પ્રિસાઈડીંગ-પોલીંગ ઓફિસર સહિતના કર્મચારીઓને ત્રણ સેશન્સમાં તાલીમબદ્ધ કરાયા
સુરતઃરવિવારઃ ભારતીય ચૂંટણી પંચ દ્વારા શાંતિપૂર્ણ વાતાવરણમાં ન્યાયી અને નિષ્પક્ષ રીતે ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજાય તે માટેની આયોજનબદ્ધ તૈયારીઓ થઇ રહી છે. જે અંતર્ગત સુરત જિલ્લાની ૧૬ વિધાનસભા બેઠકના વિવિધ તાલીમ કેન્દ્રો પર પ્રિસાઈડીંગ-આસિસ્ટન્ટ પ્રિસાઈડીગ ઓફિસરો સહિત કુલ ૧૬,૭૫૫ પોલીંગ સ્ટાફને બે દિવસ દરમિયાન તાલીમ આપવામાં આવી હતી.
સુરત શહેર સહીત જિલ્લાના વિવિધ તાલીમ સેન્ટર ખાતે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આયુષ ઓક, અધિક જિલ્લા ચૂંટણી અધિકારી કમલેશ રાઠોડના માર્ગદર્શન હેઠળ વિધાનસભા મતવિસ્તારોમાં માસ્ટર ટ્રેનર્સ દ્વારા પ્રિ-પોલ, પોલ-ડે અને આફ્ટર પોલ, EVM, VVPAT, રિસીવીંગ-ડિસ્પેચીંગ સહિતની તબક્કાવાર કામગીરીની પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા જરૂરી જાણકારી અને સમજની સાથોસાથ ચૂંટણીલક્ષી કામગીરી સબબ પ્રત્યક્ષ પ્રેક્ટીકલ નિદર્શન દ્વારા વિસ્તૃત માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.
પ્રિસાઇડિંગ ઓફિસર અને આસિસ્ટન્ટ પ્રિસાઇડીંગ ઓફિસર, પ્રિસાઇડીંગ ઓફિસર અને ફીમેલ પ્રિસાઇડીંગ ઓફિસર સહિતના અધિકારીઓ-કર્મચારીઓ માટે યોજાયેલા આ તાલીમ વર્ગમાં નિરીક્ષકની સાથે મતદાનની કામગીરી સરળ બની રહે તે માટેની આવશ્યક સૂચનો આપવામાં આવ્યા હતા. જે મુજબ મતદાન મથકના ફરજ પરના અધિકારીઓ-કર્મચારીઓને જુદા જુદા વૈદ્યાનિક ફોર્મની વિગતો ભરવા ઉપરાંત રજીસ્ટરમાં તેની નોંધણી, મોકપોલ, મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ EVM મશીન, VVPAT સીલ કરીને તેના ડિસ્પેચીંગ સુધીની તમામ બાબતોથી માહિતગાર કરવામાં આવ્યા હતા. શિક્ષણ અને ચુંટણી વિભાગના માસ્ટર ટ્રેનર્સે આ બે દિવસીય તાલીમ વર્ગોમાં તેમની સેવાઓ આપી હતી.