સચિન જીઆઇડીસીની એથર કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં 28 નવેમ્બરની મોડી રાત્રે બ્લાસ્ટ થયા બાદ ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં દાઝી ગયેલા 27 જેટલા દર્દીઓને શહેરની અલગ-અલગ હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જેમાં 80થી 100% શરીરે દાઝેલા 10થી વધુ દર્દીઓની હાલત ખૂબ જ ગંભીર હતી. આગ લાગવાના દિવસે ત્રણ જેટલા કામદારોને સુરત ઉધના દરવાજા વિસ્તાર પાસે આવેલી એપલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં સારવાર લઈ રહેલા 40 વર્ષીય પ્રમોદ મદારી ગૌતમનું આજરોજ મોત થયું છે. મૃતક મૂળ બિહારનો વતની હતો. બ્લાસ્ટ સાથે આગની ઘટનામાં સાત લોકો બળીને ભડથું થઈ ગયા હતા. ઉપરાંત આગથી લપેટમાં આવી જતાં 27 જેટલા શ્રમિકો દાઝી ગયા હતા. જેમાંથી હાલ પણ 15થી વધુ શ્રમિકની અલગ-અલગ હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે. સારવાર લઈ રહેલામાંથી 9થી વધુ દર્દીની સ્થિતિ હજી પણ નાજુક છે. આજે હોસ્પિટલના બિછાને એક દર્દીએ દમ તોડતા મૃત્યુઆંક 9 પર પહોંચ્યો છે.