંબાડી અને ઉમરઝર સહિતના ગામોમાં મહિલા મતદારોને એકત્રિત કરી ૧૦૦% મતદાન થાય એવા આશયથી “સખી સહેલી સંગે મતદાન” અભિયાન હેઠળ મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયા હતા.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી, મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી-પ્રાંત અધિકારી માંડવી, મામલતદાર અને ICDS પ્રોગ્રામ ઓફિસરશ્રીના માર્ગદર્શન હેઠળ આ અભિયાનમાં મહિલા મતદાતાઓને મતદાનના મહત્વ વિશે વિવિધ ફિલ્મનું નિદર્શન, મતદાન શપથ, મતદાનના દિવસે સાથે રાખવાના વિવિધ પુરાવા,મતદાન મથકે મોબાઈલ પ્રતિબંધ વગેરે વિષય પર માહિતી પૂરી પાડી જાગૃત કરવામાં આવ્યા હતા.ત્યારે લોકશાહીના આ પર્વમાં વધુ મતદાન નોંધાય અને મહિલા મતદાતાઓ વધુ પ્રમાણમાં જાગૃત થાય માટે “સખી સહેલી સંગે મતદાન” આવકારદાયક પગલું છે.
“સખી સહેલી સંગે મતદાન” અભિયાનમાં તાલુકાના BLO શ્રી, સેક્શન ઓફિસરો, CDPO, સુપરવાઇઝરો, તલાટી કમ મંત્રીઓ, શિક્ષકો આંગણવાડી કાર્યકરો, સખીમંડળના બહેનો, ગામની મહિલાઓ ઉપસ્થિત રહી હતી.