પોસ્ટલ બેલેટથી મતદાન માટે કુલ ૮૯૫ અરજદારોએ અરજી કરી છે
સુરત પૂર્વમાં સૌથી વધુ ૮૩૮ અને કરંજ વિધાનસભામાં સૌથી ઓછા ૧૧૮ મતદારો ૯૦ થી ૯૯ વય ધરાવે છે
‘વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨: અવસર લોકશાહીનો’
સુરત:સોમવાર: આગામી સમયમાં યોજાનાર ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અન્વયે મહત્તમ મતદાન થાય અને ૮૦ વર્ષથી વધુ વયના વડીલો પણ તેમના મતાધિકારનો સમાન રીતે ઉપયોગ કરી શકે એ હેતુથી જિલ્લા ચૂંટણી પંચ દ્વારા પોસ્ટલ બેલેટની વ્યવસ્થા કરવામાં આવી છે. જે અંતર્ગત ૮૦ વર્ષથી વધુની વયના વૃદ્ધો ઘરઆંગણે મતદાન ટુકડીના નિરીક્ષણમાં પોતાનો મત આપી શકે છે.
સુરત જિલ્લાની ૧૬ વિધાનસભાના ૬૨,૦૩૭ જેટલા ૮૦ વર્ષથી ઉપરના વરિષ્ઠ મતદારોને જિલ્લા ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત કરાયેલા BLOના માધ્યમથી ઘરે ઘરે જઈ પોસ્ટલ બેલેટ માટે અરજી કરવાની સુવિધા પૂરી પાડવામાં આવી છે. જેમાંથી અંદાજિત ૮૯૫ અરજીઓ મળી છે. ઉક્ત અરજીઓમાંથી સૌથી વધારે સંખ્યા ઓલપાડ વિધાનસભાથી આવી છે. ઉલ્લેખનીય છે કે, પોસ્ટલ બેલેટના માધ્યમથી મત આપવા ઈચ્છુક અરજદારોને અગાઉથી જાણ કરી મતદાન દિવસ પહેલા જ મતદાન કરાવી દેવામાં આવશે.
નોંધનીય છે કે, સુરતની ૧૬ વિધાનસભાઓમાં સુરત પૂર્વમાં સૌથી વધુ ૮૩૮ અને કરંજ વિધાનસભામાં સૌથી ઓછા ૧૧૮ મતદારો ૯૦ થી ૯૯ વય ધરાવે છે.