Home GUJARAT નવી સિવિલ હોસ્પિટલ દ્વારા હીટવેવના સમયે સ્વરક્ષણ અને આરોગ્યની કાળજી વિશે સેમિનાર...

નવી સિવિલ હોસ્પિટલ દ્વારા હીટવેવના સમયે સ્વરક્ષણ અને આરોગ્યની કાળજી વિશે સેમિનાર યોજાયો

42
0
નર્સિંગ સ્ટાફને ગરમીના સમયે દર્દીઓ માટેની નર્સિંગ કેરની સમજ અપાઈ

નર્સિંગ સ્ટાફને ગરમીના સમયે દર્દીઓ માટેની નર્સિંગ કેરની સમજ અપાઈ

ઉનાળાની કાળઝાળ ગરમીમાં સાવધાની રાખવી એ જ સમજદારી છે: ડો.વિકાસબેન દેસાઈ

રક્તદાન, અંગદાન, નેત્રદાન અને મતદાન જેવા મહત્વના દાન પ્રત્યે જાગૃત્ત બનીએ: અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રણેતાશ્રી દિલીપભાઈ દેશમુખ

સુરતઃમંગળવારઃ સુરત શહેર સહિત સમગ્ર રાજ્યમાં ગરમીનો પારો સતત ઊંચો જઈ રહ્યો છે. મહત્તમ તાપમાન ૩૭-૩૮ ડિગ્રી નોંધાઈ રહ્યું છે અને ૨૦ થી ૨૫ કિમી પ્રતિ કલાકની ઝડપે લૂ ફૂંકાઈ રહી છે, ત્યારે કાળઝાળ ગરમીથી બચવા અને આકરા ઉનાળામાં સ્વાસ્થ્ય જાગૃત્તિ માટે નવી સિવિલ હોસ્પિટલના ઓડિટોરીયમ હોલ ખાતે સેમિનાર યોજાયો હતો. જેમાં હીટવેવથી બચવાના ઉપાયો, સ્વરક્ષણ અને આરોગ્યની કાળજી, હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સારસંભાળ માટે નર્સિંગ સ્ટાફને માહિતગાર કરાયા હતા.


આ પ્રસંગે સુરત સરકારી મેડિકલ કોલેજના પી.એસ.એમ.વિભાગના પૂર્વ અધિક આરોગ્ય નિયામક અને અર્બન હેલ્થ એન્ડ ક્લાઈમેન્ટ રેઝીલિયન્સ સેન્ટર ઓફ એક્સલેન્સના ઓનરરી ટેક્નિકલ ડિરેક્ટર ડો.વિકાસબેન દેસાઈએ જણાવ્યું હતું કે, ઉનાળાની કાળઝાળ ગરમીમાં સાવધાની રાખવી એ જ સમજદારી છે. ગરમીના સમયે સ્વરક્ષણ અને આરોગ્ય અંગે કાળજી રાખવી ખૂબ આવશ્યક છે. ઉપરાંત, હોસ્પિટલમાં દાખલ દર્દીઓની કાળજી તેમજ સારવારની સાથે નર્સિંગ કેર મહત્વની બની રહે છે. સામાન્ય દિવસો કરતા ગરમીના સમયે દર્દીઓને નર્સિંગ કેરની વધુ જરૂર પડતી હોય છે. નર્સિંગ સ્ટાફ પોતાની નૈતિક જવાબદારી સમજીને સમગ્ર દિવસ દરમિયાન દર્દીઓને દવાની સાથે સમયાંતરે પૂરતું પાણી આપવું જોઈએ.
વધુમાં ડો.દેસાઈએ કહ્યું કે, દર્દીઓએ તેમજ સામાન્ય જનતાએ ગરમીની પરિસ્થિતિમાં એર કન્ડીશનમાં રહેવાનું ટાળવું જોઈએ. ગરમીથી રાહત મેળવવા વધુ પડતા સોફ્ટ ડ્રિંકસ, ઠંડા પીણા ન પીવા જોઈએ. શરીરમાં પૂરતી માત્રામાં પ્રવાહી રહે તે માટે વારંવાર પાણી પીવાનું ન ગમે તો નારિયેળ પાણી, લીંબુ શરબત, મીઠાવાળી છાશ, સંતરાનો રસ, ગ્લુકોઝનું પાણી ઈત્યાદિ લઈ શકાય. હળવા સુતરાઉ વસ્ત્રો અને શક્યત: હળવા સફેદ રંગના કપડાં પહેરો. ગરમીની સિઝનમાં લિનનના વસ્ત્રો તથા સુંવાળા મલમલના કપડાં અત્યંત આરામદાયક રહે છે. ગરમીમાં બહાર જતી વખતે ટોપી પહેરવી, મહિલાઓએ ઘૂંઘટ, ઓઢણીથી મોં ઢાંકવું જોઈએ, માથું ઢંકાય તે રીતે કે છત્રીનો ઉપયોગ કરવો જોઈએ.


આ પ્રસંગે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રણેતાશ્રી દિલીપભાઈ દેશમુખે રક્તદાન,અંગદાન,નેત્રદાન અને મતદાનને મહત્વનું દાન ગણાવી તમામ લોકોને આ દાન કરવામાં માટે જાગૃત્ત બનવા અનુરોધ કર્યો હતા. તેમણે ઉમેર્યું કે, હીટવેવથી બચવા જાતે પણ કાળજી લેવા અને દર્દીઓને પણ સુરક્ષિત કરવા માટે જરૂરી સરળ પગલાઓ લેવા પ્રેરણા આપી હતી.
સરકારી મેડિકલ કોલેજ-સુરતના સુનિલભાઈ મોદીએ અસહ્ય ગરમીથી બચવા ‘સાવચેતી એ જ સલામતી’નો અભિગમ અપનાવી હીટવેવથી બચવા માટે જાગૃત્તિ કેળવવા માટે આ સેમિનાર મહત્વપૂર્ણ બન્યો છે એમ જણાવ્યું હતું. હીટવેવ સામે સાવધ રહેવા અને રક્ષણના પગલાઓ સંદર્ભે આ સેમિનારનું આયોજન ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઈકબાલ કડીવાલા દ્વારા કરવામાં આવ્યું હતું.
દિલીપભાઈ દેશમુખે ઉપસ્થિત સૌને રક્તદાન,અંગદાન,નેત્રદાન અને મતદાન માટે સંકલ્પ ગ્રહણ કરાવ્યા હતા.
આ પ્રસંગે તબીબી અધિક્ષક ડો.ગણેશ ગોવેકર, આર.એમ.ઓ. ડો.કેતન નાયક, ટી.બી.અને ચેસ્ટ વિભાગના વડા ડો.પારૂલ વડગામા, મેડિકલ કોલેજ ડીન ડો.રાગિણી વર્મા, નર્સિંગ કોલેજના ઈન્ચાર્જ આચાર્ય ડો. શીતલબેન ચૌધરી, નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ આનંદીબેન ગામીત, સ્મીમેર હોસ્પિટલના નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ સર્વશ્રી સુરેન્દ્ર ત્રિવેદી અને અશોક ગડારા, નર્સિંગ એસો.ના અશ્વિન પંડયા, નિલેશ લાઠીયા, વિભોર ચુગ,ચેતન આહિર, વિરેન પટેલ,જગદીશ બુહા, સિવિલના ડોક્ટરો, હેડનર્સ, સ્ટાફનર્સ સહિત આરોગ્યકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here