Home SURAT સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના ઈચ્છાપોર ખાતે હરિકૃષ્ણ ડાયમંડ કંપની દ્વારા આયોજિત ૧૦મા...

સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના ઈચ્છાપોર ખાતે હરિકૃષ્ણ ડાયમંડ કંપની દ્વારા આયોજિત ૧૦મા પારિવારિક લગ્નોત્સવમાં સહભાગી બનતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

65
0
પ્રભુતામાં પગલા પાડી રહેલા ૩૦ નવદંપતિઓને આશીર્વચન પાઠવ્યા

વ્યવસાયને સમાજસેવા સાથે જોડીને ધોળકિયા પરિવારે સંપત્તિનો સમાજહિત માટે સાર્થક ઉપયોગ કર્યો: રાજ્યપાલશ્રી

પ્રભુતામાં પગલા પાડી રહેલા ૩૦ નવદંપતિઓને આશીર્વચન પાઠવ્યા

સુરત:શનિવાર:- રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી ચોર્યાસી તાલુકાના ઈચ્છાપોર સ્થિત હરિકૃષ્ણ ડાયમંડ કંપની- એચ.કે. હબ ખાતે આયોજિત ૧૦મા‘પારિવારિક લગ્નોત્સવ: સંગાથ ભવોભવનો’માં સહભાગી બન્યા હતા. રાજ્યપાલશ્રીએ પ્રભુતામાં પગલાં પાડી રહેલા ૩૦ નવદંપતિઓને આશીર્વચન પાઠવી સુખી અને મંગળમય દામ્પત્ય જીવનની શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પ્રસંગે આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે, જેમ બે નદીઓના નીર મળે છે તે ક્યારેય અલગ નથી થઈ શકતા તેમ સમજણ અને સદ્દવિચારોથી યુક્ત જીવન વિવાહિત દંપતિને ક્યારેય અલગ કરી શકે નહીં. ગૃહસ્થાશ્રમના પ્રારંભે સમજણનો દિપક પ્રગટાવી સુખ અને સમૃધ્ધિનો ઉજાસ રેલાવવાની શીખ તેમણે આપી હતી.

સુખનું નામ સ્વર્ગ છે અને દુઃખનું નામ નર્ક છે. સારી વિચારધારા માનવી માટે સ્વર્ગની અનુભૂતિ અને નબળી અને કનિષ્ઠ વિચારધારા જીવનમાં નર્કનું નિર્માણ કરે છે એમ જણાવતાં રાજ્યપાલશ્રીએ ઉમેર્યું કે, માતાપિતાની આજ્ઞાનું પાલન કરતા દીકરા-દીકરીઓ હોય છે એ ઘરમાં સ્વર્ગ નિર્માણ થાય છે.

રાજ્યપાલશ્રીએ ધોળકિયા પરિવારની સમાજ સેવાની ભાવનાને બિરદાવતા જણાવ્યું કે, આ પરિવારે વ્યવસાયમાં કાર્યરત સાત હજાર કર્મચારીઓને પરિવારજન બનાવ્યા છે. સભ્ય સમાજના નિર્માણ માટે આ પ્રકારની ઉદાર વિચારસરણી અતિ આવશ્યક છે. વ્યવસાયને સમાજસેવા સાથે જોડીને સવજીભાઈ અને પરિવારે સંપત્તિ અને સમૃદ્ધિનો સમાજહિત માટે સાર્થક ઉપયોગ કર્યો છે.

હરિકૃષ્ણ ડાયમંડ કંપનીના ચેરમેનશ્રી સવજીભાઈ ધોળકિયાએ પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું કે, છેલ્લાં દસ વર્ષથી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે ‘સંગાથ ભવોભવ’ થીમ પર આયોજિત લગ્નોત્સવમાં ૧૩ જિલ્લાના ૩૪ તાલુકાના ૧૨૦ ગામોના પરિવારો જોડાયા છે. ઈનહાઉસ ટીમના સાથ સહકાર અને આયોજનથી સમૂહલગ્નના આયોજનની સાથે સામાજિક મૂલ્યો અને પરંપરા, કુટુંબજીવનને આત્મસાત કરવાની પ્રેરણા આપવામાં આવે છે એમ જણાવી રાજ્યપાલશ્રીની પ્રેરણાદાયી ઉપસ્થિતિ નવદંપતિઓ માટે અમૂલ્ય સંભારણું બની રહેશે એમ જણાવ્યું હતું.

પ્રારંભે સ્વાગત પ્રવચન કરી શ્રી હિતાર્થ ધોળકીયાએ રાજ્યપાલશ્રી અને મહાનુભાવોને આવકાર્યા હતા.

નોંધનીય છે કે, આવતીકાલ તા.૨૦મીના રોજ પણ વધુ ૩૧ સમૂહ લગ્ન યોજાશે. આમ, કુલ ૬૧ લગ્નો સંપન્ન થશે.

આ પ્રસંગે રાજ્યપાલશ્રીના ધર્મપત્ની શ્રીમતી દર્શના દેવી, ઘનશ્યામભાઈ ધોળકિયા, પરિવારના મોભી ધનજીદાદા અને ફૂલીબેન, અગ્રણી સર્વશ્રી રાકેશભાઈ દુધાત, મનહરભાઈ સાસપરા મોટી સંખ્યામાં હરિકૃષ્ણ પરિવાર, કંપનીના કર્મચારીઓ, નવદંપતિઓ અને સાજન માજન ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here